Homeગુર્જર નગરીહેરિટેજ.. હેરિટેજની બૂમો વચ્ચે જૂનાગઢના ઐતિહાસિક સુદર્શન તળાવની દયનીય સ્થિતિ

હેરિટેજ.. હેરિટેજની બૂમો વચ્ચે જૂનાગઢના ઐતિહાસિક સુદર્શન તળાવની દયનીય સ્થિતિ

જગદીશ ગોડેશ્વર, જૂનાગઢઃ હાલ જૂનાગઢ પ્રવાસન ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. શહેરમાં આમ તો ઘણાં સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તે પછી ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો હોય કે પવિત્ર યાત્રાધામ ગિરનાર હોય. અહીં બારે માસ પ્રવાસીઓનો પ્રવાહ અવિરત વહ્યા કરે છે. તેમાં પણ ગિરનાર રોપ-વેની શરૂઆત થતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બધા વચ્ચે હાલમાં જ ઐતિહાસિક બિલ્ડિંગ બહાઉદ્દીન કોલેજની હેરિટેજ સ્મારક તરીકે ઘોષણ થતા જૂનાગઢના પ્રવાસમાં વધુ એક આકર્ષણ ઉમેરાયુ છે. પણ આ સિવાય પણ જૂનાગઢમાં એવા કેટલાય ઐતિહાસિક સ્થળો છે, જે પોતાની ભવ્યતા કાળની ગર્તતામાં ડૂબાવીને અણી પર બેઠા છે, કદાચ તેના લીધે જ તેનો ભૂતકાળ ભુસાયો છે અથવા આપણે ખુદ તે ભૂતકાળ ભૂસી નાંખ્યો છે.

જી હા જૂનાગઢના ગિરનાર તળેટીમાં ડુંગરો અને વનરાજીથી ઘેરાયેલુ સુદર્શન તળાવ તેનું કમનસીબ ઉદાહરણ છે. જેની ઐતિહાસિક ધરોહરની કદાચ કોઈને ખબર પણ નહિ હોય. સદીઓ જૂનુ આ તળાવ હાલ તો તંત્રની અને લોકોની નિરસતાનો ભોગ બન્યુ છે. જાળવણીના અભાવે આ સુદર્શન તળાવ સાવ વેરાન થઈ ગયુ છે. ગિરનાળ તળેટી અને રોપ-વેની નજીક હોવા છતા લોકોને આ ઐતિહાસિક તળાવની જાણ સુદ્ધા નથી. જૂનાગઢ મહાનગરપાલિકાની ઉદાસિનતાને કારણે તળાવ કિનારે અવાવરૂ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જે આ ઐતિહાસિક તળાવની દયનીય સ્થિતિ વ્યક્ત કરે છે.

ઝાડી ઝાંખરાઓ વચ્ચે ઢંકાઈ ગયેલું સુદર્શન તળાવ

સુદર્શન તળાવનો ઇતિહાસ

જો સુદર્શન તળાવના ઇતિહાસની વાત કરીએ તો તે ગુજરાતનું પ્રથમ તળાવ કહી શકાય. જે સુવર્ણસિકતા જે આજે સોનરખ નદી તરીકે ઓળખાય છે અને પલાશિની નદી જે લુપ્ત થઈ ગઈ છે તેને જોડીને તેનું નિર્માણ થયું હતું. ઇ.સ. પૂર્વે 302માં મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે ગિરીનગર એટલે આજનું જૂનાગઢ વિકસાવવાની સાથે સિંચાઇ માટે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. જેનું રૂદ્રદામનના સુબા સુવિશાખના હસ્તે પૂનઃ નિર્માણ કરવામાં આવ્યું હતુ, ઇ.સ. 450 ફરી તૂટના ઇ.સ. 456માં ગુપ્તવંશના સ્કંદગુપ્તના રાજ્યપાલ પર્ણદત અને તેના પુત્ર ચક્રપાલિતના હસ્તે સુદર્શન તળાવનું બીજીવાર નિર્માણ થયું. ત્યારથી લઈને આજ સુધી તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને હાલ તો જાળવણીના અભાવે તે ઝાડી ઝાંખરાઓમાં અદ્રશ્ય થઈ ગયુ છે.

સુદર્શન તળાવ સુધી કઈ રીતે પહોંચશો?

સુદર્શન તળાવનું લોકેશન જ એવું છે કે તમે ત્યાં સુધી સરળતાથી પહોંચી શકશો  જૂનાગઢ શહેર પહોંચો એટલે એસટી ડેપોએથી સીધી જ ભવનાથ તળેટીની રિક્ષા મળી જાય છે. જો સોમનાથ તરફથી આવો તો મોતીબાગ સર્કલ અને રોજકોટ-અમદાવાદ તરફથી આવો તો મજેવડી ગેટેથી જ સીધી ગિરનાર તળેટીની રિક્ષાઓ મળી જશે. ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. તેની ઠીક પાછળ પંચનામ જૂના અખાડો છે. તેની બાજુમાં સુદર્શન તળાવ સુધી જવાના પગથિયા છે. બીજો રસ્તો ગિરનાર સિડી તરફ જવાના માર્ગે ડાબી બાજુએ જ સ્ટેજ નજીકથી સુદર્શન તળાવ તરફ સિડીઓ ફંટાય છે. પરંતુ હા તેના કિનારે પહોંચવા માટે થોડી મશકત કરવી પડશે, કેમ કે ઠેરઠેર ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા તમારો કેડો રોકી શકે.

આજે જ્યારે હેરિટેજ હેરિટેજની બૂમો પડી રહી છે ત્યારે આ ઐતિહાસિક તળાવની બૂમ તંત્રના કાને પડશે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે. પરંતું સરકારની સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે પણ આપણે આપણા ભવ્ય અને ઐતિહાસિક વારસા પ્રત્યે સભાન થવું જરૂરી છે. જો એવું નહિ કરીએ તો આવા કેટલાય ઐતિહાસિક સ્મારકો ભૂતકાળના કાળમાં ભૂંસાઇ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments