Homeગુર્જર નગરીઅંગદાન અંગે રાજ્યભરમાં વધી જાગૃતિ, છેલ્લા ચાર દિવસમાં અમદાવાદ સિવિલમાં દરરોજ એક...

અંગદાન અંગે રાજ્યભરમાં વધી જાગૃતિ, છેલ્લા ચાર દિવસમાં અમદાવાદ સિવિલમાં દરરોજ એક અંગદાન

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં અનેક પરિવારો અંગદાન માટે આગળ આવ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં ચાર લોકોના અંગદાનથી ઘણા લોકોને નવજીવન મળ્યું છે. તારીખ ૧૫ જૂન થી ૧૮ જૂન સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગદાન થયું છે. મહત્વની બાબત એ છે કે, સરકારી સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ ૧૮ મી જૂનના રોજ અંગદાન થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની વિગતો જોઇએ તો, તારીખ 15 થી 18 દરમિયાન ચાર અંગદાન થયા છે. જ્યારે 18 મી જૂને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં પણ એક અંગદાન થયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલ ૭૧ થી ૭૪ માં અંગદાનની સમગ્ર વિગતો આ પ્રમાણે છે. ૭૧માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંજયકુમાર ગોહિલના અંગદાનથી હૃદય, બંને કિડની અને લીવર, ૭૨માં અંગદાનમાં મહેસાણાના મનોજભાઈ પરમારના અંગદાનમાં હૃદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ, ૭૩માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંગીતાબેન વનાલીયાના અંગદાનમાં હૃદય, બંને કિડની અને લીવર, ૭૪માં અંગદાનમાં અમદાવાદના ૨૫ વર્ષીય રાહુલભાઈ રાજભરના અંગદાનમાં લીવરનું દાન મળ્યું છે.

આ ચારેય દર્દીઓના કિસ્સામાં ખાસ નોંધનીય બાબત એ હતી કે, બ્રેઇનડેડ થયા બાદ અંગદાન માટે પરિજનોનું જે કાઉન્સેલીંગ કરવું પડે છે તેમાં ગણતરીના કલાકોમાં જ પરિજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. આ તમામ અંગદાતાઓના પરિવારજનો અંગદાનના મહત્વથી વાકેફ હતા. 

જ્યારે અમદાવાદની ખાનગી કે.ડી. હોસ્પિટલમાં થયેલા અંગદાનમાં રસપ્રદ બાબત એ છે કે, દલ્લુ વિનાયગમ કે જેઓ હાઇકોર્ટના પૂર્વ કર્મચારી હતા અને મેરેથોન તેમજ સ્વીમીંગની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા તેઓ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે તેમના પરિવારજનોએ સ્વૈચ્છાએ અંગદાન માટે ઇચ્છા દર્શાવી હતી.

છેલ્લા કેટલાય સમયથી મીડિયાના માધ્યમથી અંગદાન અંગે વાંચતા તેઓ અંગદાનનું મહત્વ સમજતા હતા અને જ્યારે દલ્લુભાઇ વિનાયગમ 16 જૂનના રોજ બ્રેઇનડેડ થયા ત્યારે અન્યોને ઉપયોગી બનવા તેમના પરિજનોએ અંગદાનની ઇચ્છા દર્શાવી. જેમના અંગદાનમાં બંને કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTOની ટીમના રાઉન્ડ ધ ક્લોક માનવસેવાના નિર્ધારના પરિણામે આજે દરરોજ સરેરાશ ૪ વ્યક્તિઓને નવજીવન મળી રહ્યું છે. અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ SOTTO(State Organ Tissue And Transplant Organization) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અને તેમના ટીમના પ્રત્યારોપણ માટેની સનિષ્ઠ પ્રયાસોના પરિણામે આ બંને સુગમ્ય સંકલનથી આજે અંગોની ખોડખાપણ કે તકલીફના કારણે પીડામય જીવન જીવી રહેલા દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.

આ સંદર્ભે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, સરકાર, સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે ગુજરાતમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંગી બની છે. જે બદલ રાઉન્ડ ધ ક્લોક અંગોના રીટ્રાઇવલ અને અંગોના પ્રત્યારોપણ માટે કાર્યરત તબીબોની સેવાને મંત્રી એ બિરદાવી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments