ગોવાબાપાઃ ચાબુક શંકરસિંહ વાઘેલા બાપુ પાછા ઘર વાપસી કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ઘર એટલે કે પક્ષ ઘણા બદલ્યા પણ કોંગ્રેસમાં તેઓ સૌથી વધુ રહ્યા એટલે હવે તેઓ પાછા કોંગ્રેસમાં જવાની તૈયારી કરી રહ્યા છે. આજે તેમણે એક વીડિયો જાહેર કરીને કોંગ્રેસમાં જોડાવા અંગે પોતાની ઇચ્છા વ્યક્ત કરી.
શંકરસિંહ બાપુએ કહ્યું કે, અહેમદ પટેલના અવસાન બાદ તેમના વતન ગયો ત્યારે મને ઘણા દિગ્ગજ નેતા અને કાર્યકરો કહ્યું કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ. ત્યાર પછી પણ મને ઘણા નેતાઓએ અને પક્ષના આગેવાનોએ આગ્રહ કર્યો કે કોંગ્રેસમાં આવો તો સારું. આ અંગે મારો એક જ જવાબ છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મને કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જોઈએ. આવી વાતચીત કરવા મને દિલ્હી બોલાવશે તો હું જરૂર જઈશ. આવનારા સમયમાં ભાજપ સામે લડવા માટે હું જે કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈશ અને તેમની સાથે વાતચીત કરીને આગળ વધીશ. કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવી જાઓ તો હું કોઈ પણ શરત વગર કોંગ્રેસમાં જતો રહીશ. નીચે વીડિયો છે એમાં સાંભળ શું કહે છે શંકરસિંહ બાપુ.
આવું બોલ્યા ચાબુક શંકરસિંહ.
‘હવે તો ગોવાબાપા આ અંગે કોંગ્રેસ અને બાપુ બન્નેએ વિચારવું પડશે કે શું કરવું ?’
હા ચાબુક એ વાત સાચી, કેમ કે બાપુ ગમે ત્યારે પક્ષ પલટો કરવા ટેવાયેલા છે. આજે અહીંયા તો કાલે બીજે. એટલે બાપુની ઇચ્છા કરતાં કોંગ્રેસની ઇચ્છા મહત્વની છે. અને બાપુએ ભલે કહ્યું કે હું વિના શરતે કોંગ્રેસમાં જઈશ પરંતુ મને તો લાગે આ વખતે કોંગ્રેસે બાપુ સામે પહેલાં શરત રાખવી જોઈએ કે, હવે આ તમારું છેલ્લું મૂકામ. અહીંથી ક્યાંય નહીં જાવ. પછી જ આગળની વાત.. જોઈએ ચાબુક શું થાય છે..
હવે પાણીની જગ્યાએ સેનેટાઈઝર
ચાબુક આપણે ગઈકાલે સમાચાર લખ્યા હતા કે મહારાષ્ટ્રમાં તંત્રની બેદરકારીના કારણે 12 બાળકોને પોલીયોના ટીપાંની જગ્યાએ સેનેટાઈઝરના ટીપાં પીવડાવી દેવાયા.. હવે આજે એવી જ ઘટના પાછી મહારાષ્ટ્રના મુંબઈમાં બની છે. પરંતુ આ બેદરકારીના કારણે નહીં પણ ભૂલથી થયું છે. વાત જાણે એમ બની ચાબુક કે આજે મુંબઈ મહાનગર પાલિકાના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર સિવિક બોડીનું શૈક્ષણિક બજેટ રજૂ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને તરસ લાગી અને બાજુમાં પડેલી બોટલ ઉપાડીને ગટગટાવવા લાગ્યા. જેવું પ્રવાહી અંદર ગયું એટલે સાહેબને ખબર પડી ગઈ કે કંઈક લોચો થયો છે. જેઓ તે પાણી સમજીને પી રહ્યા હતા તે સેનેટાઈઝરની બોટલ હતી બોલ ચાબુક.
‘પછી ગોવાબાપા?’
પછી શું ભૂલ થઈ હોવાની ખબર પડતાં તેઓએ તુરંત જ બહાર જઈને પાણીથી પોતાનું મોં ધોઈ લીધું.
#WATCH: BMC Joint Municipal Commissioner Ramesh Pawar accidentally drinks from a bottle of hand sanitiser, instead of a bottle of water, during the presentation of Budget in Mumbai. pic.twitter.com/MuUfpu8wGT
— ANI (@ANI) February 3, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈને કેમ ધરણાં કરવા પડ્યા ?
ચાબુક ખેડૂતો કૃષિ કાયદાને લઈને છેલ્લા 70 દિવસથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીને પણ ધરણાં પર બેસવું પડ્યું. જોકે તેઓ ખેડૂતોના સમર્થનમાં નહીં પણ બીજા કોઈ કારણોસર ધરણાં પર બેઠાં હતા. થયું એવું ચાબુક કે પ્રહલાદ મોદીને ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર અને જૌનપુરમાં એક કાર્યક્રમમાં જવાનું હતું. તેઓ યુપીના લખનઉના અમૌસી એરપોર્ટ પર પહોંચ્યા. તેઓને ત્યાં લેવા માટે કેટલાક લોકો આવવાના હતાં. પરંતુ આ લોકોને પોલીસે પકડી લીધા. તેથી યુપી પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં પ્રહલાદ મોદી અમૌસી એરપોર્ટ પર જ ધરણાં પર બેસી ગયા. બાદમાં આ સમાચાર ફેલાય જતાં પોલીસે તેમના લોકોને છોડી દીધા અને પ્રહલાદ મોદી સાથે વાત કરાવી બાદમાં મોદીજીએ ધરણાં ખતમ કર્યાં.
PM Modi’s brother Prahlad Modi started Dharna at #LucknowAirport against the working of Lucknow Police. He is protesting for the detention of his supporters. pic.twitter.com/vRI07a7WpX
— Tauseef Sheikh (@tauseefjourno) February 3, 2021
પરીક્ષા આવી ગઈ
હાશ ચાબુક આ બોર્ડની પરીક્ષાઓ જાહેર થતાં હવે મને નિરાંત થઈ હો.
‘કેમ ગોવાબાપા નિરાંત થઈ ?’
તને તો ખબરને મારા પાડોશી મગનો અને કનિયાના છોકરા કેવા તોફાની છે. અને એમાંય આ વખતે કોરોનાએ તો છોકરાવને મોજ કરાવી દીધી. વેકેશનમાં આખો દિ ધિંગામસ્તી સિવાય બીજું કઈ નહીં. હવે પરીક્ષા માથે આવતા વાંચવા બેસશે એવું લાગે. નિહાળ ખુલી ગઈ અને હવે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખય આવી ગઈ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે અને 25 મેએ પૂરી થશે. આ વર્ષે કોરોનાના કારણે 30 ટકા અભ્યાસક્રમ પર કાપ મૂકાયો છે. ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારી 30 ટકા કરાયું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પેપર જેમ હતું તેમ રખાયું છે.
સારું ચાલો વિદ્યાર્થીઓ મંડો તૈયારી કરવા. મારા અને ચાબુક તરફથી સંધાયને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક..
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત