21 તારીખથી શરૂ થનારી ટેકાના ભાવે મગફળીની ખરીદી આજથી શરૂ થઈ છે. વરસાદી વાતાવરણને જોતા સરકારે 21 તારીખે શરૂ થનાર ખરીદી પાંચ દિવસ પાછળ ઠેલવી હતી અને 26 તારીખે ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી.
જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેઓ આજથી ટેકાના ભાવે મગફળી વેચવા ખરીદ કેન્દ્રો પર આવશે. છેલ્લા વીસ દિવસથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા રજિસ્ટ્રેશન થઈ રહ્યું હતું. આ વીસ દિવસ દરમિયાન રાજ્યના કૂલ 4 લાખ 66 હજાર ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની ખરીદ પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી છે.
ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો કરાયો છે. ગત વર્ષે રૂ. 1018 પ્રતિમણના ભાવે ખરીદી કરાઈ હતી જ્યારે ચાલુ વર્ષે તેમાં વધારો કરીને રૂ.1055 પ્રતિમણ નક્કી કરાયો છે.
ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે જેમાં મગફળીનો પાક પણ મોટા પ્રમાણમાં નુકસાની થવા પામી છે. અતિવૃષ્ટિના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા મોટાભાગના ખેડૂતોએ મગફળી બગડે કે તેમાં ફૂગ આવે તે પહેલાં જ ખુલ્લા માર્કેટમાં પોતાની મગફળી વેચી કાઢી છે.
છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના યાર્ડો મગફળીની આવકથી ઉભરાય રહ્યા છે. આ વર્ષે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિમણ રૂ.1055 કરવા છતાં ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વેચી રહ્યા છે. જેનું એકમાત્ર કારણ એ પણ છે કે સરકાર જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરે છે અને ખેડૂતો ખરીદ કેન્દ્ર પર મગફળી લઈને પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે, આમ મગફળી રિજેક્ટ થવાના ડરે આ વર્ષે ટેકાના ભાવે ખરીદીની રાહ જોયા વગર મગફળી બગડે તે પહેલાં જ કેટલાક ખેડૂતોએ પડતર ભાવ મેળવી લીધા છે.
આ વર્ષે ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ભાવ પ્રતિમણના 700 થી લઈને 1000 સુધીના જ ભાવ મળ્યા છે ત્યારે સરકાર દ્વારા 1055 રૂ. ટેકાનો ભાવ જાહેર કરતાં ખેડૂતો મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 50 થી 60 હજાર ખેડૂતોએ વધુ રજિસ્ટ્રેશન કરાવતા ખરીદી પ્રક્રિયામાં અવ્યવસ્થા સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
90 દિવસમાં ખરીદી પૂર્ણ થશે ?
સરકારે આજથી રાજ્યમાં નક્કી કરાયેલા ખરીદ કેન્દ્રો પર ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરી છે. ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. દરરોજ એક ખરીદ કેન્દ્ર પર 50 ખેડૂતોને જ ખરીદી માટે કેન્દ્ર પર બોલાવવામાં આવશે અને રજિસ્ટ્રેશન કૂલ 4 લાખ 66 હજાર ખેડૂતોએ કરાવ્યું છે ત્યારે. આટલી મોટી સંખ્યામાં ખેડૂતોનો વારો ક્યારે આવશે તેવી ખેડૂતો ચર્ચા કરી રહ્યા છે. એટલે કે 90 દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં ઘણા ખેડૂતોએ ત્રણ મહિના સુધી મગફળી વેચવા માટે રાહ જોઈને બેસવું પડશે.
સરકાર પાસે સંગ્રહશક્તિ કેટલી ?
ખેડૂતો પાસે સંગ્રહશક્તિનો અભાવ હોવાથી ગમે તે ભોગે મગફળી ઝડપથી વેચી દેતા હોય છે. મહેનત પાણીમાં વહી જાય તેના કરતાં જે ભાવ છૂટ્યો એ એમ માનીને ખેડૂતો મગફળીનો નિકાલ વહેલાસર કરી દેતા હોય છે. જ્યારે હવે સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે ત્યારે ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે.
ખેડૂતોએ વેચેલો આ માલ સરકાર દ્વારા ક્યાં સંગ્રહ કરવામાં આવશે તે સો મણનો સવાલ છે. કેમકે અગાઉના વર્ષોમાં આપણે જોયું છે કે ઘણી વખત સંગ્રહ શક્તિના અભાવે ખરીદ કેન્દ્રો પર માલ ખુલ્લામાં દિવસો સુધી પડ્યો રહે છે અને વરસાદી ઝાપટાના કારણે માલ પલળ્યાના પણ કિસ્સા જગજાહેર છે.
અમુક વખત ખુલ્લામાં પડેલો માલ સળગવાની ઘટના પણ ઘટી ચૂકી છે. ત્યારે સરકારે આ વર્ષે સંગ્રહ માટે કેવી વ્યવસ્થા કરી છે તે મહત્વનું છે.