Homeવિશેષકઈ સંસ્થાએ લક્ષ્મણને કહેલું, ‘તારામાં પ્રતિભા જેવું નથી તું નહીં ચાલે.’

કઈ સંસ્થાએ લક્ષ્મણને કહેલું, ‘તારામાં પ્રતિભા જેવું નથી તું નહીં ચાલે.’

એક એવું વ્યક્તિત્વ જેને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. જેમની જન્મભૂમિ કર્ણાટક હતી. મૈસૂરમાં તેમનું બાળપણ વિત્યું અને કર્મભૂમિ મહારાષ્ટ્ર રહી. જોકે, પોતાના કામના કારણે તેઓ સમગ્ર ભારતનો ચહેરો બની ગયા હતા. 

‘કોમન મેન’નું અમર કેરેક્ટર આપનારા આર.કે.લક્ષ્મણ ઓનલાઈન પ્લેટફોર્મ પર જોયેલી ‘સ્કેમ’ વેબ સિરીઝના કારણે યાદ આવ્યા છે. આ વાતની નોંધ ભાગ્યે જ કોઈએ લીધી હશે. સિરીઝના એક સીનમાં આર.કે.લક્ષ્મણના કાર્ટૂનને પણ સ્થાન અપાયું છે. એ સીન કયો હતો તે પછી કહું પહેલાં આર.કે.લક્ષ્મણ વિશે થોડું જાણી લઈએ.

આર.કે.લક્ષ્મણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પચાસથી વધુ વર્ષ સુધી કાર્ટુનિસ્ટ તરીકે કામ કર્યું. આ સમયે તેમના પર સેંકડો પત્રો આવતા. જેટલા પત્રો આવતા એટલી જ તેમના માટે ઓફિસના ફોનની રિંગ પણ વાગતી. એટલું જ નહીં લોકો તેમની પાસે રૂબરૂ આવીને નાની-નાની સમસ્યા જેવી કે, વીજળી, પાણી, પૂલ તૂટ્યો હોય, કોઈએ લાંચ માગી હોય, એ બાબતોની પણ ભરચક રજૂઆત કરતા. લોકોને એવું લાગતું હતું કે, આર.કે.લક્ષ્મણના કાર્ટૂનનો સરકાર પર ભારે પ્રભાવ પડે છે. તેમની સમસ્યા વિશે આર.કે.લક્ષ્મણનું  કાર્ટૂન છપાશે તો કામ થઈ જશે. 

બાળપણમાં આર.કે.લક્ષ્મણને ભણવા કરતા ચિત્રો બનાવવામાં વધુ રસ હતો. થોડો તોફાની સ્વભાવ એટલે નખરા પણ કરે. પેન પેન્સીલ ના મળે તો લક્ષ્મણ કોલસાથી જ જમીન કે દીવાલ પર ચિત્રો બનાવવા લાગે. આ સમયે તેમને પણ અંદાજ નહીં હોય કે તેઓ મોટા થઈને આ ક્ષેત્રમાં જ પોતાના નામને અમર બનાવી દેશે.

દૂરદર્શન પર માલગુડી ડેઝ સિરિયલ આવતી તે યાદ છે ? મારા કાનમાં તો હજુ તેનું સંગીત ગુંજે છે. ‘તા’ પછી સાત વાર ‘ના’… તા ના ના નાના નાના ના. હવે આ ધૂન સાથે આવતા સ્કેચ પણ યાદ કરો.  આ તમામ કાર્ટૂન બનાવનારા કાર્ટૂનિસ્ટ એટલે આર.કે.લક્ષ્મણ. અને સ્ટોરી લખનારા તેમના મોટા ભાઈ આર.કે.નારાયણ. એવું કહેવાય છે કે, માલગુડી ડેઝમાં જે ‘દોડૂ’ નામનું કેરેક્ટર છે તે એટલે આર.કે.લક્ષ્મણ. બાય ધ વે આર.કે.નારાયણે તો એક વખત ચોખ્ખુ સંભળાવી દીધું હતું કે સ્વામીનાથન એ બીજો કોઈ નહીં પણ હું પોતે જ છું.

માલગુડી ડેઝના કાર્ટૂન બાદ આર.કે.લક્ષ્મણનું સૌથી વધુ ખ્યાતિ પામ્યું હોય તેવું કાર્ટૂન કેરેક્ટર એટલે ‘કોમન મેન’

આર.કે.લક્ષ્મણ અત્યારે આપણી વચ્ચે નથી. પરંતું તેમનું નામ અને તેમણે આપેલું આ ‘કોમન મેન’નું કાર્ટૂન અમર થઈ ગયું છે. આ કેરેક્ટરની આંખોથી આપણે હંમેશાં આપણી આસપાસની એ વાસ્તવિકતાને જોઈ શકીએ છીએ, જે આપણે પોતાની આંખોથી નથી દેખાતી. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સુધી પહોંચતા પહેલાં આર.કે.લક્ષ્મણે ખુબ સંઘર્ષ કર્યો હતો. ટાઈમ્સમાં નોકરી એ દિવસે જ મળી હતી જે દિવસે તેમણે ફ્રી પ્રેસ જર્નલની ફૂલ ટાઈમ નોકરી છોડી હતી. ફ્રી પ્રેસ જર્નલના સંપાદક આર.કે.લક્ષ્મણને તેની વિચારધારાથી કાર્ટૂન બનાવડાવવા માગતા હતા પરંતું આર.કે.લક્ષ્મણને તે મંજૂર ન હતું. 

ફ્રી પ્રેસ જર્નલમાં એક વ્યક્તિ તેમની સાથે કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરતા હતા. નામ હતું બાલ ઠાકરે. બંને હંમેશા સારા મિત્રો રહ્યા પરંતુ  જ્યારે બાલ ઠાકરેએ રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને મહારાષ્ટ્રનાં મોટા નેતા બની ગયા, તો લક્ષ્મણે તેમને પણ ન છોડ્યા. જ્યારે જ્યારે મુદ્દા મળ્યા ત્યારે-ત્યારે તેમની વિરૂદ્ધમાં પણ કાર્ટૂન બનાવ્યા. આ વાતથી તેમની વચ્ચે મિત્રતા રહી ચૂકી હશે તેવું તો કોને લાગે ?

ઈંદિરા ગાંધીને પણ સંભળાવી દીધું

1944થી લઈ 1964 સુધીનું નહેરુ યુગનું ભારત તેમના કાર્ટૂનમાં બહુ જોવા મળ્યું. આ બાદ ઈંદિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી. ઈંદીરા ગાંધીએ રાજનીતિને લગતા કાર્ટૂન પર પ્રતિબંધ લગાવી દીધો હતો છતાં આર.કે.લક્ષ્મણે ડર્યા વિના મીડિયાની સ્વતંત્રતા મુદ્દે કાર્ટૂન તૈયાર કર્યા હતા. 

આ દરમિયાન આર.કે.લક્ષ્મણ ઈંદિરા ગાંધીને મળ્યા હતા અને કહી દીધું હતુ કે,  તમે ખોટું કરી રહ્યા છો. કાર્ટૂન બનાવવા મુદ્દે આર.કે.લક્ષ્મણને ધમકીઓ પણ મળી રહી હતી.

મૈસૂરની મહારાણી સાથે મમ્મીનું ચેસ રમવું

આર. કે. લક્ષ્મણનું પારિવારિક બેકગ્રાઉન્ડ એવું હતું જ્યાં સર્જનાત્મકતાને ખૂબ મહત્વ અપાયું. તેમના પિતા હાઇસ્કૂલના મુખ્ય શિક્ષક હતા. જે અભ્યાસનો આગ્રહ રાખતા હતા. આર.કે.લક્ષ્મણના માતા ટેનિસ અને ચેસ બહુ સારું રમતા. ખુદ મૈસૂરની મહારાણી તેમને ચેસ રમવા માટે બોલાવતા હતા.

જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં એડમિશન નહોતું મળ્યું

લક્ષ્મણને મુંબઈની જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં એડમિશન લેવું હતું. એડમિશન માટે અરજી પણ કરી, પરંતુ ડીને એવું કહીને એડમિશન આપવાની ના કહી દીધી કે તેમનામાં કુશળતાનો અભાવ છે. આ ઘટનાને 10થી 15 વર્ષ પસાર થયા બાદ જે.જે.સ્કૂલ ઓફ આર્ટે ખુદ આર.કે.લક્ષ્મણને પ્રવચન માટે બોલાવ્યા. પોતાની સ્પીચમાં જ લક્ષ્મણે આ વાત કહી કે, આ સ્કૂલે જ મને એડમિશન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

એશિયન પેઈન્ટના જાણીતા કેરેક્ટર ગટ્ટુને પણ આર.કે.લક્ષ્મણે બનાવ્યો છે. 1988માં આર.કે.લક્ષ્મણે બનાવેલા કોમન મેનના કેરેક્ટરવાળી ટિકિટ પણ જાહેર કરાઈ હતી. 26 જાન્યુઆરી 2015એ કોમન મેનનું અમરપાત્ર આપનારા કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણ આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા. પરંતુ ત્યાં સુધીમાં તેમણે લોકોના હ્રદયમાં હંમેશાં માટે સ્થાન મેળવી લીધું હતું.

હવે મુખ્ય વાત. પ્રતીક ગાંધીની સ્કેમ સિરીઝ શરૂ થાય છે. પ્રથમ એપિસોડ. એક યુવક હાંફડો ફાફડો પોતાના ખભા પર કાળા કલરનું બેગ લટકાવી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ઓફિસમાં ભટકતો હોય છે. એ માણસને કોઈ પત્રકારને મળવું છે, ખબર આપવી છે.

હજુ એ યુવકના ચહેરા પરથી પરસેવો નીતરી રહ્યો છે. ચહેરા પર ચોખ્ખુ ટેન્શન દેખાય છે. પૂછપરછની કાર્યવાહી કરતાં કરતાં તેને એક વ્યક્તિ મળે છે, જે તેને એક પત્રકાર સુધી મુકી જાય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની બિલ્ડીંગની અંદર એ વ્યક્તિ કોમન મેનના કાર્ટુન પાસે ઊભો હોય છે. જ્યારે ‘લક્ષ્મણ’ નામ સાંભળે છે, તો પેલો યુવક પગથી માથા સુધી હચમચી જાય છે. તેનો તણાવ ઉડન છૂ થઈ જાય છે. ચહેરા પર સ્માઈલ આવી જાય છે. એ સ્માઈલ લક્ષ્મણે વર્ષો સુધી લોકોના ચહેરા પર રાખી. હંસલ મહેતાએ એ ફેન ક્ષણ કેમેરામાં સરસ કંડારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments