Homeગુર્જર નગરીપ્રજાનો તહેવાર ભલે ફિક્કો રહે પરંતુ નેતાઓની ઉજવણીમાં કોઈ કચાસ રહેવી ન...

પ્રજાનો તહેવાર ભલે ફિક્કો રહે પરંતુ નેતાઓની ઉજવણીમાં કોઈ કચાસ રહેવી ન જોઈએ

10 નવેમ્બરનો દિવસ ગુજરાત ભાજપ માટે ખુશીનો દિવસ છે. ચારેકોર ભાજપની જીતના વખાણ થયા. મીડિયામાં પણ અત્ર, તત્ર, સર્વત્ર ભાજપ ભાજપ થઈ રહ્યું છે. કોંગ્રેસ હારનું મનોમંથન કરી રહ્યું છે અને ભાજપ જીતની ઉજવણી.

ભાજપ જીતી છે તો તેના વખાણ કરવા જોઈએ. તે શા માટે જીત્યું તે પણ દર્શાવવું જોઈએ, જે ધ ચાબુકે વાચકોને જણાવ્યું પણ ખરું. પરંતુ જીતના ઉન્માદમાં કોઈ નિયમ વિરુદ્ધનું કામ થઈ રહ્યું હોય તો તેને પણ સૂપેરે દર્શાવવું એ જ પત્રકારત્વ ધર્મ છે. વાત છે જીતની ખુશીમાં થયેલા ઉજવણીના અતિરેકની.

કોરોના કાળમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ હોય કે કોંગ્રેસ એકેય પક્ષે ગાઈડલાઈનનું પાલન નથી કર્યું. રેલીઓ હોય કે પ્રચાર-પ્રસાર હોય તમામ જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનના ધજ્જીયા ઉડતાં નજરે પડ્યા.

જનતાએ બીચારી બનીને તમાસો જોયો. દિવસ આવ્યો પરિણામનો. ભાજપની ભવ્ય જીત થઈ. આઠેય બેઠક કબ્જે કરી લીધી. આ પ્રકારની અભૂતપૂર્વ જીત બદલ કાર્યકરોમાં ઉજવણી કરવાનો ઉત્સાહ જાગે તે સ્વાભાવિક છે. પરંતુ હાલની પરિસ્થિતિનો થોડોઘણો વિચાર કર્યો હોત તો સારું હોત.

સોશિયલ ડિસ્ટન્સ ક્યાં?

ભાજપની આજની ઉજવણીના દ્રશ્યો જોઈને સી.આર.પાટીલનો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ યાદ આવી ગયો. ત્યારે પણ ગરબાં લેવાયા હતા, આજે પણ લેવાયા, દિવાળી નજીક હોવાથી ફટાકડા પણ ફૂટ્યા. લાગ્યું કે દિવાળીને તો હજુ પાંચ દિવસ બાકી છે, ને ફટાકડા અત્યારથી ? પરંતુ ભાજપે આજે જ દિવાળી ઉજવી નાખી.

ગૃહ વિભાગ દ્વારા હજુ બે દિવસ પહેલાં જ ફટાકડા ફોડવાને લઈને જાહેરનામું બહાર પડાયું હતું. જે પ્રમાણે રાજ્યમાં ફટાકડા નિયત સમય મર્યાદામાં જ ફોડી શકાશે અને જાહેરમાં ફટાકડા નહીં ફોડી શકાય. સાથે જ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

ગઈકાલના ભાજપ કાર્યકરોની ઉજવણીના દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે કે ખુદ સત્તાધારી પક્ષ જ કાયદાને માનતો નથી. પ્રજાનો તહેવાર ભલે ફિક્કો રહે પરંતુ નેતાઓની ઉજવણીમાં કોઈ કચાસ રહેવી ન જોઈએ. જાહેરમાં ફટાકડા પણ ફૂટ્યા અને ગરબા પણ થયાં.

રાજ્ય સરકારે કહ્યું છે કે, સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોમાં 200 લોકોની મર્યાદામાં એકઠાં થઈ શકાશે. લોકો દીકરા-દીકરીના લગ્નમાં કેટલા મહેમાનોને બોલાવવા તેનું ગણિત માંડી રહ્યા છે. જ્યારે ભાજપની ઉજવણીમાં એકઠી થયેલી સંખ્યા ગણવી મુશ્કેલ છે. કોરોનાને જાહેરમાં આમંત્રણ આપવા કાર્યકરો એકઠાં થયા હોય તેવું લાગી રહ્યું છે.

સત્તાધારી પક્ષના કાર્યકરોની ઉજવણી ટાણે પોલીસ પણ પાંગળી સાબિત થાય છે અને નતમસ્તક થઈને તમાસો જોયા રાખે છે. સામાન્ય પ્રજા સામે ડંડો ઉગામતી પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોયા રાખે એ પણ શરમની વાત છે.

સી.આર.પાટીલે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આવી જ ભીડ જોવા મળી હતી. આ જ કાર્યકરો ભીડમાં સામેલ હતા. પાટીલના ગયા પછી ઘણા નેતાઓને કોરોના વળગ્યો. છતાં તેનું પૂનરાવર્તન થયું.

શિસ્તમાં માનનારી પાર્ટી ભૂલમાંથી પણ ન શીખી અને ભૂલ ફરીથી કરવામાં આવી. કોરોના પહેલાં જે રીતે ઉજવણી થતી હતી તેવી રીતે ઉજવણી થઈ બસ ફર્ક એટલો હતો કે મોઢે માસ્ક પહેર્યા હતા. જો કે ઘણા નેતાઓએ તો માસ્ક પહેરવાનું પણ ઉચિત ન માન્યું. આને જીતનો નશો કહેવો કે બીજું કઈક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments