Homeગુર્જર નગરીહે ચાબુક હવે રાજકોટ જો નવ વગાડી દે તો સરકારના નિર્ણયનો ફટાકિયો

હે ચાબુક હવે રાજકોટ જો નવ વગાડી દે તો સરકારના નિર્ણયનો ફટાકિયો

ગોવાબાપાઃ હજુ તો એક ચૂંટણીના ભુંડા પરિણામ જનતા ભોગવી રહી છે ત્યાં રાજ્યમાં પાછી ચૂંટણી આવીને ઉભી રહી ગઈ છે ચાબુક. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી બારણે ટકોરો દઈ રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો આજે ચૂંટણીપંચે જાહેર કરી દીધી છે. 18 એપ્રિલે મતદાન થવાનું છે અને 20 તારીખે ફેંસલો.

ચાબુક ચૂંટણીઓ સમયસર થવી જોઈએ એની ના નથી પણ ચૂંટણીમાં નેતાઓ જે ભીડ ભેગી કરે છે ન્યાં વાંધો છે. ચૂંટણી પછી પરિણામ શું આવે છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. નેતાઓએ મનફાવે તેમ સભાઓ કરી, પ્રચાર માટે રખડ્યા અને તંત્રએ તેમને દંડ કરવાને બદલે હા,જી સાહેબ કર્યા. અંતે ભોગવવું પ્રજાએ પડ્યું. એટલે જ હવે જો ખરેખર સરકારની નિયત કોરોનાને રોકવાની હશે તો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભીડ ભેગી નહીં કરે, મનફાવે તેમ પ્રચારમાં નીકળી નહીં પડે. જો આવું થાય તો આપણે માનવાનું કે સરકારને જનતાની ખરેખર ચિંતા છે બાકી ગઈ ચૂંટણી જેમ થાય તો માનવું કે સરકારને જનતાની કોઈ પડી નથી.

ગાડરિયો પ્રવાહ

ચાબુક આ સરકાર અને મહાનગરપાલિકા કેમ અલગ અલગ નિર્ણયો લે છે એ ખબર નથી પડતી. પહેલાં રાજ્ય સરકારે જાહેર કર્યું કે ચાર મહાનગરોમાં રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. ત્યાં બે દિવસ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ કહ્યું કે 10 નહીં 9 વાગ્યાથી કર્ફ્યૂ ચાલુ થશે. અમદાવાદ બાદ સુરત મહાનગરપાલિકાએ પણ કહ્યું કે સુરતમાં 9 વાગ્યાથી કર્ફ્યૂ ચાલુ થઈ જશે. અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો તો વડોદરાવાળા કેમ પાછા પડે. એમણેય આજે જાહેર કર્યું કે વડોદરા શહેરમાં 9 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ પડી જશે. હવે ખાલી રાજકોટવાળા કહી દે એટલે રાજ્ય સરકારના 10 વાગ્યાનું સૂરસૂરિયું થઈ જાય.

ધંધો કરવા દો બાપલિયા

હવે તો લોકોને કોરોના કરતાં પેટની ચિંતા વધુ છે. ગત વર્ષે થયેલા લોકડાઉન બાદ ધંધા-રોજગારની દશા બેઠી છે. વેપારીઓ તો કોરોના અને સરકારના મનફાવે તેવા પ્રતિબંધોથી તોબા પોકારી ગયા છે. હવે તો પાણી માથેથી જતું હોય તેવું લાગી રહ્યું છે ચાબુક. અમદાવાદના વેપારીઓ તો હવે સરકારને બે હાથ જોડીને કહી રહ્યા છે કે હવે અમને શાંતિથી ધંધો કરવા દો. રાત્રે 9 વાગ્યે જ કર્ફ્યૂ લાગી જતો હોવાથી વેપારીઓને ધંધો ક્યારે કરવો તેની ચિંતા સતાવી રહી છે. સુરતમાં પણ વેપારીઓનો ગુસ્સો ફૂટયો હતો.

કોંગ્રેસ ક્યારે સુધરશે ?

ભાજપની જીતમાં જેટલો મતદારોનો ફાળો છે એટલો જ કોંગ્રેસનો પણ છે ચાબુક. તું પૂછીશ કે એવું કેમ ગોવાબાપા ?

એવું એટલા માટે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ખાલી અમદાવાદમાં જ વિપક્ષમાં બેહવાનો મોકો જનતાએ આપ્યો છે ત્યાં પણ કોંગ્રેસ વિપક્ષમાં બેસવાને લાયક ન હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોએ હોદ્દા સંભાળીને કામ કરવા લાગી ગયા છે પરંતુ સામે વિરોધ કરનાર કોઈ કોંગ્રેસમાંથી ભાયડો પેદા નથી થયો. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસે વિપક્ષી નેતા જ જાહેર નથી કર્યો. કોંગ્રેસના 24 કોર્પોરેટરો ચૂંટાયા છે પરંતુ મૂરતિયો કોને બનાવવો એની રાહ જોવાઈ રહી છે. વિપક્ષી નેતાના પદ માટે અંદરોઅંદર લડાઈ પણ ચાલી રહી હોવાનું સંભળાઈ રહ્યું છે. મનપામાં વિપક્ષી ઓફિસમાં કાગડા ઉડી રહ્યા છે.

હારમાંથી પણ ધડો ન લે એનું નામ કોંગ્રેસ.. ભલે પછી તંત્ર મનફાવે તેવા નિર્ણયો લે. સામે કોઈ બોલવાવાળું જ ન હોય તો જનતા પણ શું કરે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments