Homeસાહિત્યવિશ્વ સંડાસ દિવસ : એવા એ નંગ ઘણા છે કે જેના મનમાં...

વિશ્વ સંડાસ દિવસ : એવા એ નંગ ઘણા છે કે જેના મનમાં કબજીયાત છે

ને આજે કેવી વાત કરીએ છીએ? દાયકાઓ પહેલા આ લખ્યું હોત તો ? આપણાથી લખાત ખરું ? છાપામાં છપાત તો કેટલાય લોકો વાંચેત પણ નહીં. લખનારનું નામ છપાણું હોત તો તેના વિશે બે ચાર વાંધા વચકાવાળી વાત કરી નાખેત.

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી દેશમાં સંડાસની વાત થવા લાગી. સાચું કે નહીં ? વિદ્યા બાલનની એડ આવતી હતી. જહાં સોચ વહાં શૌચાલય. ના ખોટું.

2002ની સાલમાં ગુજરાતી વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારે સંડાસની વાસને સુવાસ બનાવી અને સાહિત્યમાં પ્રસરાવી. એ વખતે એમના વિશે એટલી ચર્ચા ન થઈ. વાર્તા છપાઈ. વાર્તાપ્રેમીઓમાં વખાણ થયા. ખલ્લાસ. ગુજરાતના એક મોટા વર્ગ સુધી એ વાર્તા ન પહોંચી શકી, કારણ કે તે કોઈ ફિલ્મ નહોતી. તેમાં કોઈ મોટો સ્ટાર નહોતો. એ વખતે મહેન્દ્રસિંહ પરમાર એટલા મોટા લેખક પણ નહોતા બન્યા. તેમનો એક વિવેચન સંગ્રહ પ્રથમ 2009ની સાલમાં પ્રગટ થયો હતો. આપણને ખ્યાલ છે ગુજરાતી વિવેચનો કોઈ ખરીદતા નથી. ખરીદતા ન હોય ત્યાં વાંચવાનું તો ક્યાં પૂછવું.

આ વાર્તાને તેની ખરી પ્રશંસા પામતા દાયકો નીકળી ગયો. આર.આર.શેઠ પબ્લિકેશન એક કામ કરતી હતી. એ વર્ષ મુજબ જે વાર્તાઓ સારી હોય તેનું કોઈ બળકટ સર્જક પાસે સંપાદન કરાવે. 1994થી આ કામ હાથમાં લેવામાં આવ્યું. 1994 અને 1995માં મોહનભાઈ પરમારે સંપાદન કર્યું. પછીના બે વર્ષ મણિલાલ પટેલે સંપાદન કર્યું. 1998માં હર્ષદ ત્રિવેદીએ કર્યું. 1999માં રમેશ.ર.દવે એ કર્યું. 2000ની સાલમાં હર્ષદ ત્રિવેદીએ કર્યું. 2001ની સાલમાં રમણ સોનીએ કર્યું. 2002ની સાલમાં હિમાંશીબેન શેલતે કર્યું.

બસ હું અહીં અટકી જઉં છું. 2002ની સાલમાં હિમાંશીબેન શેલતે જે સંપાદન કર્યું. એમાં આ વાર્તા હતી. વાર્તાસંગ્રહ તો ખૂબ મોડેથી આવ્યો. 2016ની સાલમાં. લેખકે જોખી જોખીને વાર્તાઓ લખી છે. પ્રથમ ત્રણ વાર્તાઓમાં હાસ્ય પણ છે અને સંદેશો પણ છે. વાત એ કે જ્યાં હાસ્ય હોય ત્યાં ગંભીર સંદેશો પણ જનતા હસવામાં કાઢી નાખતી હોય છે. પુરૂષો હાથમાં ડબલું લઈ સવારમાં સંડાસ કરવા જાય અને સ્ત્રીઓએ રાતે જવાનું. એમાંય પાછી સમસ્યા એ કે સંડાસ જવાના એક પછી એક ઠેકાણા બંધ થતા જાય. એક એક ઉપાયો અજમાવ્યા પછી છેલ્લે હાથ લાગે પોલિટેકનિક.

આજે વર્લ્ડ ટોયલેટ ડે પર એ વાર્તાઓની વાત જે સંડાસ પર આધારિત છે. એક ફિલ્મની વાત જે સંડાસ પર આધારિત છે. ગામડામાં તો તેને ખરચૂ પણ કહે અને મેદાને જવું પણ કહે.

મહેન્દ્રસિંહ પરમારે ત્રણ વાર્તાઓ આ એક જ કથાવસ્તુ પર લખી છે. પોલિટેકનિક, હવે કઈ પોલિટેકનિક ? અને ઊડણચરકલડી. પોલિટેકનિક વાર્તા લખાઈ તેના વિશે હિમાંશી શેલતે લખ્યું છે, ‘‘માણસને ભાગે હોવું જોઈએ એવું જીવન જીવવા માટે તલખતા અને કુદરતી હાજત માટેની પાયાની સગવડના અભાવે ભટકતા, માથાં પટકીનેય અંતે લાચારીમાં જ સબડતા આપણા સમાજના જ એક મોટા સ્ત્રીસમુદાયના પ્રાણપ્રશ્નને પોલિટેકનિક જેવી વાર્તા ઊપસાવે છે.’’

આ વાર્તા વિશે મહેન્દ્રસિંહ પરમારે પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘‘પોલિટેકનિક કોલેજની સામેની દીવાલમાં પડેલું બાકોરું અને અવાર-નવાર કામ પતાવવા નીકળતી ડબલાંબધ્ધ બહેનોને જોઈને ઘણી વાર હ્રદયમાં બાકોરાં પડતાં! અંતરની રીતે એકબીજાથી ખાસ્સા દૂર એવાં સ્થળો (સમૂહ) શૌચનાં પ્રશ્ને એક થઈ ગયા. દસ વરસ પછી એ ધારાની બીજી વાર્તા હવે કઈ? લખાઈ ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી પોલિટેકનિકની સામે ખડી થઈ ગયેલી! અને વાર્તામાં નિરૂપાયેલો પ્રશ્ન તો ખાસ્સો ચગી ગયેલો.’’

એ વાર્તા 2017માં લોકપ્રિય થઈ. જ્યારે ટોયલેટ એક પ્રેમકથા ફિલ્મ આવી. ફિલ્મને આ વાર્તાની સાથે સાંકળી શકો તેવી ઘટનાઓ હતી ખરી. જેમ કે કંકુડી અને જીવલી ટ્રેનમાં સંડાસ કરવા ગઈ અને ટ્રેન ઉપડી ગઈ. બીજી વાર્તામાં સંડાસ માટે રણચંડી બનેલી મહિલાઓ છે. જે ગમે તે ભોગે સંડાસ કરવાની જગ્યા માગે છે. ત્રીજી વાર્તામાં પરણીને ગયેલી જીવલી પાછી આવતી જ નથી, કારણ કે અહીં સંડાસ છે ત્યાં ગામડે તો ઠેબા જ ખાવાના.

તો વાર્તાસંગ્રહ પોલિટેકનિકમાં આ ત્રણે વાર્તાઓ છે. અચૂક વાંચજો.

પછી સંડાસ જ મુખ્ય કથાવસ્તુ હોય એવી શક્તિસિંહ પરમારની છૂટકો વાર્તા આવી. એ વાર્તામાં પણ ગ્રામીણ બોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નટુકાકા પોતાના દીકરાઓને ત્યાં જાય છે અને ઈટાલીયન સ્ટાઈલના સંડાસને જોઈ તેમની સંડાસ કરવાની મનની મનમાં જ રહી જાય છે. ખૂબ પ્રયત્નો કરે છે, પણ આ બોખરામાં સંડાસ કેવી રીતે કરવું એ ખબર નથી પડતી. અહીં સંડાસ અને નટુકાકાના સંઘર્ષનું વર્ણન છે. છેલ્લે નટુકાકા ભાગવાની જ વિચારે છે. સુરતથી ગામડે આવી જાય છે અને પછી, પછી તેમની હળવા થવાની ક્રિયા હળવીશૈલીમાં શક્તિસિંહે સરસ વર્ણવી છે.

આખી વાર્તા હસવામાં નીકળી જાય કે બીચારા નટુકાકા જોડે કેવું થયું. વાર્તા વાંચ્યા પછી તમે કોઈ ગામડાના માણસને અમદાવાદ કે મુંબઈના ‘‘ફાઈવસ્ટાર’’ સંડાસમાં લઈને જજો. આ વાર્તા સમજાય જશે. એટલા બધા નળ હોય કે ખબર જ ન પડે આમાંથી ઉપયોગમાં કયો લેવાનો છે. આ વાર્તા કટાક્ષ છે. ગ્રામીણ અને શહેરીજીવનનો તફાવત દર્શાવે છે. સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને શહેરી અને ગ્રામીણ જીવનનો તફાવત અઘરી વ્યાખ્યા થકી ન સમજાય તો તફાવતને પાયાથી સમજવા આ વાર્તા વાંચી લેવી.

ત્રીજા નંબર પર કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મ આવે છે. એ સમયે ટોયલેટ એક પ્રેમકથા પણ રિલીઝ થઈ હતી. એટલે બંનેના વિષયમાં સમાનતા હશે એવી વાતો ગામના ચોરે થતી હતી. જોકે એવું કંઈ ન નીકળ્યું. કૃષ્ણદેવ યાજ્ઞિકની મગજ સાફ કરી નાખતી ફિલ્મ. આપણે ત્યાં પેટ સાફ કરવાની દવા છે. મગજ સાફ કરવાની દવા નથી!

એક સંડાસ સંભાળનારા અને સંડાસની સમસ્યાઓ હલ કરનારા કરસનદાસની વાત હતી. ફિલ્મનો સંદેશ એ નથી કે કરસનદાસ સંડાસ સાફ કરનારો છે અને તેનાથી ઉપરના વર્ગની છોકરીને પ્રેમ કરે છે. સંદેશ એ છે કે, દરેક માણસની બીજા માણસને જરૂરિયાત હોય જ છે. આજે કચરો સાફ કરનારો બે દિવસ તમારા ઘરે ન આવે તો ? અને જો સંડાસના બોખરામાંથી સંડાસ ઉભરાતું હોય અને સંડાસ સાફ કરનારો જ ન હોય તો ? કલ્પના કરી જુઓ કેવી સ્થિતિ થાય. કોઈ કામ નીચું નથી હોતું અને ફિલ્મ જોનારાઓને ખ્યાલ આવી જ ગયો હશે કે સંડાસનું કામકાજ તો સૌથી ઉપરની શ્રેણીમાં આવે છે. ભલે આપણા માટે એ ‘કાઢી’ નાખ્યા જેવી વાત હોય. કરસનદાસ બનેલા મયૂર ચૌહાણના મોઢે બોલાયેલા મારા બે પ્રિય સંવાદો.

‘‘આજથી એક મહિનામાં હું તમ સંધાય ન મારી ઓકાત બતાઈ…. રોવાના દાડા આવવાના છે તમ સંધાયના.’’

‘‘તો વાત આંયા રૂપિયાની છે. આજે સમજાણું રૂપિયાથી ઔકાત ખબર પડે કોમથી નહીં. તો જા બીજું વચન આલું તને. આજથી એક મહિનામાં હું તારાથી એક રૂપિયો વધારે કમાઈ. જો તું ત્રીસ હજાર કમાય તો માથે હું એક રૂપિયો વધારે કમાઈ. મહિના પછી તું તારા મહિનાની કમાણી લાવજે ને હું મારા મહિનાની…. છે છાણ ? છે છાણ ? તો લગાઈવને શરત. ’’

ચાબુક કહે છે કે, માણસનું હ્રદય તો સંડાસ જેવું જ હોવું જોઈએ. જે હોય એ કાઢી જ નાખવાનું. હ્રદયની અંદર જ ધરબાયેલું રહે તો પછી ગુંગળામણ થાવા માંડે. ખૂદને જ અંદરથી ડંખ્યા કરે. એનું પછી કબજીયાત જેવું થાય. કબજીયાતથી મોઢામાં ચાંદી થાય. ખાઈ પણ ન શકાય. બોલો હવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments