Team Chabuk- Gujarat Desk: રાજકોટમાં 72 કરોડ રૂપિયાની ખંડણી માગનારો આરોપી હવે જેલનું ભોજન જમશે. વૈભવી લાઈફ સ્ટાઈલ ધરાવતા આ યુવકને પોતાના શોખ પૂરા કરવા માટે રૂપિયા ખુટી રહ્યા હતા જેના કારણે તેણે અપહરણની ધમકી આપી હતી.
શું છે સમગ્ર મામલો ?
બાંધકામનો વ્યવસાય કરતા કિશોર પરસાણાએ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની વિધવા ભાભીને કોઈએ વોટ્સએપ પર ધમકી આપી છે કે, 72 કરોડ રૂપિયા આપો નહીં તો તમારી ત્રણે પુત્રીનું અપહરણ થઈ જશે. અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજને ગંભીરતાથી લઈ પરસાણા પરિવાર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.
મેસેજમાં શું લખ્યું હતું ?
જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણે દીકરીઓને જીવવા નહીં દઉં. તારી ડેનિશા નામની દીકરી અમદાવાદમાં ક્યાં રહે છે તે બધી જ મને ખબર છે. 72 કરોડ રૂપિયા આપી દે નહીં તો તેનું અપહરણ કરી જાનથી મારી નાખીશ. બીજી તરફ ડરી ગયેલા પરિવારે અમદાવાદથી તેમની પુત્રીને તાત્કાલિક ઘરે બોલાવી લીધી હતી.
રાજસ્થાનથી લીધો હતો નંબર
પોલીસે મોબાઈલ નંબર અંગે તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે, નંબર રાજસ્થાનનો છે પરંતુ ગુજરાતમાંથી જ કોઈએ મેસેજ કર્યો છે. જેને લઈને એ દિશામાં તપાસ કરી હતી. સાથે જ પરસાણા પરિવાર પાસેથી પણ માહિતી લેવામાં આવી હતી કે તેમની કોઈ સાથે દુશ્મની છે કે પછી અગાઉ કોઈ સાથે વિવાદ થયેલો છે કે કેમ. જેમાં જાણવા મળ્યુ હતું કે, અગાઉ ડેનિશાનો એક પારસ નામનો મિત્ર હતો. એક વર્ષથી તેઓ સંપર્કમાં નથી પરંતુ તે તેમને હેરાન કરી ચુક્યો છે. માહિતીના આધારે પોલીસે પારસની અટકાયત કરી પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
પોલીસની પૂછપરછમાં કબૂલાત
પોલીસની આકરી પૂછપરછમાં પારસ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. પારસે કબુલ્યું કે, તે રાજસ્થાન ગયો હતો ત્યાંથી જ વધુ પૈસા આપીને એક અજાણી વ્યક્તિના નામે સીમ કાર્ડ ખરીદ્યુ હતું. આ સીમકાર્ડના ઉપયોગથી તેણે પોતાના આઇફોનમાં વોટ્સએપ ચાલુ કર્યું હતું. રાજસ્થાનથી ખરીદેલા આ નંબર પરથી જ તેણે ડેનિશાની માતાને ખંડણીનો મેસેજ કર્યો હતો.
મોજશોખ પૂરા કરવા માગી ખંડણી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી પારસને મોંઘીદાટ કાર તેમજ બ્રાન્ડેડ કપડાં પહેરાવાનો શોખ છે. આ ઉપરાંત મોઘાદાટ ફોનનો ઉપયોગ કરી દેખાવો કરવો પણ તેને ગમે છે. વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા માટે અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે જ તેણે ખંડણી માગી હતી.
ડેનિશા સાથે જુનો સંબંધ
આરોપીઓએ કબુલ્યુ કે, ડેનિશા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના પરિચયમાં છે. જે તે સમયે બંને વચ્ચે મિત્રતા હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી બંને સંપર્કમાં નથી. મિત્રતાના કારણે જ તે ડેનિશાના પરિવારને ઓળખતો હતો. આરોપીને ખબર હતી કે ડેનિશાનો પરિવાર સદ્ધર છે અને દીકરી માટે તે માગો તેટલા રૂપિયા આપી દેશે. જો કે, આરોપીના આ મનસૂબા પર પાણી ફરી ગયુ છે. હવે તેના વૈભવી શોખ જેલમાં પોલીસ જ પૂરા કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત