Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જે વિસ્તારમાં શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે તે ખારાઘોડા અને ચુડા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગની 150થી વધુ ટીમો ડોર ટુ ડોર સર્વે સહીતની કામગીરી કરી રહી છે.
મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ચુડા તાલુકામાં પરપ્રાંતિય શ્રમિકના 11 માસનાં બાળકમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા હાલ સુરેન્દ્રનગર સી યુ શાહ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
આ બન્ને બાળકોના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે અને હજુ સુધી તેમના રિપોર્ટ આવ્યા નથી પરંતુ આ બે કેસને લઇને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને ખારાઘોડા તેમજ ચુડા અને તેની આસપાસનાં ગામોમાં 150થી વધુ આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે જુના મકાનોની તીરાડો પડી હોય તેને બુરવાની કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારના લોકોને ચાંદીપુરા વાયરસના લક્ષણો તેમજ તેનાથી બચવા માટે શું કરવું તે સહીતની બાબતો અંગે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી રહી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે હાલ તાત્કાલિક 15 બેડનો અત્યાધુનિક વોર્ડ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે અને બાળકોમાં સહેજ પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જિલ્લા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.
મહત્વનું છે કે, સેન્ડ ફ્લાય (રેત માખી )થી આ વાયરસ ફેલાય છે. વાયરસનો ચેપ લાગવાનું જોખમ સામાન્ય રીતે 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકને વધુ હોય છે. સાથે જ ઉલટી અને ખેંચ આવવાની ફરિયાદ પણ રહે છે. ચેપ લાગ્યા પછી મગજના ટીસ્યુઝ ઉપર સોજો આવી જાય છે. જો 72 કલાકમાં દર્દીને યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે.
મહત્વનું છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના એક ડર્ઝન જિલ્લાથી વધુ જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યા છે અને 20થી વધુ દર્દીના શંકાસ્પદ મોત થઈ ચુક્યા છે. ચાંદીપુરાના વધતા કેસને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો