Homeગુર્જર નગરીગુજરાતમાં કોરોના ટોપ ગિયરમાં, તંત્રએ મુક્યા ‘સ્પીડબ્રેકર’

ગુજરાતમાં કોરોના ટોપ ગિયરમાં, તંત્રએ મુક્યા ‘સ્પીડબ્રેકર’

Team Chabuk Gujarat Desk: ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 1 હજાર 415 નવા કેસ નોંધાયા છે અને રાજ્યમાં ચાર દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ એક દિવસમાં કુલ 948 દર્દીઓ સાજા થયા છે.

અમદાવાદ, સુરતમાં સ્થિતિ ખરાબ

છેલ્લા ત્રણ દિવસથી કોરોનાએ ગુજરાતમાં બમણી ગતિ પકડી લીધી છે. સૌથી વધુ ખરાબ હાલત સુરત અને અમદાવાદની છે. સુરતમાં નવા 349 કેસ નોંધાયા છે. જેની સામે 278 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં એક દિવસમાં 335 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેની સામે 252 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ ઉપરાંત વડોદરામાં 127,  રાજકોટમાં 115 અને સુરત ગ્રામ્યમાં 101 કેસ નોંધાયા છે.

ભાવનગર, મહેસાણા, ખેડા અને પંચમહાલમાં પણ કોરોનાએ ગતિ પકડી છે. ભાવનરમાં 32, મહેસાણામાં 26, ખેડામાં 24 અને પંચમહાલમાં 20 નવા કેસ નોંધાતા આ તમામ જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું છે.

બોટાદ સિવાય તમામ જિલ્લામાં કેસ નોંધાયા

રાજ્યમા માત્ર બોટાદ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં કોરોનાએ હાજરી પુરાવી છે. રાજ્યમાં કેસ વધતાં એક્ટીવ કેસનો આંકડો પણ વધ્યો છે.  વધુ 1415 કેસ નોંધાતા રાજ્યમાં એક્ટીવ  કેસનો આંકડો 6 હજાર 140ને પાર પહોંચી ગયો છે. જેમાંથી 67 દર્દીઓની હાલત ગંભીર છે.

રસિકરણ અભિયાન

કોરોનાના કેસ વધતાં રાજ્યમાં રસીકરણ અભિયાન પણ તેજ બનાવાયું છે. રાજ્યમાં એક જ દિવસમાં કુલ 2 લાખ 45 હજાર 406 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોને રસી આપવા છતાં કોઈ પણ આડઅસરનો કેસ નોંધાયો નથી. કેટલાક લોકોએ માત્ર સામાન્ય ચક્કર અને તાવની ફરિયાદ કરી હતી.

ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ

મહાનગરોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર ફરી સક્રિય થયું છે અને ટેસ્ટિંગ પણ વધારી દેવાયું છે. આ ઉપરાંત મહાનગરોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં વિવિધ સ્થળે ડોમ લગાવી ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ  ધરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તેમજ બહારથી આવતા લોકોને 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવા સલાહ આપવામાં આવી છે.

સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરાશે

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં સુપરસ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ કરાશે. અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠકમાં નક્કી કરાયું છે કે, કુલ 15થી વધુ જગ્યાઓએ સુપર સ્પ્રેડર્સના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાશે. આ ઝુંબેઝ અંતર્ગત શાકભાજી વિક્રેતા, મેડિકલ, કરિયાણાના વેપારી, વાણંદ,  રિક્ષા ડ્રાઈવર,  કડિયા કામ કરતાં કારીગર વગેરેના ટેસ્ટ કરવામાં આવશે.

RT-PCR ટેસ્ટ કરાશે

આ ઉપરાંત ફૂડની ડિલિવરી કરતાં બોય્ઝ અને સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારીઓના ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જેની જવાબદારી સુપર માર્કેટ સંચાલકો તેમજ એજન્સીની રહેશે. RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં પણ કરાવી શકાશે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments