Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર સિંહ બાળનો ઉમેરો થયો છે. બે સિંહણોએ કુલ ચાર સિંહબાળને જન્મ આપતા પ્રાણી સંગ્રહાલયમાં ખુશી છવાઈ જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે જન્મેલા ચારેય સિંહબાળની તબિયત સારી છે. 2022ના વર્ષમાં પ્રથમ વખત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક સાથે ચાર સિંહ બાળનો જન્મ થયો છે. ગયા વર્ષે 2021માં કુલ 29 સિંહ બાળનો જન્મ થયો હતો.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહબાળના જન્મ અંગેની માહિતી આપતા આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયમાં રહેતી બાબરકોટ અને ડી-30 નામની બે સિંહણ ગર્ભવતી બની હતી. ત્યારથી જ તેઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવતુ હતુ. આ બંન્ને સિંહણોએ બે-બે મળી કુલ ચાર બાળ સિંહોને જન્મ આપ્યો છે. હાલ ચારેય સિંહ બાળોની તબિયત સારી છે. બંન્ને સિંહણો પોતાના બાળ સિંહોનું સારી રીતે ધ્યાન રાખી રહી છે.
વધુમાં આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયમાં રહેતી બાબરકોટ સિંહણ ટુકડા નામના સિંહથી અને ડી-30 સિંહણ ધારી નામના સિંહથી ગર્ભવતી બની હતી. બંન્ને સિંહણો ગર્ભવતી બની ત્યારથી જ તેઓનો ખોરાક વધારી દેવા ઉપરાંત વધુ જરૂરિયાત મુજબનો ખોરાક પણ આપવામાં આવતો હતો. બંન્ને સિંહણની આસપાસ કોઈને જવા દેવામાં આવતા ન હતા જેથી સિંહણો પરેશાન ન થાય.
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓની સારી રીતે સાર સંભાળ વન વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવતી હોવાથી તેના સારા પરિણામો પણ સમયાંતરે જોવા મળી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગત વર્ષ 2021માં કુલ 29 સિંહ બાળનો જન્મ થયો હતો. હાલ આ નવા વર્ષ 2022 માં પ્રથમવાર એકી સાથે 4 સિંહ બાળનો જન્મ થતા વન્યપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત