Homeગુર્જર નગરીવાવાઝોડાની અસરઃ ઉનાના મરઘા ઉછેર કેન્દ્રના માલિકે કહ્યું, આવી હોનારત કે નુકસાન...

વાવાઝોડાની અસરઃ ઉનાના મરઘા ઉછેર કેન્દ્રના માલિકે કહ્યું, આવી હોનારત કે નુકસાન ક્યારેય નથી જોયું

અબ્દુલ પઠાણ (ઉના): રાજ્યમાં વિનાશ વેરીને ગયેલા તૌકતે વાવાઝોડાની કળ હજુ પણ વળી નથી. અનેક લોકોના નાના-મોટા ધંધા પર વાવાઝોડાના કારણે અસર પડી છે. ઘણા ધંધા પાયમાલ થઈ ગયા છે. ઉના નજીક આવેલ અમોદરા રોડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં મરઘા ફાર્મ આવેલા છે. અહીંયા ચાંદભાઈ પટેલ એક એકરમાં મરઘા ઉછેર કેન્દ્ર ચલાવે છે. પરંતુ વાવાઝોડાએ તેમની રોજીરોટી છીનવી લીધી છે.

વાવાઝોડાએ તબાહી સર્જતા ચાંદભાઈ પટેલના મરઘા કેન્દ્રમાં રહેલા વીસ હજારથી વધુ પક્ષીઓ મોતને ભેટ્યા છે અને સમગ્ર મરઘા કેન્દ્રમાં તબાહી સર્જાઈ ગઈ છે. ચાંદભાઈ પટેલ આ અંગે વાત કરતાં કહે છે કે, આ વાવાઝોડાએ અમને પાયમાલ કર્યા છે. 20 લાખ કરતાં વધારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમાં સરકાર અમારી સામે નહીં જુએ તો 10 વર્ષ સુધી અમે પગભર નહીં થઈ શકીએ તેવું દેખાઈ રહ્યું છે.

વાવાઝોડાના કારણે મુરઘા ઉછેર કેન્દ્રમાં થયેલું નુકસાન

તાલુકામાં સૌથી મોટું મરઘા ઉછેર કેન્દ્ર મુન્દ્રા અમોદરા ધોબી રોડની સામે આવેલું છે. આ મરઘા ઉછેર કેન્દ્રને વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે. મરઘા ઉછેર કેન્દ્રના માલિક ચાંદભાઈના કહેવા પ્રમાણે આશરે 20 લાખની નુકસાની ગઈ છે. સમગ્ર મરઘા ઉછેર કેન્દ્ર પડી ગયું છે અને તેના પતરા અને માલ મટીરીયલ્સ જમીનદોસ્ત થઈ ગયું છે. મરઘા ઉછેર કેન્દ્રમાં રાખેલા પક્ષીઓ પણ મોતને ભેટ્યા છે. મરઘા ઉછેર કેન્દ્ર ખાતે રહેતા ચાંદભાઈના ઘરમાં પણ વાવાઝોડાના કારણે નુકસાની થઈ છે. ઘરના પતરા ઉડી ગયા છે અને ઘરની સામગ્રી પાણીમાં પલળી ગઈ છે.

ઘરની છત ઉડી ગઈ

ચાંદભાઈ પોતાની વ્યથા રજૂ કરતાં જણાવે છે કે, તેઓ 12 વર્ષથી વધુ સમયથી મરઘા ઉછેર કેન્દ્ર ચલાવે છે. પરંતુ આ પ્રકારનું ભયાનક વાવાઝોડું આજદિન સુધી નથી જોયું. આવી હોનારત કે નુકસાની ક્યારેય નથી થઈ. તેમનું કહેવું છે કે જો સરકાર અમારા તરફ ધ્યાન નહીં આપે તો તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ જશે. ચાંદભાઈ પટેલે સરકાર સમક્ષ રાહત પેકેજ આપવાની પણ માગણી કરી છે.

ઉના તાલુકામાં 17 મેના રોજ આવેલું વાવાઝોડું આંધી બનીને વરસી ગયું છે. અનેક લોકોના ઘર છીનવાઈ ગયા છે તો અનેક લોકો પોતાના ઘર વિહોણા બન્યા છે. આ વાવાઝોડાએ સમગ્ર તાલુકામાં ભારે નુકસાની કરી છે. લોકો રસ્તા પર રઝળવા મજબૂર બન્યા છે. ત્યારે ઉનાનું એકમાત્ર ઉદ્યોગ છે તે મરઘા ઉછેર કેન્દ્ર છે. તેના પર લોકો પોતાની આજીવિકા ચલાવતા હોય છે અને આજુબાજુના વિસ્તારના લોકો પણ તેમાં કામ કરવા આવતા હોય છે અને પોતાની રોજીરોટી મેળવતા હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments