Team Chabuk Gujarat Desk: પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવવાના કેસમાં મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની ધરપકડ કરાઈ છે. ગોધરા શહેરમાંથી પોલીસે ભટુકને ઝડપી લીધો છે. અંદાજે 19 વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં 59 કારસેવકોના મોત થયા હતા. એક પોલીસ અધિકારીએ સોમવારે આ માહિતી આપી. તેમણે કહ્યું હતું કે, ગોધરા કાંડનો આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો છે.
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલે કહ્યું હતું કે, 51 વર્ષીય ભટુક આરોપીઓના એ મુખ્ય જૂથનો હિસ્સો હતો જેમણે આ સમગ્ર ષડયંત્ર રચ્યુ હતું. ભટુક આ કાવતરામાં ડાયરેક્ટ સામેલ હતો. ભટુક છેલ્લા લગભગ 19 વર્ષથી ફરાર હતો. પાટિલે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ગોધરા પોલીસે રવિવારે રાત્રે રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયામાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ભટુકને ઝડપી લીધો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, ભટુકે ભીડને ઉશ્કેરી હતી તેમજ ટ્રેનના કોચને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. તપાસ દરમિયાન તેનું નામ સામે આવતા તે દિલ્હી ભાગી ગયો હતો. તેની સામે હત્યા અને તોફાનો કરાવવા સહિતના અન્ય આરોપો છે.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડમાં 59 કારસેવકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં મોટાપાયે કોમી રમખાણો થયા હતા. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ભટુક ગોધરા રેલવે સ્ટેશન પર મજૂરી કરતો હતો. તેણે કહ્યું, તે કોચ પર પથ્થરમારો કરવા અને તેમાં પેટ્રોલ નાખવામાં સામેલ હતો. કોચમાં પેટ્રેલ નખાયા બાદ અન્ય આરોપીઓએ કોચને આગ ચાંપી દીધી હતી.
શું હતી ઘટના?
27 ફેબ્રુઆરી 2002એ ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસને ગોધરા નજીક અટકાવાઈ હતી. ત્યારબાદ ટ્રેન પર ટોળાંએ અચાનક હુમલો કરી દીધો હતો અને ટ્રેનના એસ 6 કોચને આગ લગાવી દીધી હતી. આ દુર્ઘટનામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 59 કાર સેવકોના મૃત્યુ થયા હતા. પંચમહાલના ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ તેના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા. ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં 1000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
28 ફેબ્રુઆરી 2002: અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પર ટોળાનો હુમલો કર્યો જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું મોત થયું હતું. આ ઉપરાંત 31 લોકો લાપત્તા થયા હતા જેમને પાછળથી મૃત ઘોષિત કરાયા હતા.
22 મે 2002: પહેલું આરોપનામું દાખલ થયું હતું. POTA હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ ન કરાયો.
19 ડિસેમ્બર 2002: બીજું આરોપનામું દાખલ કરાયું, તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ ન કરાયો.
3 માર્ચ 2003: સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટની રચના કરવામાં આવી.
16 એપ્રિલ 2003: ત્રીજું આરોપનામું દાખલ થયું હતું, POTA હેઠળના ગુના દાખલ કરાયા હતા.
21 નવેમ્બર 2003: સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસની તપાસ પર રોક લગાવી.
સપ્ટેમ્બર-2004: પોટા કોર્ટની સમીક્ષા સમિતિ તપાસ માટે ગુજરાત આવી હતી.
16 મે 2005: પોટા કોર્ટની સમીક્ષા સમિતિએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.
એપ્રિલ-2008: સુપ્રીમ કોર્ટે તપાસ પર લગાવેલી રોક હટાવી તેમજ તપાસ માટે CBIની તપાસ કમિટી રચવામાં આવી.
12 ફેબ્રુઆરી 2009: ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA હેઠળના ગુના રદ કર્યાં.
એપ્રિલ-2009: સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવા આદેશ આપ્યો.
જૂન-2009: ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતમાં સુનાવણી શરૂ થઈ.
30 મે 2010: ટ્રાયલ કોર્ટના જજે ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી.
28 સપ્ટેમ્બર 2010: ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.
24 જાન્યુઆરી 2011: ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી થઈ, બાદમાં 22 ફેબ્રુઆરી કરાઈ.
25 જાન્યુઆરી 2011: ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટેનો ઇનકાર,
22 ફેબ્રુઆરી 2011: અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે 31 આરોપીને દોષિત જાહેર કર્યાં અને 63 આરોપીને નિર્દોષ જાહેર કર્યાં.
09 ઑક્ટોબર 2017: ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી 20ને ટ્રાયલ કોર્ટની સજા યથાવત રાખી. હાઈકોર્ટે 63ને નિર્દોષ જાહેર કરવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત