Homeગુર્જર નગરીચાબુક સાચો મુદ્દો તો જિજ્ઞેશભાઈ મેવાણીએ ઉઠાવ્યો છે

ચાબુક સાચો મુદ્દો તો જિજ્ઞેશભાઈ મેવાણીએ ઉઠાવ્યો છે

તો હે ચાબુક આજે સૌ પ્રથમ વાત કરીએ જિજ્ઞેશભાઈ મેવાણીની. એમણે આજે ફેસબુક અને ટ્વીટરની પોસ્ટમાં જે લખ્યું એ હૈયુ કંપાવી નાખે એવી વાત છે. મને તો ખૂબ દુખ થયું.

‘તમે કાં ઢીલા પડી ગયા ગોવાબાપા શું થયું?’

એમણે જે હિન્દીમાં લખ્યું તેનું હું શબ્દેશ: ગુજરાતીમાં તને અનુવાદ કરી સંભળાવું. ‘‘કાલ અમદાવાદની એક કેમિકલ ફેક્ટરીમાં જે 12 મજૂરોના મોત થયા તેમાં એક 15 વર્ષનો બાળક પણ હતો. હિતેશ પરમાર. તેના પિતાએ જણાવ્યું કે લોકડાઉન બાદ જ્યારે જીવવું મુશ્કેલ થઈ ગયું ત્યારે એ બે ટકના ભોજન માટે ફેક્ટરીમાં કામ કરવા મજબૂર થઈ ગયો.’’ મજબૂર કરતાં પણ ભારે શબ્દ એ છે કે એને મજૂર બનવું પડ્યું.

એક બાળક સાથે શું થયું તેની આપણને ચિંતા નથી. જેની સાથે આપણે મૂળ પણ લાગતું વળગતું નથી એવી ટ્રમ્પ અને બાયડનની ચૂંટણીમાં પડ્યા છીએ. પણ ખરો મુદ્દો આ છે જે જિજ્ઞેશભાઈએ ઉઠાવ્યો. વાત એવી છે કે 15 વર્ષના બાળકને કામ કરવા માટે મજબૂર થવું પડ્યું. ઘરનો ભાર એણે આટલી ઉંમરે ખભા પર ઉઠાવ્યો.

ચાબુક આ વાતની આપણને ખબર ક્યારે પડે છે જ્યારે દુર્ઘટના ઘટે છે ત્યારે. એક જીવ હોમાય જાય છે ત્યારે. ત્યાર સુધી આપણે શું કરતાં હતાં ? 15 વર્ષના હિતેશની મોતથી આપણને સુરત પાછું યાદ આવી જાય છે.

ખરેખર ફક્ત સરકારે જ નહીં આપણે બધાને સમજવું પડશે. કોઈ બાળક કોઈ જગ્યાએ મજૂરી કરવા કે કમાવા આવે છે તો પ્રથમ તેને કોઈ મોટાએ પૂછવું જોઈએ કે એવી કઈ સ્થિતિ આવી પડી કે તારે કામ કરવા મજબૂર થવું પડ્યું છે ? ઘરમાં કંઈ તકલીફ છે ? સમસ્યા શું છે ? તેને બદલે કામ કરાવીએ. આ કોઈ ગોવાબાપા કે ચાબુક નથી કહી રહ્યા. આ સ્વર્ગસ્થ હિતેશ જ કહે છે કે, ‘હજુ તમારી આજુબાજુ આવા બાળકો હોય, જે ભણવાની જગ્યાએ મજૂરી કરતાં હોય તો તાત્કાલિક તંત્રને ખબર કરો.

એ 15 વર્ષના છોકરાને જ નહીં પણ કામ કરનારા કોઈ કર્મચારીને પણ આપણે આવું પૂછતા નથી. કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામ કરે છે, તો આપણે તે કામ સારું કરે છે કે ખરાબ કરે છે તેના પર જ આપણી નજર હોય છે. જે પણ વ્યક્તિ આ વાંચતો હોય અને તેને ત્યાં કોઈ પણ માણસ કામ કરતો હોય તો મહેરબાની કરીને તેને આવું પૂછજો કે, ‘તને કંઈ ઘરે સમસ્યા તો નથીને ?’

ભલે એ નહીં કહે, પણ તમારા પ્રત્યે તેને માન વધી જશે. બે શબ્દ બોલવામાં નીચા નથી પડી જવાતું. તમારું સ્તર ઊંચુ થઈ જાય છે.

એ 15 વર્ષના હિતેશના મૃત્યુ બાદ આપણી પાસે હવે સંવેદના પ્રગટ કરવા સિવાય શું છે ? પ્રભુ એના આત્માને શાંતિ આપે. અને આવા સમાચાર ન જ મળે એવી પણ પ્રભુને હું બે હાથ જોડીને વિનંતી કરું છું.

આ મારી છેલ્લી ચૂંટણી છે

હવે નીતિશભાઈએ આજની સભામાં એમ કહ્યું છે કે આ મારી છેલ્લી ચૂંટણી છે. ધમદહાના ઉમેદવાર લેસી સિંહને જીતાડવા માટે તેમણે જનતાને કહ્યું. લેસી સિંહ માટે પ્રચાર કરતાં હતા ત્યારે અજાનનો અવાજ આવ્યો. નીતિશ શાંત થઈ ગયા. અજાન પૂર્ણ થયા પછી એમણે કહ્યું પણ ખરું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. મીડિયામાં વાયુ વાવાઝોડાના વેગે આ ખબર વાઈરલ થઈ ગઈ. નીતિશભાઈએ પ્રવચનમાં છેલ્લી ચૂંટણી હોવાનું કહી લાગણીનો તાર છંછેડી દીધો છે. હવે આ લાગણીનો તાર એમને જીતવામાં મદદ કરે છે કે નહીં એ આપણને 10 તારીખના પરિણામમાં ખબર પડી જાશે. જોકે નીતિશ જ નહીં. વિશ્વભરની ચૂંટણીઓમાં તું નજર નાખ તો તેઓ જનતા સામે લાગણીનો તાર છેડે જ છે. કોઈ કહે હું ગરીબ હતો, કોઈ કહે હું નહીં ચૂંટાઉં તો તમારી સાથે આવું થઈ જાશે, કોઈ કહે મેં અઢળક સંઘર્ષ કર્યો છે. આવું તો ચાલ્યા રાખે ચાબુક.

10 લાખ નોકરી સંભવ નથી

હવે અમિત શાહે પણ બિહારની ચૂંટણીમાં કદમ મૂક્યા છે. છેલ્લા કેટલાય સમયથી તો તેઓ બિહારની ચૂંટણીથી અડગા હતા. પણ આ માટે એમ નહીં કહીશું કે, ગોવાબાપા કાલ તમે લખ્યું એ વાંચ્યા પછી અમિતભાઈ બિહારની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયા છે, કારણ કે મને ગોવા ઈમ્પેક્ટમાં બિલકુલ રસ નથી. દેશના ગૃહમંત્રી અને એક કદાવર નેતા હોવાના કારણે તેમણે કોઈ પણ ચૂંટણીમાં ઉતરવું જ પડે. જો આમ ન થાય તો કેટલીક બેઠકો પણ ગુમાવવાની શક્યતા ખરી. તેમણે પ્રચારમાં કહ્યું કે, બિહારમાં અમને પૂર્ણ બહુમતની સરકાર મળશે. જનતા આરજેડીના શાસનના 15 વર્ષ ભૂલી નથી. સાથે કહ્યું કે તેજસ્વી યાદવને જો બિહારનું બજેટ ખબર હોત તો 10 લાખની નોકરીનો વાયદો ન કરેત. એમણે ખૂદ કહી દીધું કે, ‘10 લાખ નોકરીઓ સંભવ નથી. લાગે છે કે એમણે અભ્યાસ નથી કર્યો. બિહારના બજેટને સંપૂર્ણ રીતે તેઓ નથી જાણતા.’

દિલ્હીમાં પણ ‘ના’

હવે ચાબુક રાજસ્થાન પછી દિલ્હીની સરકારે પણ કહી દીધું છે કે ભડાકા નહીં કરવાના.

‘ભડાકા એટલે ગોવાબાપા?’

ભડાકા એટલે દિવાળી પર ફટાકડા નહીં ફોડવાના. રાજસ્થાનની સરકાર પાસે તો એવો મુદ્દો હતો કે કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધી શકે. જોકે દિલ્હીમાં તો એકના વિનાની બે સમસ્યા ઊભી થાય. એ લોકો માટે પ્રદૂષણની ઉપાધી તો છે જ. ઉપરથી શિયાળો હોવાથી આ સમસ્યા વકરી શકે છે.

‘તો ગોવાબાપા તમે શું માનો છો કેજરીવાલના નિર્ણય પર ?’

બહુ સારું કર્યું. આમ જ હોવું જોઈએ. તારે સાંભળવું હોય તો સાંભળ.

(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments