HomeસિનેમાવાદGirls Hostel: પોલિટિક્સથી બચવાનું ન હોય લડવાનું હોય

Girls Hostel: પોલિટિક્સથી બચવાનું ન હોય લડવાનું હોય

ઝાલાવાડી જલજીરા: ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલની સિઝન વનની ઉપર ઉપરથી વાત કરી. એમાં સોઈમાં દોરો પરોવ્યો હતો. હવે સિવવાની શરૂઆત થશે. પાત્રનો પરિચય કરાવ્યો અને એ પાત્રો હવે સિઝન-2માં પોલિટિક્સ ઉપર આવી ગયા છે. આપણામાંથી 90 ટકા કોલેજીયનો સ્ટુડન્ટ પોલિટિક્સમાં ભાગ નથી લેતાં. ફિલ્મો અવારનવાર કહ્યા કરે છે, કે આ પણ જીવનનો ભાગ છે. જોકે એમાં લેવું અને આપવું એ સિવાય વિદ્યાર્થીઓને કોઈ વાતમાં રસ નથી હોતો. ઉમેદવાર વોટ માટે એક વસ્તુ આપે છે અને વિદ્યાર્થી વોટ કરી આવે છે.

નાના શહેરોની કોલેજમાં નહીં, પણ જ્યાં શહેર મોટું છે. કોલેજ મોટી છે. અભ્યાસની શાખા પણ મોટી છે. ત્યાં પોલિટિક્સ એટલું જ અલગ લેવલનું હોય છે. મેડિકલ સ્ટુડન્ટને તમે માનો એટલા સીધા નથી હોતા, કારણ કે કોલેજીયનનું જીવન જ સીધું નથી હોતું. એ સીધો નથી રહી શકતો. એને ચલકચલાણું કરવું જ હોય છે.

પોલિટિક્સથી બચવાનું ન હોય, તેનો સામનો કરવાનો હોય. તેની સામે લડવાનું હોય. લડીને જીતવાનું હોય. ગર્લ્સ હોસ્ટેલ સિરીઝની ચારે નાયિકાઓ પણ એમાં જ પડી છે. સિઝન-2માં થાય છે એવું કે મેડિકલની એક છોકરી રામ્યા મંત્રીને ચૂંટણી કર્યા વગર જ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવી છે. જેની પાછળ મેડિકલના ડીન ડોક્ટર સરલા દેસાઈનો પણ હાથ છે. ડેન્ટલની વિદ્યાર્થિનીઓ સાથે તેની જૂની દુશ્મની છે. પ્રેસિડેન્ટ હોવાના નાતે એ એવો નિર્ણય લે છે કે હવે ડેન્ટલની વિદ્યાર્થિનીઓની હોસ્ટેલ બદલશે, કારણ કે જૂની હોસ્ટેલનું રિનોવેશન કરવાનું છે. ડેન્ટલની વિદ્યાર્થિનીઓને સૌથી ઓછી ક્ષમતા અને સુવિધાવાળી હોસ્ટેલમાં ખસેડવામાં આવે છે. જ્યાં પાણી ન બરાબર છે. પાણી માટે વિદ્યાર્થિનીઓએ નિયમ નક્કી કર્યો છે કે 40 સેકન્ડમાં કોઈ પણ વિદ્યાર્થિનીએ સ્નાન કરીને બહાર આવી જવું.

આવી ખરાબ પરિસ્થિતિમાં ફરિયાદો થતી રહે છે. વિરોધ થતો રહે છે અને પછી મહિલા ડિન સરલા દેસાઈ પણ દબાણવશ ચૂંટણી કરાવવાનું નક્કી કરે છે. કોલેજની આ પ્રથમ ચૂંટણી છે. ડેન્ટલ તરફથી ઝાહિરા ઊભી છે. મેડિકલ તરફથી રામ્યા મંત્રી ઉમેદવારી નોંધાવે છે. ને પછી શરૂ થાય છે પોલિટિક્સનું વંટોળ.

નાગપુરમાં એક વખત સૌરભ દ્વિવેદી ગયેલા. જ્યાં તેમને છોકરાઓએ કહ્યું કે, છોકરીઓ અહીં સિગરેટ પીવે છે. જવાબ મળ્યો કે એ એમની સ્વતંત્રતા છે. એમને પીવી હોય તો પીવે ન પીવી હોય તો ન પીવે.

કેટલાક છોકરાઓ સિગરેટ પીવે છે. કેટલાક છોકરાઓ નથી પીતા. સિમિલર. લલ્લનટોપનું એ રિપોર્ટિંગ આજે પણ યૂટ્યુબ પર છે. હોસ્ટેલમાં પણ આવું થાય છે. બોયઝ હોસ્ટેલમાં થઈ શકે એ જ વસ્તુ ગર્લ્સ હોસ્ટેલમાં પણ થાય છે. આ ઘટના દ્વારા મૂળ મુદ્દા પર આવીએ. વાત છે એવા છોકરાઓની જેમને છોકરીઓ બોલાવવા જ નથી માગતી તો શા માટે આવે છે. શા માટે દારૂ પીતી છોકરીઓનાં વીડિયો ઉતારવા આવે છે ? બેગાની શાદી મેં અબ્દુલા દિવાના.

કેટલીક ગર્લ્સ હોસ્ટેલની બહાર ગલ્લા લાગી જાય અને પછી ત્યાં અજાણ્યા છોકરાઓની ભીડ ઉમટી પડે. છોકરાઓ છોકરીઓની કનડગત કરે. ઘણી વખત છોકરીઓ લેટ ગો કરે અને ઘણી વખત ફરિયાદ થાય તો ગલ્લો હટી જાય. ફરિયાદમાં કેટલીક બૌદ્ધિક છોકરીઓ ફેમિનિઝમની વાતો કરે. ફેમિનિઝમની વાતો ન કરવાની હોય દંડો લઈને આવા અજાણ્યાઓને મારવાના હોય. આખી હોસ્ટેલમાંથી આવી એક જ છોકરી છે. જે હોકી સ્ટીક લઈ છોકરાઓને ફટકારે છે અને ચાની કિટલીને છિન્ન ભિન્ન કરી નાખે છે. દરેક છોકરીઓની હોસ્ટેલમાં આવી એક જ છોકરી તો હોય જ છે. જેનાથી ભલભલા કાંપતા હોય.

એવું નથી કે છોકરીઓને છોકરાઓ પસંદ નથી. એ તેની સાથે આવું જ વ્યવહાર કર્યા રાખે છે, એવું પણ નથી. છેડતી અને મિત્રતાની વચ્ચે જમીન આસમાન જેટલો ફર્ક હોય છે. છોકરાઓનું ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસી જઈને તાંડવ મચાવવું. કેટલીક છોકરીઓનાં વીડિયો ઉતારવા અને તેમને મીયાં ખલિફા સાબિત કરવા સુધીની હોડ!

મિલિ જ્યારે પૂછે છે, ‘મિયાં ખલિફા કોણ છે?’

ત્યારે લગભગ તમામ છોકરીઓને ખબર છે. એટલે કે હોસ્ટેલની છોકરીઓને દિગ્દર્શકે અહીં પોર્ન જોનારી તો દર્શાવી જ છે. પણ બધી છોકરીઓ પોર્ન એડિક્ટ નથી, કારણ કે જે છોકરીનો ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો છે તેને જ નથી ખબર કે મિયાં ખલિફા કોણ છે ?

ઝાહિરા. આ પાત્રમાંથી શીખવાનું આવે છે કે જીવનમાં બેથી વધારે વખત એક ને એક જેવો સમય ફરી ફરીને આપની પરીક્ષા લેવા માટે આવે છે. એવા સમયે તમે શું નિર્ણય લો છો તેના પર આપની સમગ્ર જિંદગીનો આધાર હોય છે. બુદ્ધિ અને સમજણનો આધાર હોય છે. ઘણા એકની એક ભૂલ વારંવાર કરે છે. ઘણા એક જ ભૂલમાંથી ઘણું બધું શીખી જાય છે કે તેમને બીજું કશું શીખવાની જરૂર નથી રહેતી. આપણે એ 90 ટકા લોકોમાંથી છીએ જે કરેલી ભૂલ ફરી કરીએ છીએ અને પસ્તાવો વ્યક્ત કરીએ છીએ.

આખું જીવન આપણું બે કામ કરવામાં ચાલ્યું જાય છે. ઓફિસમાં એક કામ કરતાં હોઈએ અને જે કામ આપણે કરવાનું છે જ નહીં એ પણ કરવું પડે છે. જીવનમાં પણ કેટલીય જવાબદારીઓ હોય છે. ઘરની, પરિવારની, ઓફિસની, મિત્રોની. આ બધું કોલેજ અને હોસ્ટેલની જિંદગી પૂર્વભૂમિકા બાંધી શીખવે છે. સિરીઝમાં પણ એક બાજુ ચૂંટણી છે. બીજી બાજુ પરીક્ષા છે. બંનેમાંથી પ્રાથમિકતા કોને આપવી ?

રિચાની અંદર એ છોકરીનું મેરવણ ભેરવી દેવામાં આવ્યું છે જે પ્રેમમાં પડે ત્યારે તેના વિચારો કેવા હોય ? તેની સ્થિતિ કેવી હોય?  એ એક ક્યૂટ છોકરા આરવનાં પ્રેમમાં પડે છે. તેનો સિનીયર છે. એ ત્રણ ચમત્કારી શબ્દો હજુ સુધી હોઠ વચ્ચેથી નીકળ્યા નથી. સમય ચાલ્યો જ જાય છે અને ચાલ્યો જ જાય છે ત્યારે રિચા મનમાં બોલે છે, ‘અત્યાર સુધીમાં તો મારા અને રોનકનાં વોલેટમાં કોન્ડોમ હોવા જોઈતાં હતાં.’

કોલેજ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં એક શબ્દ સંભળાય છે. ‘શિવા.’ આ શિવા રામગોપાલ વર્માની ફિલ્મ છે. જેમાં કોલેજનું કેમ્પસ છે. ચૂંટણી થઈ રહી છે. નાગાર્જુનનો અભિનય છે. મિત્રો માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની વાત છે. એક ખૂંખાર વિલન છે. કોલેજની ચૂંટણી પરની એ ક્લાસિક ફિલ્મ છે. ગમતી ફિલ્મનું નામ ગમતી વેબ સિરીઝમાં આવે તો વધારે ગમવાનું છે.

ગર્લ્સ હોસ્ટેલ એ લખીને કહેવાની નહીં પણ જોઈ અને સમજવાની વસ્તુ છે. અહીં લખી લખીને પણ કેટલું લખવું ? ઓછા તેલમાં ગાંઠીયા થોડા તળાય. અર્થાત્ શબ્દ મર્યાદા ભી કોઈ ચીજ હૈ. આ સિરીઝ જોયા પછી જો તમે ફિલ્મ ક્રિટિક છો, તો એ ક્રિટિકપણું ક્ષણવાર માટે બાજુમાં રહી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments