Homeગુર્જર નગરીગુજરાત સરકારે ગણેશ મહોત્સવની મંજૂરી આપી પણ મૂર્તિકારો આ વાતને લઈ મૂંઝવણમાં

ગુજરાત સરકારે ગણેશ મહોત્સવની મંજૂરી આપી પણ મૂર્તિકારો આ વાતને લઈ મૂંઝવણમાં

Team Chabuk-Gujarat Desk: વૈશ્વિક મહામારી કોરોનાએ માનવ જિંદગીને બે વર્ષ ઘમરોળ્યા બાદ હવે કોરોના થાકી ગયો હોય તેવું જણાય રહ્યું છે. ગઈકાલે રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં સાર્વજનિક ગણેશોત્સવને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષથી તમામ ઉત્સવો ઉજવવા પર પાબંદી હતી ત્યારે હવે સરકારે ગણેશ મહોત્સવની ઉજવણીને મંજૂરી આપતા ભાવિકો, પંડાલના આયોજકોમાં ખુશી જોવા મળી રહી છે. સૌથી વધુ ખુશી તો બે વર્ષથી બેકાર રહેલા મૂર્તિકારોના ચહેરા પર આવી છે.

સરકારે જેવી ગણેશ ઉત્સવને મંજૂરી આપી તુરંત જ મૂર્તિઓ માટેની ઈન્કવાયરી શરૂ થવા લાગી છે. મૂર્તિકારો આખા વર્ષની કમાણી આ ઉત્સવ થકી કરતાં હોય છે. ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાનું કામ કારીગરો દ્વારા છ મહિના અગાઉ થઈ જતું હોય છે. ત્યારે સરકારે હવે મંજૂરીની મહોર મારતા મૂર્તિકારો આયોજકોમાં થોડો રોષ પણ જોવા મળી રહ્યો છે.

કોરોનાના કેસો છેલ્લા ઘણા સમયથી ઘટ્યા છે. ગામડાઓમાં તો ઠીક પરંતુ મહાનગરોમાં પણ ઘણા દિવસોથી શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સરકારે ઉત્સવ અંગેનો નિર્ણય મોડો લીધો હોવાનું મૂર્તિકારો જણાવી રહ્યા છે. આ વર્ષે સરકાર 4 ફૂટ સુધીની માટીની મૂર્તિને જ મંજૂરી આપી છે અને ઉત્સવોને હવે થોડા દિવસ બાકી છે ત્યાર કદાચ અન્ય રાજ્યમાંથી મૂર્તિઓ મંગાવવી પડશે તેવું પણ મૂર્તિકારો જણાવી રહ્યા છે.

સરકાર દ્વારા ફક્ત માટીની મૂર્તિને જ મંજૂરી અપાતા વર્ષોથી પીઓપીની મૂર્તિ બનાવતા મૂર્તિકારો અને કલાકારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે તેઓ વર્ષોથી પીઓપીની જ મૂર્તિ બનાવીને વેચી રહ્યા છે. પરંતુ સરકારે આ વખતે 4 ફૂટની માટીની મૂર્તિને જ મંજૂરી આપતા તેઓના વેપાર પર ગ્રહણ લાગ્યું હોય તેવું તેઓ કહી રહ્યા છે. પીઓપીની મૂર્તિ બનાવતા મોટાભાગના મૂર્તિકારોને માટીની મૂર્તિ બનાવવાની ફાવટ પણ નથી અને માટીની મૂર્તિ બનાવવામાં સમય પણ લાગી શકે છે જ્યારે પીઓપીની મૂર્તિ ઝડપથી બની શકે છે. ત્યારે તેઓનું કહેવું છે કે સરકાર પીઓપીની મૂર્તિને પણ મંજૂરી આપે.

મૂર્તિકારોનું કહેવું છે કે, આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાથી મૂર્તિ બનાવવા માટેની સામગ્રી અને ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ વધારો થયો છે. મૂર્તિ બનાવવા માટેની માટીના ભાવ પણ ગત વર્ષ કરતાં વધ્યા છે. જેના કારણે આ વર્ષે મૂર્તિના ભાવમાં પણ વધારો થયો છે. ગણેશ મહોત્સવને હવે 40 દિવસ જેવો સમય બચ્યો છે ત્યારે મૂર્તિકારો માની રહ્યા છે કે, સરકારની મંજૂરી બાદ મોટી સખ્યામાં મૂર્તિ બનાવવાના ઓર્ડર આવી રહ્યા છે અને માટીની મૂર્તિ બનાવવામાં પીઓપીની મૂર્તિ કરતાં સમય પણ વધુ લાગી શકે છે તેથી તમામ ઓર્ડર પર ધ્યાન આપવું મુશ્કેલ લાગી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments