Homeદે ઘુમા કેલક્ષ્મણ રેખા : વીવીએસ લક્ષ્મણ નામ હૈ હમારા

લક્ષ્મણ રેખા : વીવીએસ લક્ષ્મણ નામ હૈ હમારા

વીવીએસ લક્ષ્મણ માત્ર પીચ પર ટકી રહેવા અને પોતાની 281 રનની ઈનિંગથી જ નથી જાણીતો. લક્ષ્મણ પોતે એક એવા ખેલાડી તરીકે પણ ઉભર્યો છે જેણે જ્યારે ટીમના મુખ્ય બેટ્સમેન આઉટ થઈ ગયા હોય ત્યારે બોલર્સ સાથે એવી પાર્ટનરશીપ નોંધાવી છે જેના કારણે અનેક વિરોધી ટીમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હોય. આ બેટ્સમેન પોતે તો મેદાન પર ટકી રહ્યો, સાથે જ સામેના બેટ્સમેન કમ બોલરનો જુસ્સો પણ વધારતો રહ્યો.

આજે જોઈએ લક્ષ્મણની કેટલીક એવી યાદગાર ઈનિંગ જેમાં તેણે વિરોધી ટીમને જીતતા જીતતા હરાવી દીધા. લક્ષ્મણની આ ઈનિંગ્સ વિશે વાંચીને તમે પણ કહેશો કે વીવીએસ તુસ્સી ગ્રેટ હો !

જ્યારે પીઠદર્દ હોવા છતાં લક્ષ્મણે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અણનમ 73 રન ફટકાર્યા.  

વીવીએસની આ ઈનિંગ 281 રનની ઈનિંગ જેટલી લાંબી ન હતી, પરંતુ તેના જુસ્સાના કારણે આ ઈનિંગને યાદ કરવી પડે. વર્ષ 2010. ઓસ્ટ્રેલિયા સામે મેચ હતી. લક્ષ્મણની પીઠમાં દુખાવો હતો. દુખાવો પણ કેવો. પીઠમાં જાણે અગનગોળા વરસતા હોય તેવો છતાં આ ખેલાડી રમ્યો. પહેલી ઈનિંગમાં તે 10માં નંબરે બેટિંગ માટે આવ્યો. બીજી ઈનિંગમાં 216 રનનો પીછો  કરતી ભારતીય ટીમે 124 રન પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. ખેલાડીઓએ જીતની અપેક્ષા મુકી દીધી હતી. ત્યારે લક્ષ્મણ મેદાન પર ગયો. રૈનાને રનર તરીકે રાખ્યો.

સામેના છેડે હતો ઈશાંત શર્મા. લક્ષ્મણે રમવાનું શરૂ કર્યું અને દુખતી પીઠે ઈશાંત સાથે મજબૂત પાર્ટનરશીપ નોંધાવી. ઈશાંતના રૂપમાં ભારતની નવમી વિકેટ પડી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમના જીવમાં જીવ આવ્યો.

ભારતને જીત માટે હજુ 6 રન જોઈતા હતા. મેદાન પર નવો ખેલાડી આવવાનો હતો. જો ઓસ્ટ્રેલિયા એક વિકેટ લે તો તે મેચ જીતી જાય. નવો બેટસમેન હતો ઓઝા.

ઓઝાએ પહેલો દડો આરામથી રમ્યો. રનર રૈના અને ઓઝા વચ્ચે તાલમેલ તૂટ્યો. ઓસ્ટ્રેલિયાને રન આઉટ કરવાનો ચાન્સ મળ્યો. સામે ઉભેલા લક્ષ્મણને પણ એવું લાગ્યું કે, મહેનત પર પાણી ફરી ગયું. દર્શકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા.

જો કે, બંને રન આઉટ  થતાં થતાં બચી ગયા. આ દરમિયાન હંમેશાં શાંત રહેનારો લક્ષ્મણ ઓઝા પર એકાએક ગુસ્સે થયો અને બોલ્યો, ‘રન લઈ લેવાનો હતો’ ત્યારબાદ માહોલ થોડો શાંત થયો અને બાકીના રન પણ બની ગયા. આમ, ઓસ્ટ્રેલિયાના હાથમાં આવેલી જીત લક્ષ્મણે એકલા હાથે ખેચી લીધી.

જ્યારે લક્ષ્મણે દક્ષિણ આફ્રિકા સામે ડરબનમાં 96 રન ફટકાર્યા.

વર્ષ 2010. ડરબનનું મેદાન. વિરોધી ટીમ હતી દક્ષિણ આફ્રિકા. ક્રિકેટ રસિકોને ખબર જ છે કે લક્ષ્મણને મજબૂત બોલરનો સામનો કરવો વધુ ગમે છે. એ સમયે સૌથી સારા બોલર્સ એક ઓસ્ટ્રેલિયા અને બીજા દક્ષિણ આફ્રિકા પાસે હતા.

મેચ શરૂ થઈ. પહેલી ઈનિંગના અંતે ભારતીય ટીમ 205 રનમાં ઓલઆઉટ થઈ. બીજી તરફ ભારતે આફ્રિકન ટીમને 131 રનમાં પવેલિયનમાં બેસાડી દીધી. હવે બીજી ઈનિંગ. ભારતે 56 રન પર 4 વિકેટ ગુમાવી દીધી. લક્ષ્મણ બેટિંગ માટે આવ્યો.

એક તરફ લક્ષ્મણ ઊભો રહ્યો પરંતુ બીજી તરફથી વિકેટ પડવા લાગી. નાની-નાની પાર્ટનરશીપથી સ્કોર પહોંચ્યો હતો 148 પર 8 વિકેટ. એવું લાગતુ હતું કે નાના સ્કોરમાં ભારતીય ટીમની ઈનિંગ સંકેલાઈ જશે. જોકે, આ પછી પણ લક્ષ્મણે છેલ્લા ત્રણ બેટ્સમેન સાથે વધુ 80 રન નોંધાવી ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી. આફ્રિકાને આ છેલ્લા 80 રન જ ભારે પડ્યા. આ મેચ આફ્રિકન ટીમ કુલ 87 રનથી હારી ગઈ હતી.

જ્યારે લક્ષ્મણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 79 રન ફટકાર્યા.

વર્ષ 2008. પર્થમાં મેચ હતી. ભારતીટ ટીમ અનિલ કુંબલેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય ટીમ પર બહુ કટાક્ષ થઈ રહ્યા હતા. ભારતીય ખેલાડીઓને પણ આ વાતની ખબર હતી. ઓસ્ટ્રેલિયન મીડિયાને જવાબ આપવાનો એક જ રસ્તો હતો જીત.

પહેલી ઈનિંગ પુરી. બીજી ઈનિંગમાં ભારતની લીડ 118 રનની હતી. ભારતનો સ્કોર હતો 125 રન પર 5 વિકેટ. નંબર છ પર બેટિંગ માટે આવ્યો લક્ષ્મણ. લક્ષ્મણે પહેલાં સચિન અને પછી ધોની સાથે નાની પણ સારી પાર્ટનરશીપ નોંધાવી. જો કે, સ્કોર બહુ મજબૂત ન હતો.

ભારતનો સ્કોર પહોંચ્યો હતો 235 રન પર 8 વિકેટ. લક્ષ્મણે આ છેલ્લા 2 બેટ્સમેન સાથે પણ સ્કોર બોર્ડ પર વધુ 59 રન નોંધાવી દીધા. ટીમનો સ્કોર મજબૂત થઈ ગયો. મેચ ભારતે 72 રનથી જીતી લીધી.

જ્યારે લક્ષ્મણે દક્ષિણ આફ્રિકા સામે 73 રન ફટકાર્યા.

વર્ષ 2006.  જોહાનિસબર્ગ. સિરીઝની પહેલી મેચ. ભારતના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું. આફ્રિકન ખેલાડીઓને 84 રનમાં પવેલિયન ભેગા કરી દીધા. ભારતીય ટીમ બેટિંગ માટે ઉતરી. ભારતે 165 રનની લીડ મેળવી પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય ટીમની મુશ્કેલી વધી. ટીમનો સ્કોર હતો 41 રન પર 3 વિકેટ. લક્ષ્મણ બેટિંગ માટે આવ્યો. લક્ષ્મણે ક્રિઝ પર પોતાના પગ જમાવી લીધા. જોકે, સામેના છેડેથી એક પછી એક વિકેટ પડતી ગઈ.

આવા સમયે લક્ષ્મણે ઝહિર ખાન સાથે ટીમ માટે વધુ 70 રન જોડી દીધા. જે સમયે લક્ષ્મણ આઉટ થયો તે સમયે ભારતનો સ્કોર હતો 218 રન. આ મેચમાં ભારતે કુલ 236 રન ફટકાર્યા. મેચ 123 રનથી ભારતે જીતી લીધી. આમ, મેચ વિનર લક્ષ્મણની મદદથી ભારતે આફ્રિકાની ધરતી પર પહેલી મેચ જીતી લીધી હતી.

જ્યારે અમદાવાદમાં લક્ષ્મણનો જાદુ ચાલ્યો

વર્ષ 1996. દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં મેચ હતી. બંને ટીમની પહેલી ઈનિંગ પુરી થયા બાદ આફ્રિકા પાસે 21 રનની લીડ હતી. બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર હતો 38 રન પર 3 વિકેટ. ચોથા નંબર પર આવ્યો લક્ષ્મણ.

લક્ષ્મણ 125 બોલ રમી ચૂક્યો હતો. લક્ષ્મણનો વ્યક્તિગત સ્કોર 51 રન હતો. લક્ષ્મણ સામે આવનારા ખેલાડી આઉટ થતા જઈ રહ્યા હતા. હવે  સામેના છેડે હતો અનિલ કુંબલે. સામાન્ય રીતે કુંબલેની બોલિંગમાં લક્ષ્મણ વિરોધી ટીમના ખેલાડીના કેચ પકડતો હોય છે. પરંતુ આજે બંનેએ બેટથી કમાલ કરવાનું વિચાર્યું.

મેચમાં બંનેનું બેટ ચાલ્યું. તેઓ ભારતનો સ્કોર 124થી 180 સુધી લઈ ગયા. 190 રનમાં ભારતની ઈનિંગ પુરી થઈ. સમા પક્ષે આફ્રિકન બેટ્સમેન કંઈ ખાસ કરી ન શક્યા. મેચ આફ્રિકન ટીમ 64 રનથી હારી ગઈ. આમ, આ તમામ મેચમાં લક્ષ્મણનો દબદબો રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments