Homeગુર્જર નગરીડોક્ટર્સ ડે વિશેષ: ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં આ રોગની સારવાર માટે...

ડોક્ટર્સ ડે વિશેષ: ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં આ રોગની સારવાર માટે દરદીને જવાનું સૂચન બીજા રાજ્યોનાં ડોક્ટરો પણ ભારપૂર્વક કરે છે

Team Chabuk-Gujarat Desk: તા.1લી જુલાઈ એ ભારતના રાજનીતિજ્ઞ તબીબ ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ દિવસ છે જે એક આદર્શ તબીબની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ હતાં. તેમની યાદમાં આ દિવસને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે સરકારી હોસ્પિટલના એક કુશળ ડોકટરની નવી પહેલની વાત કરવી ઉચિત ગણાશે.

કોરોનાના સંકટ અને તે પછી મ્યુકોરની મુસીબતના ભારણમાં હળવાશ આવતા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ગોત્રીના કાન, નાક, ગળાના વિભાગમાં અન્ય પ્રકારની સર્જરીનું લાંબા સમયથી અટકેલું કામ આજે એક વિશેષ પ્રકારની સર્જરીથી ફરીથી શરૂ થયું છે. આજે આ વિભાગના ડો.હિરેન સોની અને તેમના સહયોગીઓએ એક ચોવીસ વર્ષની મહિલાના ગળાની લાળ ગ્રંથીમાંથી સાઇલેંડોસ્કોપ નામના યંત્રની મદદથી 1 સેમીની પથરી કાઢવાનું ખાસ ઓપરેશન કર્યું હતું.

આ સર્જરીને એટલા માટે ખાસ કહી શકાય કે આ યંત્ર રાજ્યની સરકારી અને બહુધા ખાનગી હોસ્પિટલો પૈકી માત્ર વડોદરાની આ સરકારી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે અને તેની સર્જરી અન્યત્ર ક્યાંય થતી હોવાનું જાણમાં નથી.

ડો.સોનીએ જણાવ્યું કે, લાળ ગ્રંથીની પથરીને સાઇલેંડોસ્કોપની મદદથી કાઢવાનું કે સાંકડી થઈ ગયેલી આ ગ્રંથીને પહોળી કરવાનું અને સ્ટેન્ટ બેસાડવાનું કામ માત્ર ગોત્રી હોસ્પિટલમાં થતું હોવાથી, છેક જામનગર, રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી અને મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી તબીબો આવી તકલીફો ધરાવતા દરદીઓને અહીં મોકલે છે. નાનામાં નાના 3 વર્ષની ઉંમરના બાળકની પણ અહીં સફળ સર્જરી ભૂતકાળમાં કરવામાં આવી છે જે બાળકને છેક જામનગરથી અહીં સારવાર માટે લાવવામાં આવ્યું હતું. નાના બાળકોને જ્યારે વારંવાર ગાલપચોળું થતું હોય ત્યારે લાળ ગ્રંથીમાં મુશ્કેલીની શક્યતા રહે છે જેનું કાયમી નિવારણ આ સર્જરીથી શક્ય છે.

એટલે અત્યાર સુધી આપણે કિડની કે ગોલ બ્લેડર જેવા અંગોમાં પથરીની તકલીફ અને સર્જરીની વાત સાંભળી હતી.પરંતુ લાળ ગ્રંથીની પથરી કાઢવાની આ અનોખી સર્જરી વડોદરાના સરકારી દવાખાનામાં થાય છે એ નવી વાત છે.

અત્યાર સુધી ઉપરોક્ત યંત્રની મદદથી લાળ ગ્રંથીની પથરી કાઢવા કે સાંકડી ગ્રંથીને પહોળી કરવાના અંદાજે 60 જેટલી સર્જરી અત્રે કરવામાં આવી છે તેવી જાણકારી આપતાં ડો.હિરેન સોનીએ જણાવ્યું કે, આ યંત્ર ગોત્રી હોસ્પિટલને લગભગ 2015/ 16 માં ફાળવવામાં આવ્યું અને રાજ્યમાં આ સર્જરીની અમે પહેલ કરી. વચ્ચે મારી અન્યત્ર બદલી થવાથી અને તે પછી કોરોના સંકટને લીધે આ સર્જરીની કામગીરી અટકી હતી. તેને નવેસરથી શરૂ કરવાનો આનંદ છે.

