હવે તને તો ખબર ચાબુક સોમાભાઈ પટેલનો વીડિયો આવ્યો પછી ભાજપના નેતાઓએ, આમા મોઢું નથી દેખાતું, આ વીડિયો ચૂંટણી ટાણે જ કેમ જાહેર કર્યો? જેવા નિવેદનો આપ્યા હતા. જેથી કોંગ્રેસના નેતાઓ માટે મૂંઝવણ ઊભી થઈ હતી. આ મૂંઝવણનો ઉકેલ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે આપી દીધો છે. એમણે કટાક્ષમાં એવો જવાબ આપ્યો કે, આ થોડો સન્ની લીઓનીનો વીડિયો છે તે એચડીમાં ઉતારવાનો હોય.
જયરાજસિંહની આ વાત મેં જગમાલની દુકાને સાંભળીને તો હું તો દાંત કાઢી કાઢીને ગોટા વળી ગ્યો. એમણે એમ પણ કહ્યું કે, સ્ટીંગ ઓપરેશન આવા જ હોય. HDમાં ન મળે.
સાચું કઉં ચાબુક. જયરાજ સિંહ પાસે જે સેન્સ ઓફ હ્યુમરની કળા છે. ઓહોહોહો…. મને લાગે છાપાવાળાવે એમને હાસ્યની કોલમ આપી દેવી જોઈએ. મેં એમના જેટલી શાર્પ સેન્સ ઓફ હ્યુમર ગુજરાતના હાલના રાજનેતાઓમાં કોઈની પાસે નથી જોઈ. વિરોધ કરનારા મળી જાશે, પણ જયરાજભાઈ જે રીતે કટાક્ષ કરે, વ્યંગ કરે, હાસ્ય કરે એ કોઈ નેતાઓમાં નથી જોવા મળતું.
હવે આમા ભાજપનો વાંક નથી ચાબુક. વાત એવી છે કે દેશના કોઈ પણ યુવાનને HD ક્વોલિટીના જમાનામાં 3GP વીડિયો ન પચે. બાકી સ્ટીંગ તો આમ જ હોયને. કંઈ થોડા એમ કહેવાય કે, ‘ડાચુ કેમેરા તરફ રાખો. હમ્મ્મ હવે બરાબર. થોડું મોઢું રાઈટ સાઈડ. ઉપરથી વાળ ઉડે એ સરખા કરી લ્યો જેથી સ્ટાઈલ જળવાય રહે. હવે બોલો કેટલા રૂપિયા લીધા ?’ ચાલો તયે પેટાચૂંટણીના મતદાન વખતે સન્ની બેન પણ આવી ગયા.
એક નંબરનું બટન દબાવજો-કમળનું
હવે થયું એવું કે કરજણની ઈટોલા-ગોસીન્દ્રાનો એક વીડિયો વાઈરલ થયો હોવાનું સામે આવ્યું છે. હવે વીડિયો એવો કે મીડિયાવાળાવ પેકેજુ બનાવી શકે. બ્રેકિંગોના બ્રેકિંગ ચાલે. નિવેદનો પણ લઈ શકે. વીડિયો એવો કે મીમમેનોને મજા પડી જાય. વીડિયો એવો કે આક્ષેપ કરવાનો મોકો મળી જાય.
‘ગોવાબાપા હવે લાંબી લાંબી વેબસિરીઝુની જેમ વાતું કરવા કરતાં ક્યોને શું હતું ?’
મતદારોને રૂપિયા વેચાતા હતા ચાબુક. રીક્ષામાં કેટલાક લોકો બેઠા. એમની પાસે એક ભાઈ આવી કહે, એક નંબરનું બટન દબાવજો અને રૂપિયા આપે. કોંગ્રેસને જેવી આ વાતની ખબર પડી એટલે એમણે સીધા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી. એટલે શાલિનીબેન અગ્રવાલ જે ચૂંટણી અધિકારી છે એમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા.
મોરબીમાં અંજલીબેનનો પ્રચાર
હવે તને ખબર છે કે રાજકોટની બાજુમાં આવ્યું મોરબી. મોરબીમાં ચાબુક કોંગ્રસે આક્ષેપ કર્યો કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ભાજપ તરફી મતદાન કરવા પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા અને પછી કહ્યું કે, એમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
શક્તિબૂથ
તને ખબર હશે ચાબુક કે કાલ આપણે દિકરીયુંની વાત કરી હતી. કાલ મેં ચૂંટણીપંચના વખાણ કર્યા હતા અને એવું જ મોરબીમાં થ્યું. મોરબીમાં પાંચ જેટલા મહિલા સખી બૂથ બનાવવામાં આવ્યા. જેમાં આખેઆખો સ્ટાફ જ મહિલાઓનો. આમ કરવાથી મતદારો આકર્ષિત થાય. આ બૂથને શક્તિબૂથ નામ આપેલ.
નીતિશ પર ડુંગળી ફેંકાઈ
હવે ગુજરાતમાં તો આ સિવાય કંઈ ખાસ ન થયું ચાબુક પણ આજે બિહારમાં જોયા જેવી થઈ ગઈ. વાત એવી બની કે બિહાર વિધાનસભાના ત્રીજા ચરણ માટે તમામ નેતાઓ જોરોશોરોથી પ્રચાર કરી રહ્યા છે. એમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પહોંચ્યા મધુબનીની હરલાખી વિધાનસભા ખાતે. નીતિશ કુમાર રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર મોંઘા ભાવની ડુંગળી ફેંકાઈ અને પછી પથ્થર પણ ફેંકાયો.
મુખ્યમંત્રી પર ડુંગળી અને પથ્થર ફેંક્યા બાદ એ યુવાન રોકાયો નહીં. તેણે નારેબાજી શરૂ કરી દીધી કે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે. તસ્કરી થાય છે પણ તમે કંઈ કરી શકતા નથી.
તાત્કાલિક સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો પણ નીતિશ કુમાર બોલ્યા, ફેંકવા દો એને જેટલું ફેંકવું હોય એટલું ફેંકવા દો. નીચે જે વીડિયો છે ને ચાબુક એમાં 14મી મિનિટે આ આખી ઘટના તને દેખાશે.
Live – बिहार विधानसभा चुनाव 2020 की चुनावी सभा। विधानसभा- हरलाखी (जिला- मधुबनी) से https://t.co/DkRZ9SR8j0
— Nitish Kumar (@NitishKumar) November 3, 2020
જોકે આ પહેલી વખત નથી ચાબુક. મુઝફ્ફરનગરની એક રેલીમાં નીતિશની સામે જ લાલુપ્રસાદ યાદવ ઝિંદાબાદના નારા લાગ્યા હતા.
‘પછી?’
પછી નીતિશભાઈ ભડક્યા. એમણે કહ્યું, ‘જેના ઝિંદાબાદના નારા લગાવો છો એમને જ સાંભળવા જાવની. અહીં શું કામે આવ્યા છો ?’
પણ આ વખતની ચૂંટણીમાં કહેવું પડે હો ચાબુક. ઘણી જગ્યાએ એવું લાગતું હતું કે અંતરીક્ષમાં મતદાન કરી રહ્યા છીએ. એન્ટર થાવ એ ભેગા સેનિટાઈઝર થાય. માથામાં તાપમાન માપવાની સફેદ કલરની બંદૂક રાખે. એટલે મતદાન કરવા જતા હોય એવું ઓછું અને દવાખાને જતા હોય એવું વધારે લાગતું હતું. ઘણા તો આને પૃથ્વી પર અંતરીક્ષના અનુભવ તરીકે મૂલવતા હતા. હું તો કઉં આ વુહાનિયો ક્યારે સાવ જાહે. ત્યારે હાલો આજે બસ આટલું જ.
(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હળવાફુલ હાસ્ય-વ્યંગ અને કટાક્ષસભર સમાચારો વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે)