Homeગુર્જર નગરીપ્રાઈવેટ શિક્ષકોની આવી દશા ક્યારેય નહીં થઈ હોય

પ્રાઈવેટ શિક્ષકોની આવી દશા ક્યારેય નહીં થઈ હોય

જૂનાગઢથી ચિરાગ જાદવ : આજ સુધી આપણે કુદરતી આફતો અને માનવ સર્જીત આફતો વિશે જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું હશે, પણ ક્યારેય પ્રત્યક્ષ અનુભવ નહીં કર્યો હોય. પણ આ અચાનક આવી પડેલ કોરોના આફતનો આપણે ખુદે અનુભવ કર્યો. ન જોયા હોય એવાં દિવસો જોયા, ન પસાર થાય એવાં દિવસો પસાર કર્યા. લાખો લોકોએ જીવ ગુમાવ્યાં, લાખો લોકોS રોજગારી ગુમાવી. કોઈ વ્યક્તિ બાકાત નહીં રહી હોય કે જેને લોકડાઉનમાં આર્થિક હાલાકીનો સામનો ના કર્યો હોય.

બધા વ્યવસાયો ઠપ હતાં. વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ લાચાર હતી. બધાના પગારમાં કાપ મૂકાયાં. ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. જમા પૂંજીમાંથી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાં લાગ્યા અને કોરનાં સાથે જીવતાં શીખવા લાગ્યા.

કોરોનાની સ્થિતિમાં થોડો સુધારો થવા લાગ્યો છે. બધાનું જીવન પાછું પહેલાની જેમ પાટા પર દોડતું થવા લાગ્યું છે. બધા પોતપોતાના વ્યવસાય સાથે ફરીથી એક આશા સાથે જોડાયા. પણ પ્રાઇવેટ શિક્ષકોની સ્થિતિ હતી ત્યાંને ત્યાં જ રહી. ઘણી પ્રાઇવેટ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ચાલું છે પણ શિક્ષકોના પગાર ધોરણમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.

ઘણી પ્રાઇવેટ સ્કૂલો એવી પણ હતી જ્યાં શૈક્ષણિક કાર્ય બંધ હતું અને શિક્ષકોનો પગાર પણ બંધ હતો તેમ છતાં તે નોકરી છોડી શકે એમ નહોતા. કહેવાય ને કે, ‘ન મામા કરતાં કાણા મામામાં શું ખોટું’ બસ એમ જ સમજીને પ્રાઇવેટ શિક્ષકો નોકરી કરતાં રહ્યાં અને જે પગાર મળે એમાં રાજી રહ્યાં.

બધાં માટે સહાયની યોજનાઓ આવી પણ પ્રાઇવેટ શિક્ષકો માટે કોઈપણ પ્રકારની સહાયની યોજનાઓ આવી નહીં. સ્કૂલનાં સંચાલકો પાસેથી પૂરો પગાર પણ માંગી ના શકે કારણ કે માંગે તો નોકરીમાંથી હાથ ધોઈ બેસે અને આ સમયમાં બીજે નોકરી મેળવવી પણ અઘરી. કરવું તો કરવું શું?

ઘણાં પ્રાઇવેટ શિક્ષકોને લોકડાઉનમાં પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. એવાં કિસ્સાઓ પણ સામે આવ્યાં કે  જેમાં પ્રાઇવેટ શિક્ષક હિંમત હારીને આત્મહત્યા કરી હોય. પ્રાઇવેટ શિક્ષકો લોકડાઉનમાં સાઈડ બિઝનેસ શોધતાં થયાં છે. કારણ કે આ સમયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું જ મહત્વનું છે. ઘણાં શિક્ષકો નાનીમોટી કંપનીમાં જોડાયાં. દૂકાનોમાં કામ કરવા લાગ્યા. ખેતી કરવા લાગ્યા. રાજકોટનાં એક શિક્ષકે તો શાકભાજીની લારી ચાલું કરી. શિક્ષકોની આવી દશા ક્યારેય નહીં થઈ હોય.

મોંઘીદાટ ફી લઈને પોતાની સંસ્થા ચલાવનારા સંચાલકો, પોતાની શાળાને ઉચ્ચ ગુણવત્તા ભર્યું શિક્ષણ આપતાં શિક્ષકોને આવાં કપરાં સમયમાં જો મદદ ના કરી શકે તો આપણે આપણાં બાળકને એવી સ્કૂલોમાંથી કેવી રીતે નૈતિક મૂલ્યોનું શિક્ષણ મેળવવાની આશા રાખી શકીએ? શિક્ષકોને પણ શાળા પ્રત્યે લાગણી ઓછી થવા લાગી છે.

રામાયણ અને મહાભારતમાં ગુરુનું અનેરું મહત્વ સમજાવ્યું છે. ગુરુના એક આદેશ પર એકલવ્ય જેવાં શિષ્યએ પોતાનો અંગુઠો કાપી નાખ્યો અને અત્યારે પ્રાઈવેટ સ્કૂલનાં સંચાલકોએ તો શિક્ષકોના પગાર કાપી નાખ્યાં.

બધા વિશે વિચારવામાં આવ્યું પણ શિક્ષકો પર કોઈનું ધ્યાન ના ગયું. ખૂબ દુર્ભાગ્યની વાત છે કે જે દેશના ઘડવૈયા છે, દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આવનારી પેઢી તૈયાર કરે છે, પણ આજ ઘડવૈયા જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યાં છે. સરકાર સામે અવાજ પણ ઉઠાવી ના શકે. એને તો માત્ર શાળાઓ ખૂલવાની રાહ જ જોવાની.

પ્રાઈવેટ શિક્ષકોએ પણ ધ્યાન રાખવું કે પગાર મળે કે ના મળે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યારેય ખિલવાડ નહીં કરવાનો. તમારું કામ નિષ્ઠાપૂર્વક જ કરવું. નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય ક્યારેય એળે નથી જતું. શિક્ષકો પર આખા દેશનાં ભવિષ્યની જવાબદારી છે. શિક્ષકોએ ક્યારેય નિરાશાજનક વર્તણૂક નહીં કરવાની. વિદ્યાર્થીઓની સામે તો આત્મવિશ્વાસ પૂર્વક જ રજૂ થવાનું, કારણ કે વિદ્યાર્થી તમારા વર્તનમાંથી પણ શીખે છે અને શિક્ષકે આજીવન શીખવાનું હોય અને શીખવવાનું હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments