Homeગુર્જર નગરીગુજરાતમાં મોટા અવાજવાળા વાહનો લઈને નીકળનારા સામે કાર્યવાહીની માગ

ગુજરાતમાં મોટા અવાજવાળા વાહનો લઈને નીકળનારા સામે કાર્યવાહીની માગ

Team Chabuk Gujarat Desk: મોંઘીદાટ બુલેટ લઈને પ્રદર્શન કરનારા નબીરાઓ પર આગામી સમયમાં લગામ આવી શકે છે. જો બુલેટમાં મોટો અવાજ હશે તો તેવા લોકો પર કાર્યવાહી થઈ શકે છે. આ અંગે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને કાર્યવાહી કરવા માગણી કરી છે. ગુજરાતમાં મોટા તેમજ નાના શહેરોમાં નબીરાઓ વટ પાડવા માટે વાહનોને મોડીફાઈડ કરાવતા હોય છે. કેટલાક નબીરાઓ વાહનના સાયલેન્સર સાથે ચેડા કરી વાહનમાંથી મોટો અવાજ આવે તેવી રીતે બાઈક-બુલેટ બનાવતા હોય છે. આ અંગે આર.સી.ફળદુનું ગુજરાતના જ જાગૃત નાગરિકે ધ્યાન દોર્યું હતું. નાગરિકનો મુદ્દો બરાબર લાગતાં આર.સી.ફળદુએ હવે પોતે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે.

પત્રમાં શું લખ્યું છે ?
આર.સી.ફળદુએ લખ્યું છે કે, ‘પોતાની જાતિગત ઈમેજ ઉભી કરવા તથા રાહદારીઓનું પોતાના તરફ ધ્યાન આકર્ષાય અને તેમના મલીન ઈરાદાઓ સફળ થાય તે માટે બુલેટ લઈને ફૂલ સ્પીડમાં નીકળે છે. આ રજૂઆત પરત્વે નિયમોનુસાર કાર્યવાહી કરાવા ભલામણ છે.’

આર.સી.ફળદુની ભલામણ મુદ્દે નાગરિકોએ શું કહ્યું ?
આર.સી.ફળદુની ભલામણ યોગ્ય છે. કેટલાક નબીરાઓ એવી રીતે વાહનો ચલાવે છે જાણે તેમના માટે નિયમો જ નથી બન્યા. અનેકવાર દંડાયા હશે છતાં કેટલાક નબીરાઓ સુધરતા જ નથી. એમા પણ બુલેટ લઈને નીકળતા અને પોતાને બુલેટરાજા સમજતાં નબીરાઓ સામે લાલ આંખ જરૂરી છે.

પ્રિતેશ પટેલ, અમદાવાદ

મોટા અવાજવાળા બુલેટ કે બાઈક લઈને ફરતા નબીરાઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ. હું નામ નહીં દઉ પણ અમારે અહીં બાજુમાં જ એક નબીરો છે, જે રોજ પોતાના પપ્પાના પૈસે લીધેલું બુલેટ લઈને આટાફેરા મારે છે. અને સ્પીડમાં પણ એટલું જ ચલાવે છે. બુલેટનો અવાજ એટલો છે કે ક્યારેક જો દરવાજો ખુલ્લો હોય તો નાના બાળકો ડરી જતાં હોય છે. કેટલીયવાર અમે તેને આવી હરકત ન કરવા સૂચના આપી છે તેના પપ્પાને પણ ફરિયાદ કરી છે પણ સ્થિતિ સુધરતી નથી. જો આવા બુલેટ લઈને ફરતાં નબીરાઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાય તો જ તેમની અક્કલ ઠેકાણે આવશે. એટલે અમે પણ સરકારને અપીલ કરીએ છીએ કે જેમ હેલમેટ, સીટબેલ્ટના નિયમોને લઈ દંડો છો તેમ આવા લોકોને પણ તમે દંડો.

નીલમ ઉપાધ્યાય, રાજકોટ

નાગરિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, કેટલીક વાર આવા ખોટા અવાજના કારણે વાહન ચલાવતા લોકોનું ધ્યાન ભટકી જતું હોય છે પરિણામે અકસ્માત સર્જાતો હોય છે. જો સરકાર કોઈક કડક નિયમ લાવશે તો આવા વાહનોનો મોટો અવાજ આપમેળે દબાઈ જશે.

જાણવા જેવું

વધુ પડતાં અવાજથી મનુષ્યમાં બહેરાપણું આવી જાય છે. મનુષ્યના કાનની શ્રાવ્ય મર્યાદા 20Hz થી 20,000HZ છે. એટલે કે, 20Hz થી ઓછો અવાજ મનુષ્ય સાંભળી શકતો નથી જ્યારે 20,000HZથી વધુ અવાજ સાંભળવા માટે પણ તકલીફ પડે છે. ધ્વનીની પ્રબળતા ડેસીબલમાં દર્શાવાય છે. જો 80 ડેસીબલ કરતાં વધુ અવાજ થતો હોય તો તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 80 ડેસીબલ કરતાં વધુ અવાજ ધ્વનિ પ્રદૂષણ છે. મનુષ્યની સાંભળવાની ક્ષમતા વધુમાં વધુ 140 ડેસીબલની છે. તેનાથી મોટા અવાજથી કાનનો પડદો ફાટી જાય છે. આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે તે અવાજ 10થી 12 ડેસીબલનો હોય છે. 30 ડેસીબલ સુધીનો અવાજ માણસને સાંભળવો ગમે છે જ્યારે શૂન્યાવકાશમાં અવાજનું પ્રસરણ નથી થતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments