વાર્તા – હારેલી જીત
મૂળ ભાષા – હિન્દી
લેખક- સુદર્શન
અનુવાદ – Team Chabuk
મા ને પોતાના દિકરાને અને ખેડૂતને પોતાના લીલાછમ ખેતરને જોઇ જે હેત ઉપડે એ જ આનંદ બાબા ભારતીને પોતાના ઘોડાને જોઈને થતો હતો. ભજન-કિર્તનથી જે સમય રહેતો તે પોતાના ઘોડાની પાછળ ન્યોછાવર કરી દેતા હતા. ઘોડો ખૂબ સુંદર હતો-બળવાન પણ. એના જેવો ઘોડો તો આખી સૃષ્ટિમાં નહોતો. બાબા ભારતી તેને સુલ્તાન કહી પોકારતા હતા. પોતાના હાથથી તેના શરીરને પંપાળતા હતા. હાથેથી ચારો નાખતા અને અનિમેષ નયને તાકતા પ્રસન્નચિત રહેતા હતા.
તેમણે રૂપિયા, માલ,અસબાબ,જમીન જેવો પોતાનો બધો સામાન ત્યજી દીધો હતો. ત્યાં સુધી કે નગર જીવનથી પણ તેમને અણગમો ઉપજતો હતો. હવે ગામની બહાર એક નાનકડાં મંદિરમાં રહેતા અને ભગવાનનું ભજન ગાતા હતા. ‘‘હું સુલ્તાન વિના નહીં રહી શકુ.’’ આવો વિચાર તેમના મગજમાં ચોંટી ગયો હતો. તેની ચાલ પર તે ઓળઘોળ હતા. કહેતા, ‘‘એવી રીતે ચાલે છે જ્યારે મોર ઘટાને જોઇ થનગનતો હોય.’’ સંધ્યા ટાણું થતા સુલ્તાન પર ચડી આઠ દસ માઇલ ચક્કર ન લગાવી લે, ત્યાં સુધી તેમના અંતરઆત્માને શાંતિ નહોતી થતી.
ખડકસિંહ એ વિસ્તારનો કુખ્યાત ડાકુ હતો. તેનું નામ સાંભળી લોકો થરથર કાંપતા હતા. હળવે હળવે સુલ્તાનની કિર્તી તેના કાન સુધી પહોંચી ગઇ. તેનું હ્રદય તેની ઝાંખી કરવા માટે અધીરૂ બની ગયું. એક દિવસ બપોરના સમયે તે બાબા ભારતી પાસે પહોંચ્યો અને પ્રણામ કરી તેમની પાસે બેસી ગયો. બાબા ભારતીએ પૂછ્યું, ‘‘ખડગસિંહ શું હાલ છે ?’’
ખડગસિંહે માથું નમાવી જવાબ આપ્યો, ‘‘તમારી દયા છે.’’
‘‘ફરમાવો અહીં કેમ આવવાનું થયું ?’’
‘‘સુલ્તાનનો પ્રેમ ખેંચી લાવ્યો’’
‘‘વિચિત્ર પ્રાણી છે, જુઓ તો આનંદિત થઇ જાવ.’’
‘‘મેં પણ ઘણી પ્રશંસા સાંભળી છે.’’
‘‘તેની ચાલ તારું મન મોહી લેશે.’’
‘‘કહે છે જોવામાં પણ ઘણો સુંદર છે.’’
‘‘શું કહેવું ! જે એને એકવાર જોઇ લે છે, તેના હ્રદય પર તેની છબી અંકિત થઇ જાય છે.’’
‘‘ઘણા સમયથી અભિલાષા હતી, આજે હાજર થઇ શક્યો છું.’’
બાબા ભારતી અને ખડગસિંહ ઘોડાના તબેલામાં પહોંચ્યા. બાબાએ ઘોડો બતાવ્યો અહમથી અને ખડગસિંહે જોયો આશ્ચર્યથી. તેણે હજ્જારો ઘોડા જોયા હતા, પરંતુ આવો કદાવર ઘોડો તેની આંખો નીચેથી કોઇ દિવસ પસાર નહોતો થયો. વિચારવા લાગ્યો કે નસીબની વાત છે. આવો ઘોડો તો ખડગસિંહની પાસે હોવો જોઇતો હતો. આ સાધુને આવી વસ્તુથી શું લાભ ? ઘડીક તે વિસ્મયથી શાંતિપૂર્વક ઉભો રહ્યો. થોડીવારમાં તેના હ્રદયમાં કંપારી થવા લાગી. નાનું બાળક જેવી અધીરતાપૂર્વક શબ્દોનો ઉચ્ચાર કરે તેમ બોલવા લાગ્યો : ‘‘પણ બાબાજી આની ચાલ ન જોઇ તો પછી શું ?’’
બીજાના મોઢાથી આ શબ્દો સાંભળવા માટે તેમનું હ્રદય આતુર થઇ ગયું. ઘોડાને તબેલાથી બહાર લઇ આવ્યા. ઘોડો વાયુ-વેગે ઉડવા લાગ્યો. તેની ચાલ જોઇને ખડગસિંહના હ્રદયમાં સાંપોલીયા આંટા મારવા લાગ્યા. એ ડાકુ હતો અને જે વસ્તુની મંચ્છા તેને જાગતી તેને તે પ્રાપ્ત કરીને રહેતો હતો. તેની પાસે બાહુબળ હતું અને માણસો પણ. જતા જતા તેણે કહ્યું, ‘‘બાબાજી, હું આ ઘોડો તમારી પાસે નહીં રહેવા દઉઁ.’’
બાબા ભારતીને લખલખુ પસાર થઇ ગયું. હવે તેમને રાતે ઉંઘ નહોતી આવતી. રાત તબેલાની ચોકીદારીમાં કપાવા લાગી, પણ મહિનાઓ થઇ ગયા તે ન આવ્યો. બાબા ભારતી નિશ્ચિત થઇ ગયા, આ ડરને તેમણે સ્વપ્નનું તખલ્લુસ આપી દીધું. સંધ્યાનું ટાણું હતું. બાબા ભારતી સુલ્તાનની પીઠ પર બેસીને ઘુમવા માટે નીકળી રહ્યા હતા. આ સમયે તેમની આંખોમાં ચળકાટ હતો, ચહેરા પર પ્રસન્નતાનો ભાવ હતો. કોઇવાર ઘોડાના શરીરને જોતા હતા, કોઇવાર તેના રંગને જોતા હતા. અને અંદરોઅંદર હરખાયા કરતા હતા. અચાનક એક અવાજ આવ્યો, ‘‘ઓ બાબા, આ કંગાળની સાંભળતા જજો.’’
અવાજમાં દરિદ્રતાનો ભાવ હતો. બાબાએ ઘોડાને સ્થગિત કરી દીધો. જોયું, એક અપંગ વૃક્ષની છાયા તળે પડ્યો પડ્યો કણસી રહ્યો હતો. બાબાએ પૂછ્યું, ‘‘કેમ, તને શું થયું છે ?’’
અપંગે હાથ જોડીને કહ્યું, ‘‘બાબા હું દુખિયારો છું. મારા પર દયા કરો, રામાવાલા
અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે. મારે ત્યાં જવું છે, ઘોડા પર ચઢાવી લો, ઇશ્વર તમારું ભલું કરશે.’’
‘‘ત્યાં તારું કોણ છે ?’’
‘‘દુર્ગાર્દત્ત વૈદ્યનું નામ તો તમે સાંભળ્યું હશે. હું તેનો સાવકો ભાઇ છું.’’ .
બાબા ભારતીએ ઘોડા પરથી નીચે ઉતરી અપંગને ઘોડા પર સવાર કર્યો અને ઘોડાની લગામ પકડીને ધીરે-ધીરે દોરવા લાગ્યા. અચાનક તેમને એક ઝટકા જેવું લાગ્યું. લગામ હાથમાંથી છૂટી ગઇ. તેમના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. જ્યારે તેમણે જોયું કે અપંગ ઘોડાની પીઠ પર કસીને બેઠેલો છે અને ઘોડાને દોડાવ્યે જઇ રહ્યો છે. તેના મોમાંથી ડર, વિસ્મય અને નિરાશાના સમન્વયભરી ઉંડી ચીખ નીકળી ગઇ. એ અપંગ ડાકુ ખડગસિંહ હતો. બાબા ભારતી થોડો સમય સુધી ચૂપ રહ્યા. થોડી ક્ષણો બાદ નિશ્ચિત થઇને જોરથી બૂમ પાડી, ‘‘ઘડીક ઉભો રહી જા…’’
ખડગસિંહે આ અવાજ સાંભળીને ઘોડાને રોકી લીધો, તેની ગરદન પર પ્રેમથી હાથ પસવાર્યો અને કહ્યું, ‘‘બાબાજી, હવે આ ઘોડો નહીં આપીશ.’’
‘‘પણ એક વાત સાંભળતો જા…’’ ખડગસિંહ ઉભો રહી ગયો.
બાબા ભારતીએ તેની પાસે જઇ એવી કરડાકી ભરી આંખોથી જોયું જ્યારે કોઇ ખાટકી બકરાને હલાલ કરવાનો હોય અને ફરમાવ્યું, ‘‘આ ઘોડો તારો થઇ ચૂક્યો છે. હું તને તેને પાછો આપી દેવા માટે નહીં કહું. પણ ખડગસિંહ માત્ર એક પ્રાર્થના કરુ છું. આને પરત ન કરતો બાકી મારું દિલ તૂટી જશે.’’
‘‘બાબાજી આજ્ઞા કરો હું તમારો દાસ છું, માત્ર ઘોડો પાછો નહીં કરૂં.’’
‘‘હવે ઘોડાનું નામ ન લે. હું તને આ વિષયમાં કંઇ નહીં કહીશ. મારી પ્રાર્થના માત્ર એ છે કે આ ઘટના તું કોઇની સામે પ્રગટ નહીં કરે.’’
ખડગસિંહનું મોં આશ્ચર્ય સાથે પહોળું રહી ગયું. તેનો વિચાર હતો કે તેને ઘોડો લઇને અહીંથી ભાગવું પડશે, પણ બાબા ભારતીએ પોતે જ કહ્યું કે, આ ઘટના વિશે કોઇને કહેતો નહીં. તેનું શું પ્રયોજન હોઇ શકે ? ખડગસિંહે ખૂબ વિચાર્યું, ઘણી લમણાઝીંક કરી, પણ કંઇ સમજી ન શક્યો. હારીને તેણે પોતાની આંખો બાબા ભારતીના મુખ સામે લાવી દીધી અને પૂછ્યું, ‘‘બાબાજી, આમા તમને શું ભય છે ?’’
આ સાંભળીને બાબા ભારતીએ પ્રતિઉત્તર આપ્યો, ‘‘લોકોને જો ઘટના વિશે ખબર પડી તો તેઓ દુખિયારા લોકો પર વિશ્વાસ નહીં કરે.’’ આટલું કહી તેમણે સુલ્તાન સામેથી પોતાનો ચહેરો હટાવી લીધો. જ્યારે તેમનો કોઇ સંબંધ જ ન રહ્યો હોય.
બાબા ભારતીએ તો પોતાની વાટ પકડી લીધી, પણ તેના શબ્દો ખડગસિંહના કાનમાં એ જ પ્રકારે ગુંજી રહ્યા હતા. વિચારતો હતો, કેવો ઉંચો વિચાર છે, કેવો પવિત્ર ભાવ છે. તેમને આ ઘોડા સાથે પ્રેમ હતો, આને જોઇ તેમનું મોઢું કમળના ફુલની જેમ ખીલી જતુ હતું. કહેતા હતા, આના વિના હું રહી નહીં શકુ, તેની ચોકિદારી કરવામાં તે રાત દિવસ સુતા નહોતા. ભજન ભક્તિ છોડીને ચોકિદારી કરતા હતા. પણ આજ તેમના ચહેરા પર દુ:ખની રેખા પણ જોવા મળતી નહોતી. તેમને માત્ર એ ખ્યાલ હતો કે, લોકો દિન દુખિયારાઓ પર વિશ્વાસ કરવાનું છોડી દેશે. આવો માણસ માણસ નહીં દેવતા છે.
રાતના અંધકારમાં ખડગસિંહ બાબા ભારતીને મંદિરે પહોંચ્યો. ચારે તરફ સન્નાટો હતો. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા. થોડે દૂર ગામના કૂતરાઓ ભસી રહ્યા હતા. મંદિરની અંદર કોઇ શબ્દ સંભળાઇ નહોતો રહ્યો. ખડગસિંહ સુલ્તાનની લગામ પકડેલો હતો. ધીરે ધીરે તે તબેલાના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો. દરવાજો ખુલ્લો હતો. એક સમયે ત્યાં બાબા ભારતી લાકડી લઇ ચોકિદારી કરતા હતા. પણ આજ તેમને ન’તો ચોરી ન’તો કોઇ ધાડપાડુનો ભય હતો. ખડગસિંહે આગળ વધી સુલ્તાનને તેની જગ્યાએ બાંધી દીધો અને બહાર નીકળીને હળવેકથી દરવાજાને બંધ કરી દીધો. એ સમયે તેની આંખોમાં કોઇ સારું કામ કર્યાનો હરખ વર્તાતો હતો.
રાતનો ત્રીજો પ્રહર પસાર થઇ ચૂક્યો હતો. ચોથા પ્રહરનો આરંભ થતા જ બાબા ભારતીએ પોતાની કુટિયાની બહાર નીકળી ઠંડા પાણીથી ખંખોળીયું ખાધું. એ પછી, એ રીતે જેવી રીતે સપનામાં ચાલી રહ્યું હોય, તેમના પગ તબેલા તરફ આગળ વધ્યા. પણ કમાડ સુધી પહોંચતા તેમને તેમની ભૂલ જ્ઞાત થઇ. સાથે જ ઘોર નિરાશાએ પગને ભારે કરી દીધા. એ ત્યાંજ ઉભા રહી ગયા. ઘોડાએ પોતાના માલિકના પગને ઓળખી લીધા અને હણહણવા લાગ્યો. બાબા ભારતી આશ્ચર્ય અને પ્રસન્નતાથી દોડતા અંદર પ્રવેશ્યા અને પોતાના પ્રિય ઘોડાને ગળે લગાવી એવી રીતે રોવા લાગ્યા જ્યારે કોઇ પિતા ઘણા સમયથી પોતાના પુત્રથી વિખૂટો પડી ગયો હોય. વારંવાર તેની પીઠ ભર હાથ ફેરવતા, વારંવાર તેના મોંઢા તરફ આશ્લેષ લેતા. અને સંતોષથી બોલ્યા,‘‘હવે કોઇ નિરાધારથી મોં નહીં ફેરવે.’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત