Homeગુર્જર નગરીઅમદાવાદમાં રાત્રે 9થી 6 મારા સિવાય કોણ બહાર નીકળ્યા એ જોવા પણ...

અમદાવાદમાં રાત્રે 9થી 6 મારા સિવાય કોણ બહાર નીકળ્યા એ જોવા પણ ન નીકળતા

હે ચાબુક બેટા તું રાતે જમ્યા પછી માવો ખાવા નથી નીકળતો ને ?

‘ગોવાબાપા આવી કાં વાત કરો ? હું વ્યસની છું જ નહીં.’

હે ચાબુક હવે આવતીકાલથી રાતના નવથી સવારના છ વાગ્યા સુધી શહેરમાં કરફ્યુ લાદવાનો અમદાવાદ કોર્પોરેશને નિર્ણય લીધો છે. નિર્ણય પાછળનું મોટું કારણ એ છે ચાબુક કે 145 દિવસ પછી કોરોનાના 234 કેસ ઉપર થઈ ગયા છે. આટલી મોટી સંખ્યામાં કેસ આવવા એ પણ 145 દિવસ પછી એ મોટી વાત કહેવાય.

હું અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયને આવકારું છું. દિવાળી અને બેસતા વર્ષમાં કરેલા ધામધૂમથી ધડાકા અને શિયાળાની શરૂઆત થઈ જતા હવે કોરોના વકરશે. અગમચેતીના પગલાંરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય હવે દરેક મોટા જિલ્લાએ પણ અમલ નહીં તો ધ્યાને તો લેવો જ જોઈએ.

ઘણા એવા જિલ્લાઓ છે જે હરવા ફરવામાં અને ધ્યાનમાં લીધા વિના કોરોના કરવામાં વ્યસ્ત છે. ચાબુક હું તો કઉં જરૂર ન હોય, તો નીકળો જ નહીં. કસરત કરવી હોય તો પોતાની જ ઈમારતના બધા પગથિયાં ચડીને ઉતરી જાવ. ખબર પડી જાશે કે જીમ તો ઘરમાં જ હતું આ તો મેં ખોટેખોટા 8,000 ભર્યા. અમદાવાદ પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણયને હું વધાવું છું. આ નિર્ણય આગામી સમયમાં કારગત નિવડશે તેવું પણ મારું માનવું છે.

હું તો એટલું જ કઉં છું કે તમારી ઉંમર નહીં પણ તમારી જવાબદારીઓ ઉઠાવવાની ક્ષમતા તમને બૌદ્ધીક બનાવે છે. અટાણે તે જોયું છે ને કેટલાક કારણ વિનાના બહાર રખડે છે. ઘણા તો માસ્ક પણ પહેરતા નથી. તહેવારોની ભીડ પર તો મારે અલગથી લખવાની જરૂર પડેલી.

અમદાવાદમાં જે રીતે રાતના કરફ્યુ લદાયો તેની પાસેથી બીજા જિલ્લાઓએ શિખામણ લેવાની જરૂર છે. કેટલીક શિખામણો હું આપી દઉઁ. રાતના નવ પછી અમદાવાદ જિલ્લાના લોકોએ શું શું કરવું ? આ હું એટલે કહું છું કે ઘણાને રાત ઉજાગરાની ટેવ હશે જ.

1) કારણ વિનાનું બહાર ન નીકળવું

2) વૃદ્ધોને ઘરમાં જ રાખવા. સાર સંભાળ રાખવી.

3) કરસત કરવા માટે ઘરમાં જ ઘણી જગ્યા હોય છે. આજુ બાજુ નજર કરી લેવી. ખોટે ખોટું ‘હોકિંગ’ કરવા ન નીકળવું.

4) યોગાસન કરવા. એ તો ઘરમાં જ થઈ જાય. જનતા પ્રદર્શન ન કરવાના હોય.

5) નોકરી ધંધા સિવાય જરૂર લાગે તો જ નીકળવું બાકી અમદાવાદની જેમ થશે.

6) અને હા ઘરમાં રહે એ લોકો ખોટેખોટા મેસેજો વાઈરલ પણ ન કરે. અમારા ડોસલાઓમાં એક જૂની પણ પ્રચલિત કહેવત છે કે, નવરા નખ્ખોદ વાળે.

7) રાતના નવ પછી ઘરમાં પુસ્તકો હોય તો વાંચો. ઓનલાઈન ચોપડા મંગાવો. પુસ્તકો તમને સાચો રસ્તો બતાવશે.

8) મહત્વની વાત એ કે સારું અને મજા આવે એવું વાંચવું હોય તો અમારી ચાબુક વેબસાઈટ ખોલો અને તેના સાહિત્ય અને વિશેષ વિભાગમાં જાઓ. મજા ન આવે તો કહો એ હારી જાઉં.

‘બરાબર છે ગોવાબાપા. ચાબુક જેવી વાંચવાની મજા તો ક્યાંય ન આવે. એમાંય સિનેમાનું જલજીરા લખે એટલે….’

શાળાઓ ક્યારે ખુલશે ?

હવે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 23 તારીખથી ખુલતી શાળાઓને બંધ રાખવાના એલાનનો ટેકો જાહેર થયો છે. તેઓ કહે છે કે તાત્કાલિક શાળા ખોલાવાનો નિર્ણય સરકારે પાછો ખેંચવો જોઈએ. એમણે તો એમ પણ કહ્યું કે, જ્યાં સુધી કોરોના વેક્સિન ન આવે ત્યાં સુધી શાળાઓ ખોલવી એ યોગ્ય નથી. જોઈએ આગળ શું થાય છે.

કરાચી દુકાનનું નામ હોય એટલે પાકિસ્તાની ?

વાત ચાબુક મહારાષ્ટ્રની થાય છે. અહીં શિવ સૈનિકો એક દુકાને જઈ પહોંચ્યા. દુકાન બંધ કરાવવા લાગ્યા. દુકાન પર નામ હતું કરાચી. શિવ સૈનિકોને કરાચી દુકાનનું નામ છે એટલે વાંધો પડ્યો અને દુકાનદારને કહ્યું કે, દુકાનનું નામ બદલો. એમણે દુકાનદારને કહ્યું છે કે, થોડા સમયમાં જ દુકાનનું નામ બદલીને મરાઠીમાં કરી નાખવામાં આવે.

હાઈકોર્ટ દિલ્હી સરકાર પર લાલઘુમ

ગુજરાતની આમ આદમી પાર્ટીના ફેસબુક પેજ પર વારંવાર મુખ્યમંત્રી કેજરીવાલના કામના વખાણ થાય છે. એમની કામગીરીના કારણે જ તેમને બીજી વખત મુખ્યમંત્રી પદ પર બેસાડવામાં આવ્યા છે. પણ કોરોના સામે તેઓ કંઈ કરી નથી શક્યા. તેમણે તો ના જ પાડેલી કે આ દિવાળી અને બેસતા વર્ષે ફટાકડા ફોડવાના નહીં. પણ છતાં ફૂટ્યા. હવે કોરોનાના કેસ દિલ્હીમાં વધી રહ્યા છે. સ્મોગ, કોરોના અને શિયાળાના ત્રિવિધ કારણોને લીધે આ સમસ્યા વકરી છે. હાઈકોર્ટે કેજરીવાલ સરકારને કેવી ફટકારી એ જોઈએ ચાબુક.

‘‘તમે ઉંઘમાં હતા ત્યાંથી ઉઠાવ્યા. અમે તમને સવાલ કર્યો તો તમે કાચબામાં પરિવર્તિત થઈ ગયા. સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. અમે મૌન ધારણ કરી કિનારે બેસીને તમાશો ન જોઈ શકીએ. તમે 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં કોઈ કામ નથી કર્યું. જેનાથી અમને ચિંતા થઈ રહી છે. અમે અહીં તમને ઉંઘમાંથી ઉઠાડવા માટે નથી બેઠા.’’

માસ્ક ન પહેરવા પર હાઈકોર્ટે એમ કહ્યું છે ચાબુક કે…

‘‘જે લોકો પોતાના ઘરની બહાર નથી નીકળતા એમને પણ કોરોના થઈ રહ્યો છે. અને આ બીજા લોકોની બેદરકારીથી છે. અમે એમ નથી કહી રહ્યા કે માત્ર આપ જ આ સ્થિતિ માટે જવાબદાર છો. નાગરિકો પણ જવાબદાર છે. તેમણે સાવધાની રાખવી જોઈએ. હવે એ સાવધાની નથી રાખતા તો તમારી જવાબદારી છે કે, તેમને જવાબદારીનું પાલન કરાવો. જેથી તેમના કારણે ચેપ વધારે ન ફેલાય.’’

‘કેજરીવાલે શું કર્યું ગોવાબાપા?’

બેટા એણે દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર 2000 રૂપિયા દંડ કરી દીધો. ચાર ગણો વધારે.

‘હા મોજ હા.’

(રાજકારણથી લઈને દેશ દુનિયાના મહત્વના સમાચારો હળવીશૈલીમાં વાંચો ગોવાબાપાની કલમે-પ્રાઈમ ટાઈમમાં)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments