Team Chabuk-Gujarat Desk: ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખ્સે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે પીએમઓમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને રેલો આવ્યો અને હાજર થવા દોડી આવ્યો છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ છે. મયૂરસિંહે ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમઓમાં કરેલી ફરિયાદમાં 2021માં ઘટેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ PMO સુધી મયૂરસિંહ રાણાએ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરી છે.
હુમલાની ઘટનાનો આજે 10મો દિવસ છે અને દેવાયત ખવડ સામેથી ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. એક સમયે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. ગઇકાલે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને દેવાયત ખવડને પકડવા માગ કરી હતી. તેમજ ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે સત્યાગ્રહ પર બેસવા વિચારી રહ્યા છીએ.
દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે મયૂરસિંહ ઉપર હુમલો થયો એને આટલા બધા દિવસો વીતી ગયા પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી અમે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ. તેમની ધરપકડ થાય અને તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે એેવી માગ કરી હતી. જો આવી ને આવી પ્રવૃત્તિ રાજકોટમાં ચાલતી રહી તો બધાને મોકો મળશે અને કાયદો હાથમાં લેશે. લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા રહેશે અને તેમને પ્રોત્સાહન મળશે એવું અમને દેખાઇ છે.
જોકે ક્ષત્રિય સમાજની રજૂઆત બાદ DCP ઝોન 2 સુધીરકુમાર દેસાઇએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. દેવાયત ખવડનાં આશ્રયસ્થાનો પર તપાસ હાથ ધરાઇ છે. તેની સાથે સંકળાયેલા લોકોનાં પણ નિવેદન લેવામાં આવ્યાં છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલ નંબર પર ટેક્નિકલ સેલની મદદથી નજર રાખવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોને પણ તટસ્થ તપાસની ખાતરી આપી છે.
મયૂરસિંહ રાણાના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મયૂરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયૂરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. લોકસાહિત્યકાર હોવાથી ગુજરાતમાં ખુલ્લેઆમ ફરે છે. આ જગ્યાએ અન્ય સામાન્ય કોઈ માણસ હોય તો પોલીસ તેને પકડી કાયદાનું ભાન કરાવી દે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
