હે ચાબુક. કોરોનાની બીજી લહેર શરૂ થવાની વાતો થાય છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન તો એમ કહે છે કે દિવાળીમાં ફટાકડા ફોડીશું તો કોરોના વકરશે. એમણે તો બંધ જ પાળ્યું છે.
શિયાળો છે. તને ખબર શિયાળામાં ખૂબ ગરમી થાય! શિયાળામાં કપડાં પહેરો તો શરીરમાંથી અગ્નિ પ્રજવલ્લિત થાય!! શિયાળો એક એવી ઋતુ છે જેમાં ભાગ્યે જ કોઈ માંદા પડે!!! પૃથ્વીનું વાતાવરણ તો એ રીતે ઘડાયેલું છે કે શિયાળામાં કોઈ પણ માનવી મૃત્યુ નથી પામતો!!!!
‘ગોવાબાપા તમારું કેના જેવું છે કઉં ? હવે રેવા દોને તમને ખોટું લાગી જશે.’
‘મને ખોટું ન લાગે હું ટ્રમ્પ નહીં.’
‘હા હવે આગળ વધો. અને આ શિયાળા જેવું સાયન્સ ફિક્શન લખવાનું મૂકો.’
હા તો ચાબુક દિવાળી પછી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય 23 તારીખના રોજ શરૂ થાશે. 9થી12ના વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી દીધી પછી ઘણા વાલીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા. એમના ચિંતામાં ગરકાવ થઈ જવા પાછળનું કારણ પણ સ્વાભાવિક છે. બાળકનું મન ચંચળ હોય. એ ગમે ત્યાં અડે. તોફાની હોય તો માને પણ નહીં. હવે બાળકોને સ્કૂલે મોકલવા વાલીઓ થોડા તૈયાર થાય ?
હમણાં હું ભાસ્કરની વેબસાઈટમાં જોતો હતો તો એમણે તો હેડિંગ મારેલું હતું. એ હેડિંગ ઘણું કહી જાય છે. લખેલું છે, ‘‘બાળકોને કંઈ થશે તો વાલીઓની જવાબદારી:ગુજરાતમાં 23મીથી વાલીઓના ભરોસે ઓડ-ઇવન પદ્ધતિથી ધો.9થી 12ની સ્કૂલ ખૂલશે, સરકાર-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા’’
‘ઓહો ગોવાબાપા આ તો ખૂબ ગંભીર મુદ્દો છે.’
‘હે ચાબુક. મહામૂર્ખ. ગંભીર મુદ્દાઓ જ ગોવાબાપા લે છે.’
હવે છે એવું કે વાલીઓએ સ્કૂલોને એવું સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા સંતાનને સ્કૂલે મોકલું છું. હવે આમ કંઈ હોય. વાલીઓએ ડરતા ડરતા બાળકને સ્કૂલે પણ મોકલવાનો અને જવાબદારી પણ લેવાની.
હવે સ્કૂલે જતા પહેલા શું શું કરવાનું એની તને વિગત આપુ ચાબુક.
‘વિગતની શું જરૂર છે ? સવારમાં ઊઠવાનું. પાટી દફ્તર પેક કરીને નિશાળે ઉપાડવાનું.’
એલા મૂર્ખ એમ નહીં. હું કઉં કોરોનાના કારણે થયેલા લોકડાઉન પછી બાળકો સ્કૂલે જાય છે એમણે શું ધ્યાન રાખવાનું. શાળાએ શું ધ્યાન રાખવાનું.
‘હા તો ચોખવટ કરોને. આખા સ્ટાફ સામે શું ખોટા ઘઘલાવો છો.’
- ઓડ-ઈવન ફોર્મ્યુલાથી હળવે હળવે શાળાઓ ખુલશે.
- જો આપનો લાલો કોલેજમાં છે તો મેડિકલ અને પેરામેડિકલના વર્ગો પ્રથમ શરૂ કરવામાં આવશે.
- વિદ્યાર્થી સ્કૂલે આવે એની મંજૂરી લાવવાની રહેશે.
- હાજરી ફરજીયાત ગણવામાં નહીં આવે. (ખરી મોજ તો આ છે હો!)
- આ બધામાં વાલીઓની લેખિત મંજૂરી જરૂરી છે.
- તમામ જવાબદારી આચાર્ય ઉપર. એણે તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે.
- જો સ્નાતકમાં ભણો છો તો ફાઈનલના વર્ગો શરૂ થશે.
- 9થી12ના બોલાવ્યા છે પણ 1થી8ના બાળકોને નહીં બોલાવાય. આને કહેવાય 8 સીટો જીત્યા એની ખરી ઉજવણી! 8 સુધીના હમણાં નહીં. હાહાહાહા… હા મોજ હા. દિલમાં ન લેતા આ તો ગોવાની મોજ છે. જીતના અભિનંદન. અને હા હજી એક વખત હા મોજ હા. હજી એક વખત કરું? હા મોજ હા.
‘ગોવાબાપા તમે તમારા વખતે રોજે ફરજીયાત ભણવા જતા?’
હું ભણવા જતો પણ પછી એ બધા મને ઘેર મુકવા આવતા. હું પાસ પણ એટલે જ થ્યો કે પરીક્ષામાં જો ફેલ થાવ તો જૂના સાહેબને પાછો હેરાન કરું. એટલે બધા મને પાસ કરતાં ગયા. આને કહેવાય ખરી મોજ.
બાઈડન ક્યાંના ?
આપણે ગુજરાતીઓએ તો મજાક કરેલી કે બાઈડનભાઈ બાયડના હતા. આ વાત કદાચ નાગપુરના લોકોએ ગંભીરતાથી લઈ લીધી છે. જેમ કમલા હેરિસ તમિલનાડુના એમ હવે નાગપુરના લોકો જામ્યા છે કે બાઈડન ભાઈ તો અમારા છે. મને તો ખબર નથી પડતી કે એ અમેરિકામાં ચૂંટણી જીત્યા છે કે ભારતમાં ? જોકે ભારતમાં હોત તો જીતેત પણ નહીં.
નાગપુરના કેટલાક લોકો કહે છે કે એ ભારતમાં આવ્યા હતા ત્યારે એમણે કહેલું કે તેમના સગા વ્હાલા 1837ની સાલથી ભારતમાં રહેતા હતા. ન્યાંથી અમેરિકા ચાલ્યા ગયા. બાઈડને પણ ઉલ્લેખ કર્યો છે. એક વખત 2013માં અને બીજી વખત 2015માં કે મારા દાદા તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા.
આ હિસાબે મારું મન તો છે કે કાલ જ કહી દઉં કે, બાઈડન તો ચાબુકમાં નોકરી કરતા હતા. હીહીહીહીહી…
‘હા ગોવાબાપાની મોજ હા’
અર્ણબનો છૂટકારો
અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને તેઓને 50,000 રૂપિયામાં જામીન મળી ગયા છે. અર્ણબની સાથે નીતિશ શારદા અને મોહમ્મદ શેખને પણ જામીન મળી ગયા છે ચાબુક. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવની ઝાટકણી કાઢી છે. હવે આગળ શું થાય એ જાણવા માટે જોડાયેલા રહો ગોવાબાપાની અનુભવી કલમે.
(ગોવાબાપાની અનુભવી કલમે લખાયેલા દેશ વિદેશના હાસ્ય-વ્યંગ અને કટાક્ષ કરતાં સમાચાર વાંચો રોજ સાંજે)