ચાબુક આજે તો રવિવાર છે તોય બોવ સમાચાર છે. હું તો કયા લઉં ને કયા ન લઉં એ વિચારી વિચારીને થાક્યો, પણ હવે પસંદ કરી જ લીધા છે તો શરૂ કરીએ ગુજરાતથી. સી.આર.પાટીલ વિરૂદ્ધ અર્જુન મોઢવાડિયા.
ગઈકાલે કચ્છના અબડાસામાં ચંદ્રકાંતભાઈ પાટીલની રેલી હતી. રેલીમાં ચંદ્રકાંતભાઈએ અર્જુન મોઢવાડિયાને ખોટા ઠેરવ્યા અને કહ્યું કે, મારા પર એક પણ કેસ નથી. જો મારા પર એક પણ કેસ હોય તો હું સાંસદ પદ છોડી દઈશ. આમ કહી એમણે ગુજરાત કોંગ્રેસના કદાવર નેતાઓ અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી અને હાર્દિકભાઈ પટેલ હાર ભાળી ગયા હોય એમ કહ્યું. પાટીલ ભાઉએ શું કહ્યું એ ચેનલોમાંથી સાંભળ્યા પછી શબ્દેશ: અહીં મૂકુ છું.
‘‘અર્જુન મોઢવાડિયા એ જુઠવાડિયા માણસ છે. મેં ડિસેમ્બરમાં રિજાઈન કર્યું હતું. અને જે એ આક્ષપો કરે છે એ તદ્દન… એ જુઠવાડિયો છે. એનું નામ જ અમે જુઠવાડિયો પાડ્યું છે. એના પર એના કારણે અનેક કેસો થયા છે. ટ્વીટ કરવાની એની જે આદત છે એના કારણે પણ અનેક કેસો થયા છે. એમણે કહ્યું છે કે, મારી પર ખૂબ કેસો છે. હું એને તમારા માધ્યમથી ચેલેન્જ કરું છું કે એ સાબિત કરી આપે કે મારી પર કોઈ પણ આજે કેસ હોય, કોઈ પણ… ક્રિમિનલ કે સિવિલ, તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું. એ રાજકારણ છોડવા તૈયાર છે કે કેમ ? તો એ એણે જવાબ આપવો જોઈએ. લોકોને ખોટા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.’’
આ વાત પૂરી થઈ અને હવે અર્જુનભાઈ મોઢવાડિયા પુરાવા લઈને આવ્યા છે ચાબુક. હવે અર્જુન ભાઈએ ચંદ્રકાંતભાઈ વિશે શું કહ્યું એ મુદ્દાવાર સમજીએ.
અર્જુનભાઈના ચંદ્રકાંતભાઈ પર ફેંકેલા બાણ
- સી.આર.પાટીલ પર અનેક કેસ છે.
- ભૂતકાળમાં પોલીસ કોન્સ્ટેબલ હતા ત્યારે કેસ થયેલો.
- બુટલેગરની મદદ કરવામાં સસ્પેન્ડ થયેલા
- 1995 ઓક્ટોબરના સુરત કોર્પોરેશનને ઓક્ટ્રોટ મુદ્દે ફરિયાદ થઇ હતી
- 1984માં પોલીસ યુનિયન બનાવવા મુદ્દે ફરિયાદ થઇ હતી
હવે આવા બાણો માર્યા પછી પણ ચાબુક અર્જુન ભાઈ પ્રેસકોન્ફરન્સમાં ઊભા ન રહ્યા. આગળ એમણે કહ્યું કે, પાટીલને કોઈ કાયદા લાગુ પડતા નથી. આમ કહી એમણે ગરબાવાળું યાદ કર્યું, કે લોકો માટે નવરાત્રીમાં પ્રતિબંધ મૂકાયો પણ ભાજપના નેતાઓએ ગરબા કર્યા. પાટીલ કાયદાથી ઉપર હોય તેવા દ્રશ્યો સર્જાયા અને અંતમાં મોઢવાડિયાએ એમ કહ્યું કે, સી.આર.પાટીલ પર કેસ છે એવું મેં સાબિત કરી દીધું હવે એ રાજીનામું આપે.
વધુમાં અર્જુનભાઈએ કહ્યું કે, મેં ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા છે. સી.આર પાટીલે મને સાબિત કરવા કહ્યું, પણ સાબિત કરવાનું કામ કોર્ટનું છે. મેં તો ઓન રેકોર્ડ પરની માહિતી પ્રજા સમક્ષ મુકી છે.
એમણે તો ચાબુક ન્યાં સુધીની વાત કહી દીધી કે, ‘સીઆર પાટીલ સામે 107 ગુના રેકોર્ડ પર છે. 32 લક્ષણા ભાજપના પ્રમુખ સીઆર પાટીલ છે.’
‘તો તો ગોવા બાપા આ તો સારું જામ્યું હો.’
‘તયે ચાબુક. પણ આ વાત પૂર્ણ ન થઈ. પાટીલ ભાઈ પ્રૂફ લઈને આવ્યા કે મારી સામે એક પણ ગુનો નથી.’
‘ઓહો.’
‘હા જો પત્રકારભાઈઓ સાથે વાત કરતાં આમ કીધું.
‘‘મોઢવાડિયાએ જુઠવાડિયા છે. એમણે પોતે જ આજે સાબિત કર્યું છે. મારી પાસે આ 2019ની એફિડેવિટની કોપી છે. તમને બધાને (પત્રકારોને) તમારા મોબાઈલમાં આ મોકલી આપવામાં આવી છે. એની અંદર એક પણ ગુનો મારા વિરૂદ્ધમાં નથી. બીજું કે હમણાં સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર કર્યો કે જે MP કે MLAની સામે કેસ ચાલતા હોય, તેનું જે લિસ્ટ હાઈકોર્ટે જાહેર કર્યું તેમાં પણ મારું નામ નથી. અને જે કેસ છે તે રાહુલ ગાંધી સામે છે સોનિયા ગાંધી સામે છે. એટલે એ જુઠવાડિયાને મારે કહેવું છે કે, રાજીનામું લેવું હોય તો ત્યાં જા. અને ખરેખર સમગ્ર ઈલેક્શનને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે.’’
આઠે-આઠ હારવાના છે
અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાતની પેટા ચૂંટણી ઉપર પણ વાત કરી. એમણે પ્રેસ કોન્ફરન્સમાં ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરનું નામ લીધા વિના કહ્યું કે, અમારા બંને ધારાસભ્યો ખરીદીને ગયેલા બેઉં ઘેરે બેસી ગયા અને આ વખતે આઠ ખરીદીને ગયા છે, આઠે આઠ ઘરે બેસી જવાના છે.
2300ની સપાટી
‘ચાબુક સિંગ તેલના ડબ્બા સંઘરીને રાખ્યા છે ને બેટા.’
‘ના બાપા.’
ભાવ વધી ગયા. એક તો તહેવારની સિઝન. એમાં ગુજરાતીઓ તો ફાફડા ને જલેબી ખાવાવાળી પ્રજા. હવે નવો ભાવ 2300 રૂપિયાની સપાટીએ પોઈગો છે. છેલ્લા 14 વર્ષમાં કોઈ દિવસ ન થયું ને એ થઈ ગયું ચાબુક.
‘રાવણ નો સળગ્યો.’
‘એલા ના હવે, સિંગતેલનો ભાવ વધી ગયો એ.કોમન મેનુની તકલીફ જ આ…’
વાંચે ગુજરાત વાંચે
તને તો ખબર છે ચાબુક. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે વાંચે ગુજરાત વાંચે ઉપક્રમે કાર્યક્રમ તૈયાર કર્યો હતો. એનાં કારણે ઘણાને ખબર પડી કે શહેરમાં ગ્રંથાલય જેવું પણ કંઈ હોય છે. આજે મન કી બાત કાર્યક્રમ હતો. એમાં પ્રધાનમંત્રીએ આપણા લાખેણા એવા ભાવેણા શહેરના વખાણ કર્યા.
ભાવનગરમાં વિકાસ વર્તુળ ટ્રસ્ટ છેલ્લા 45 વર્ષથી જે કામ કરે છે તેને પ્રધાનમંત્રીએ બિરદાવ્યું. અહીં જ્ઞાન પરબ આવેલી છે. જેનો લાખો વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુકો લાભ ઉઠાવે છે. હવે તને મુખ્ય વાત કઉં જેથી તારા જ્ઞાનમાં વધારો થાય અને તું પણ ચાબુકના બીજા લેખકોની જેમ લખતો થા.
1 ઓગસ્ટ 1975ની સાલમાં ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલી. હવે આ ટ્રસ્ટનું પુસ્તકાલય છે. જેમાં 7000 જેટલી ચોપડીઓ છે. ખાસ તેનું કામ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું. કોરોનામાં હવે એમણે વોત્સએપ ગ્રૂપ બનાવ્યું છે અને ન્યાં હંધીય માહિતી આપે છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્રારા વખાણ કરવામાં આવ્યા એટલે સાફ છે કે ભાવનગરની આ સિદ્ધી સમગ્ર ભારતમાં સુવાસની માફક પ્રસરી ગઈ છે.
પુસ્તકો વાંચવા જેવી મજા ક્યાંય ન આવે હો ચાબુક. આ જોને તારું નામ તારી ફઈએ રાખ્યું, ત્યારે ઉપર એટલે જ ચોંટાડ્યું હતું. સમા‘ચા’ર ‘બુક’ = ચાબુક.
(ગોવાબાપાની અનુભવી કલમે લખાયેલા સમાચારો વાંચવા રોજ સાંજે આવો ગામનાં ચોરે અને ગુર્જર નગરીએ.)