સામાન્ય ભાષામાં જેને શેક આપવો તરીકે ઓળખવામાં આવે છે તેવી કેન્સરની રેડીયો થેરાપી પછી ઘણાં દર્દીઓની લાળ ગ્રંથીની સક્રિયતા ઓછી થઈ જાય છે. તેના લીધે આવા દર્દીઓને ખાવા પીવામાં ખૂબ તકલીફ પડે છે. તેવા કેસોમાં જો લાળ ગ્રંથી અકબંધ હોય તો દૂરબીનથી તપાસ કરીને ઊંડે સુધી દવા આપીને, આ ગ્રંથીને લાળના જરૂરી ઉત્પાદન માટે ફરીથી સક્રિય કરી દર્દીઓની તકલીફો નિવારવામાં આવે છે.

પહેલા લાળ ગ્રંથી કાઢીને આ કામગીરી કરવામાં આવતી. હવે ઉપરોક્ત યંત્રની મદદથી તે કાઢ્યા વગર સીધેસીધી અવરોધ રૂપ પથરી કાઢી શકાય છે. આમ, આ એક તબીબી આશીર્વાદ સમાન સુવિધા છે. આ સર્જરીમાં વયસ્કો માટે 1મી.મી. જાડાઈનું અને બાળકો માટે 0.6 મી.મી. જાડાઈનું દૂરબીન ઉપયોગમાં લઈ, મોનીટરમાં નિહાળી નિદાન અને સારવાર એકસાથે થઈ શકે છે. તેમાં કોઈ ચેકો કે ટાંકો લેવો પડતો નથી એટલા ચહેરાની સુંદરતા જળવાય છે. આ યંત્ર સાથે બાસ્કેટ ફૉર્સપ્સ જોડેલું હોય છે અને તેના પાંખીયા ટોકરી જેવો આકાર બનાવી પથરીને જકડી લે છે.

રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા સરકારી દવાખાનાઓને અદ્યતન તબીબી યંત્રોથી સજ્જ કરવામાં આવે છે. ડો.સોની જેવા કર્મયોગી તબીબોએ યંત્રોની મદદથી કોર્પોરેટ હોસ્પિટલમાં ન મળે એવી સારવાર સરકારી દવાખાનામાં આપે છે જે સહુ માટે ગર્વની વાત ગણાય.તા.1લી જુલાઈ એ ઉજવાતા ડોક્ટર્સ ડે નિમિત્તે આવા કર્મયોગી તમામ તબીબોને સલામ.

1 સે.મી.ની પથરી કાઢી

ડો.હિરેન સોનીએ જણાવ્યું કે, ગોત્રી હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગમાં કોવિડ અને મ્યુકોરને લઈને અન્ય પ્રકારની સર્જરીઓ અટકી હતી. હાલ મ્યૂકોરના નવા દર્દીઓ ઘટી ગયા છે. દાખલ તમામ દર્દીઓ ઓપરેટ થઈ ગયા છે અને જરૂરી રિવીઝન સર્જરીઓ થઈ ગઈ છે. તેને અનુલક્ષીને લાળ ગ્રંથી સાથે અન્ય પ્રકારની સર્જરી શરૂ કરી છે અને તેનો પ્રારંભ લગભગ 1 વર્ષથી તકલીફ ભોગવતા મહિલાની લાળ ગ્રંથીમાંથી 1 સેમીની પથરી કાઢી કર્યો છે. તેમણે જણાવ્યું કે, દેશમાં આ પ્રકારની સર્જરી કરતા 50થી 60 જેટલા તબીબોનું એક મંડળ સ્થાપવાની પ્રક્રિયા સ્થાપક સદસ્ય તરીકે શરૂ કરી છે જે અમારા અનુભવોના આદાન પ્રદાન અને નવી પહેલોનો મંચ બની રહેશે.

અત્યાર સુધી મોટામાં મોટી પથરી 4 બાય 4 બાય 5 સે.મી.ની કાઢી છે

લાળ ગ્રંથીઓ બંને બાજુના જડબા નીચે બે-બે અને અન્ય એક નાની મળીને 5 હોય છે. આમ તો ખૂબ નાનો અવયવ છે તો પણ એક કિસ્સામાં 4 બાય 4 બાય 5 સે.મી.ના કદની પથરીનું નિવારણ કર્યું જે સહુથી મોટી હતી. એક પથરીને 30 ટુકડામાં વિભાજિત કરીને કાઢી હતી.

(આભાર- વડોદરા માહિતી વિભાગ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments