Homeગુર્જર નગરીગીર સોમનાથઃ સરખડીના યુવાનો દર્દીઓની વ્હારે, સ્વખર્ચે કરી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા

ગીર સોમનાથઃ સરખડીના યુવાનો દર્દીઓની વ્હારે, સ્વખર્ચે કરી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા

Team Chabuk-Gujarat Desk: દેશભરમાં ઓક્સિજનની અછતના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચુક્યા છે. અન્ય રાજ્યો અને જિલ્લાઓની જેમ ગીર સોમનાથ જિલ્લામાં પણ ઓક્સિજનની અછત છે. દર્દીઓના પરિવારને ઓક્સિજન માટે વલખાં મારવા પડી રહ્યા છે. જો કે, હવે આવા દર્દીઓની વ્હારે સરખડી ગામના યુવાનો આવ્યા છે અને પોતાના ખર્ચે ઓક્સિજનના 100 સિલિન્ડર લાવી ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓના જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દર્દીનો સહારો બન્યા સરખડીના યુવાનો

કોઈ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યુ ન થાય તેવા હેતુથી કોડીનાર તાલુકાના સરખડી ગામના યુવાનોનું ગૃપ આગળ આવ્યું છે. આ યુવાનોનું ગૃપ લાખો રૂપિયા ખર્ચી ઓક્સિજનના 100 સિલિન્ડર ભાવનગરથી લઈ આવ્યા છે અને લોકોને મફતમાં ઓક્સિજન પહોંચાડી રહ્યા છે.

દર્દી સુધી પહોંચાડ્યા ઓક્સિજન સિલિન્ડર

યુવાનોનું કહેવું છે કે, કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને કોડીનાર બહારના વિસ્તારોમાં જ્યાં જ્યાં ઓક્સિજનની જરૂર પડે ત્યાં યુવાનો જાતે ઓક્સિજનના સિલિન્ડર પહોંચાડી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. સરખડીના યુવાનો માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં હોમ આઇસોલેટ થયેલા અને ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને ઓક્સિજન પહોંચાડે તેવું નથી પરંતુ કોડીનારની રાનાવાળા હોસ્પિટલ, ડોળાસા સરકારી હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે.

સિલિન્ડરનું રિફિલિંગ પણ કરાવી રહ્યા છે

ખાલી થયેલા ઓક્સિજન સિલિન્ડર લઈને દર્દીના સગાને ધક્કા ન ખાવા પડે તે માટે પણ યુવાનો મદદરૂપ થઈ રહ્યા છે. ખાલી થયેલા સિલિન્ડરને યુવાનો ભાવનગર રિફિલિંગ માટે લઈ જઈ રહ્યા છે. ભાવનગરથી રિફિલિંગ કરાવી ફરી દર્દી પાસે સિલિન્ડર પહોંચાડી દર્દીનો જીવ બચાવવા પોતાનું 100 ટકા યોગદાન આપી રહ્યા છે.

તાજેતરમાં સર્જાઈ હતી ઓક્સિજનની અછત

તાજેતરમાં જ ગીર સોમનાથના વેરાવળ સિવિલમાં ઓક્સિજનની અછત વર્તાઈ હતી. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઓક્સિજનની અછતના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આવા સમયે કોઈ પણ ભેદભાવ અને ફાયદાની આશા રાખ્યા વગર જ યુવાનો લોકોની મદદે નીકળ્યા છે.

યુવાનો ઉતર્યા મેદાને

યુવાનોની આ પહેલે નેતાઓની પોલ ખોલી દીધી છે. યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે કે, મદદ કરવી હોય તો ગમે તે રીતે થઈ શકે. મહામારીમાં કેટલાક નેતાઓ માત્ર સોશિયલ મીડિયામાં ભડાશ કાઢીને સંતોષ માની રહ્યા છે જ્યારે બીજી તરફ યુવાનો મેદાને ઉતરીને લોકોને મદદ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments