Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના પેથાપુરમાં બાળકને તરછોડવાના કેસમાં આરોપી અને બાળકના પિતા સચિન દીક્ષિતના (sachin dixit) જામીન (bail) મંજૂર કરવામાં આવ્યા છે. 15 હજારના બોન્ડ પર ગાંધીનગર કોર્ટે આરોપી સચિન દીક્ષિતને જામીન આપ્યા છે. બાળકને તરછોડવાના કેસમાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સચિન દીક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સચિનના વકીલે રજૂઆત કરી હતી કે, આ ગુનામાં સચિન સામે જે કલમ ઉમેરાઈ છે તે ખોટી છે. તેની સામે નામજોગ કોઈ ફરિયાદ નથી. જે કલમ લગાવાઈ છે તે આ કેસમાં લાગુ પડતી નથી. ગાંધીનગર કોર્ટે સચિનના વકીલની દલીલો માન્ય રાખીને તેને જામીન આપ્યા છે. તો આ તરફ પ્રેમીકા હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યાના કેસમાં સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. જેથી હવે સચિનને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બાળક તરછોડવાના કેસમાં સચિન દીક્ષિતે જામીન અરજી કરી હતી. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલે ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સચિનનો ગુનો જામીન લાયક છે. તેની સામે કલમ 363 અને 317 લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામ જોગ ફરિયાદ નથી. તેથી સચિનને આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવે. હજુ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. માટે તે સાબિત થતું નથી કે, ત્યજવામાં આવેલું બાળક સચિનનું જ છે. તેથી તેના પર 363 અને 317 કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જોઈએ.
સચિનની સામે નામ જોગ ફરિયાદ નથી
આરોપી પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, કલમ 317 માં માતા-પિતા કે પછી બાળકની સંભાળ રાખનારી વ્યક્તિ બાળકને ત્યજી દે અથવા કલમ 363 માં વાલીપણામાંથી બાળકનું અપહરણ કરવું આ બંને ગુના જામીનલાયક છે. જે ગુનો નોંધાયો છે તે અજાણ્યા ઈસમ સામે છે. ઘટના ૮ તારીખે બની છે, પોલીસે ૯ તારીખે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો છે અને ૧૦ તારીખે સચિન દીક્ષિતની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે હજુ એવા પુરાવા રજૂ નથી કર્યા કે જેમાં સાબિત થઈ શકે કે સચિન દિક્ષિતે અપહરણ કર્યું છે. ઘટના વડોદરા બની છે એટલે ગાંધીનગરમાં તેની કાર્યવાહી કરવી યોગ્ય નથી. બાળક સચિન દિક્ષીતનું છે કે કેમ તે ડીએનએ રિપોર્ટમાં ખ્યાલ આવશે. આવા સંજોગોમાં સચિન દીક્ષિતને જામીન મળવા જોઈએ. તો બીજી તરફ, આરોપી સચિનના ટ્રાન્સફર ઓર્ડર વડોદરા પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે. સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે અને હવે તેને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત