Homeગુર્જર નગરીહે ચાબુક આ ઓવૈસીની પાર્ટીએ તો કોંગ્રેસને જ ‘ચાબુક’ ફટકારી દીધી

હે ચાબુક આ ઓવૈસીની પાર્ટીએ તો કોંગ્રેસને જ ‘ચાબુક’ ફટકારી દીધી

ગોવાબાપાઃ ચાબુક આ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ જેટલી ચર્ચા કોંગ્રેસની નથી થતી એટલી તો આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીની થઈ રહી છે. ઓવૈસીની પાર્ટીએ અમદાવાદમાં જે રીતે છાનામાના 7 બેઠકો કબજે કરી તેને લઈને કોંગ્રેસની સાથે ભાજપ પણ આશ્ચર્યમાં છે.

જો કે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, ‘ઓવૈસીની પાર્ટીએ ભાજપને નહીં કોંગ્રેસને જ નુકસાન પહોંચાડ્યું છે.’ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘ઓવૈસીની જીત કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે, ભાજપને કોઈ ફર્ક પડતો નથી. કેમ કે ઓવૈસીની પાર્ટીએ જ્યાં જીત મેળવી છે તે બેઠકો ગત વખતે કોંગ્રેસ પાસે હતી.’

ગુજરાતમાં બનશે લવ જેહાદનો કાયદો

લવ જેહાદના કાયદો બનાવવાને લઈને ગુજરાત સરકાર સમક્ષ પણ માંગ ઉઠી રહી છે. તેવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, ‘માર્ચમાં મળનારા વિધાનસભા સત્રમાં લવ જેહાદની સામે કડક કાયદો લાવવામાં આવશે. ગુજરાતમાં હિંદુ દીકરીઓના થઈ રહેલા ધર્માંતરણને રોકવા આ બિલ લાવશે.

કેજરીવાલ આવે છે

ચાબુક મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ ગઈ. જે જીતવાના હતા એ જીતી ગયા. હારવાના હતા એ હાર્યા પરંતુ સૌનું ધ્યાન ખેંચ્યું હોય તો સુરતે. સુરતમાં આમ આદમી પાર્ટી 27 બેઠકો લઈ ગઈ. ચાબુક આટલી બેઠક તો કોંગ્રેસનેય એક પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નથી મળી. પ્રથમ વખત ચૂંટણી લડતાં હોય અને આવી સફળતા મળે તો હરખ તો હોય જ હો ચાબુક. હવે આ હરખની ઉજવણી કરવા આવતીકાલે એટલે કે 26 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરત આવશે. સુરતના મીની બજારમાં સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રોડ-શો કરશે અને રોડ-શો બાદ સરથાણામાં જાહેર સભાને સંબોધન કરશે. હવે આમ આદમી પાર્ટીનું લક્ષ્ય હશે આગામી વિધાનસભાની ચૂંટણી.

વડાપ્રધાન આવશે ગુજરાત

હવે આ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આંટો મારવા આવે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા પાછા પડે, એય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જો કે આ તેમનો રાજકીય પ્રવાસ નથી પરંતુ નર્મદા જિલ્લાના કેવડિયામાં ટેન્ટ સિટી ખાતે તારીખ 3 થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાવાની છે. જેથી આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 માર્ચના રોજ કેવડિયા આવવાના છે.

ભાગેડુંને ભારત લવાશે ?

પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાવી દેશમાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી જનારો નીરવ મોદીના મોજના દાડા હવે પૂરા થતા હોય એવું લાગી રહ્યું છે ચાબુક. સમાચાર મળ્યા છે કે નીરવ મોદીને હવે ભારત લાવવામાં આવશે. લંડનની કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. જાણવા મળ્યું છે કે નીરવ મોદીને ભારત પરત લાવવાની પ્રક્રિયા 28 દિવસમાં પૂરી થઈ જશે. પરંતુ ચાબુક ખાટલે મોટી ખોટ એ છે કે નીરવ મોદીએ ભારત ન આવવું હોય તો તેના પાસે ત્રણ રસ્તા હજુ બચ્યા છે.

એક તો એ કે નીરવ મોદી લંડનની સ્થાનિક કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારે, હાઈકોર્ટ નિર્ણય ન માને તો સુપ્રીમ કોર્ટમાં પડકારે. આ બે વિકલ્પ ઉપરાંત ત્રીજો વિકલ્પ છે. માનવ અધિકારનો. નીરવ મોદી એવું પણ કહી શકે છે કે ભારતની જેલમાં પૂરતી સુવિધા નથી તેથી તે યુકેના માનવઅધિકાર અદાલતમાં પણ જઈ શકે છે. હવે આમને કોણ સમજાવે કે આ જેલ છે મહેલ નથી કે સુવિધાઓ મળે. જે હોય એ ચાબુક પરંતુ આ બધી પ્રક્રિયા પૂરી થતાં થતાં એક-બે વર્ષ લાગે. તેથી ચાબુક મને નથી લાગતું કે આ ભાગેડુ નીરવ મોદીને આ વખતે ભારત લાવી શકાય.

રાકેશ ટિકેત પહોંચ્યા રાજસ્થાન

ચાબુક ખેડૂતોનું આંદોલન હવે દેશના અન્ય રાજ્યોમાં પણ વિસ્તરી રહ્યું છે. હવે તો રાકેશ ટિકેત હરિયાણા-પંજાબ મૂકીને રાજસ્થાન પહોંચી ગયા છે. આજે રાકેશ ટિકેતે ત્રણ કૃષિ બિલના વિરોધમાં રાજસ્થાનના કરૌલીના કરીરીમાં મહાપંચાયતને સંબોધન કર્યું. મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ખેડૂતોની વચ્ચે રાકેશ ટિકેતે સંસદ ઘેરવાની જાહેરાત કરી. રાકેશ ટિકેતે કહ્યું કે, ‘આગામી સમયમાં દિલ્હીમાં સંસદ ભવનનો ઘેરાવ કરવાની રણનીતિ ઘડવામાં આવશે.’ 40 લાખ ટ્રેક્ટરો સાથે દિલ્હી કૂચ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments