Team Chabuk-Gujarat Desk: દિલ્હીની હિંદુ રાવ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંદુ રાવ હોસ્પિટલમાંથી 19 એપ્રિલથી 6 મે વચ્ચે લગભગ 23 કોરોનાના દર્દીઓ જાણ કર્યા વગર ભાગી ગયા છે. કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાંથી ક્યાં ગયા, ક્યારે ગયા તેની જાણકારી હોસ્પિટલ તંત્ર પાસે પણ નથી. કોરોનાના આ દર્દીઓ કોઈને કોઈ બહાનું આપીને હોસ્પિટલમાંથી બહાર ગયા અને પછી પરત જ નથી ફર્યા. આ ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીની હિંદુ રાવ હોસ્પિટલને આ અંગે જ્યારે જાણકારી મળી તો હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું. તમામ 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેઓની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ અવ્યવસ્થાના કારણે કોઈ દર્દી રાતમાં તો કોઈ દર્દી વહેલી સવારે જાણ કર્યા વગર ચાલ્યા ગયા છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પરિવારજનો કહી રહ્યા છે કે હોસ્પિટલમાં સારવારની પૂરતી સુવિધા નથી. હોસ્પિટલમાં દવા પણ નથી મળતી. ઘણી દવાઓ ખરીદવા માટે બજારમાં જવું પડે છે. સ્થિતિ એવી છે કે ઓક્સિમીટર અને થર્મોમીટર પણ બહારથી ખરીદીને લાવવું પડી રહ્યું છે. હોસ્પિટલના દરેક વોર્ડમાં 40 થી 50 દર્દીઓને દાખલ કરાયા છે. સાફ-સફાઈ પર પણ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. એનડીએમસી મેયર જય પ્રકાશે જણાવ્યું કે, ઉત્તર દિલ્હી મહાનગરપાલિકા સંચાલિત હિંદુ રાવ હોસ્પિટલ દિલ્હીની સૌથી મોટી મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ છે. હોસ્પિટલમાં કોરોના વાઇરસના દર્દીઓ માટે 250 બેડ અનામત રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારની કોરોના એપ મુજબ એક પણ બેડ આ હોસ્પિટલમાં ખાલી નથી.
હિંદુ રાવ હોસ્પિટલમાંથી છેલ્લા કેટલાક દિવસમાં 23 દર્દીઓ ભાગી ગયા હોવાની વાત અંગે એનડીએમસી મેયર જય પ્રકાશે કહ્યું કે, ’23 દર્દીઓ કોઈને પણ જાણ કર્યા વગર 19 એપ્રિલથી 6 મે દરમિયાન હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા છે. કેટલાક દર્દીઓ દાખલ થયા બાદ જાણ કર્યા વગર જ ચાલ્યા જાય છે. કેમકે તેમને સંભવતઃ બીજી કોઈ જગ્યાએ સારી સુવિધા મળી જાય છે અથવા ઘરે આઈસોલેટ થઈ જાય છે. દિલ્હી સરકારની હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિ છે.’
Delhi | 23 COVID-19 patients left Hindu Rao Hospital without informing in the last couple of weeks. We've informed DDMA & police about this. We've all their details & most of them are either home quarantined or admitted in other hospitals: NDMC Mayor Jai Prakash pic.twitter.com/YicR27HgE6
— ANI (@ANI) May 9, 2021
જય પ્રકાશે કહ્યું કે, ‘આવા દર્દીઓ અંગે દિલ્હી પોલીસે તેમને જાણકારી આપી છે. 23 દર્દીઓ ગાયબ થવા મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.’ નોર્થ દિલ્હી ડીસીપી એન્ટો અલ્ફાંસોના જણાવ્યા અનુસાર તેમને પણ આ અંગેની જાણકારી મળી છે. હાલ તપાસ ચાલી રહી છે. બની શકે કે આ દર્દીઓ વધુ સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ થયા હોય.
હરિયાણામાં જેલમાંથી કેદી ભાગ્યા
દિલ્હીની હોસ્પિટલ જેવો જ કિસ્સો હરિયાણામાં સામે આવ્યો છે. હરિયાણાના રેવાડી જિલ્લામાં બનેલી કોરોના જેલમાંથી શનિવારે રાતે 13 કેદી ફરાર થઈ ગયા છે. એક બેરેકની ગ્રિલ કાપીને ચાદરની રસ્સી બનાવીને આ કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. જેલમાંથી ભાગેલા આ તમામ કેદી કોરોના પોઝિટિવ હતા. જેથી જેલ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ફરાર થયેલા કેદીઓને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. આસપાસના ગામડાઓમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત