Homeગુર્જર નગરીજામનગરની ‘ઈત્ર’ નું અથથી ઇતિ જે વિશ્વભરમાં ફેલાવશે સુગંધ

જામનગરની ‘ઈત્ર’ નું અથથી ઇતિ જે વિશ્વભરમાં ફેલાવશે સુગંધ

હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીથી પ્રભાવિત છે ત્યારે ભારત આયુર્વેદના સથવારે રોગ સામે બાથ ભીડી રહ્યો છે. આ સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને મહામુલી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વતા ધરાવતી સંસ્થાઓની ભેટ તા. 13/11/2020ના રોજ ધનવંતરી જયંતીના અવસરે સવારે 9:30 કલાકે લોકાર્પણ દ્વારા અર્પણ કરવામાં આવશે.

આ સંસ્થા એકવીસમી સદીમાં વૈશ્વિક સ્તરે આયુર્વેદ વિકાસનું નેતૃત્વ કરી તેને અનેરું બળ પૂરું પાડશે. આ સંસ્થા ગુજરાત રાજ્યના જામનગર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકાર્પણ કરશે.

આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીપદ યેસ્સો નાયક, મુખ્યમંત્રી, રાજ્યપાલ, સહિતના લોકો ઉપસ્થિત રહેશે. પ્રતિ વર્ષ ધનતેરસના દિવસને વર્ષ 2016થી ‘આયુર્વેદ દિન’ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વર્ષ 2020નો ‘આયુર્વેદ દિવસ’ અત્યંત મહત્વનો બની રહેશે. રાષ્ટ્ર સ્તરીય સંસ્થાની ભેટ દેશને મળવાથી આયુર્વેદ ક્ષેત્ર વિશાળ પાયા પર પ્રગતિની સિદ્ધિ તો હાંસલ થશે જ, વધુમાં આયુર્વેદ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનની દિશામાં મજબૂત પગરવ મંડાશે.

સરકાર દ્વારા લોક-આરોગ્ય ક્ષેત્રે જે નવાં પડકારો આવી રહ્યાં છે તેને ઝીલવાં અને પાર પાડવા માટે આયુષ વ્યવસ્થા એ અસરકારક અને પરવડે તેવું એકમ સાબીત થઈ રહ્યું છે અને હજૂ પણ તેને મદદરૂપ થશે.

આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પગલું

હાલમાં આયુષ શિક્ષણનું આધુનિકરણ એ સમયની માંગ છે, ત્યારે તેને અસરકારક સ્વરૂપમાં સાકાર કરવા થોડાં વર્ષોથી અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. આ અંતર્ગત જામનગર ખાતે ITRA સંસ્થાને સરકાર દ્વારા રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરવાનો નિર્ણય આયુર્વેદ શિક્ષણ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક પગલું બની રહેશે.

આ પ્રકારની એક માત્ર સંસ્થા

આમ થવાથી જામનગરને પણ આઇ.આઇ.ટી., અને આઇ.આઇ.એમ. કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે. વધુમાં ITRA જામનગર એ ભારતભરમાં આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી એક માત્ર સંસ્થા છે. રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આકાર પામવાથી આયુર્વેદ શિક્ષણને સ્વાયત્તતા મળશે. આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા હવે નવીન અભ્યાસ અને શિક્ષણ પ્રણાલી ઘડવી સરળ થશે.

WHOની સહયોગી સંસ્થા

ઇ.સ. 1946માં જ્યારે ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપના થઈ ત્યારથી  ITRA બનવા સુધીની સફરમાં અનેક મહત્વપૂર્ણ સિમાચિન્હ અંકિત કર્યા છે. જેમ કે 1954માં ભારત સરકાર દ્વારા રિચર્ચ સેન્ટર ફોર આયુર્વેદની સ્થાપના થઈ જેને 1956માં બનાવેલ પી.જી. ટ્રેનિંગ સેન્ટર ઇન આયુર્વેદ સાથે જોડીને વર્ષ 1963માં આઇ.પી.જી.ટી.આર.એ. કાર્યરત થયું. જેના દ્વારા આયુર્વેદ સંબંધિત 13 અલગ અલગ વિષયોમાં શિક્ષણ અને અનુસંધાન માટે એમ.ડી. અને પી.એચડી. અભ્યાસ્ક્રમ દ્વારા આયુર્વેદનો પ્રચાર-પ્રસાર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં થઈ રહ્યો છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી આયુર્વેદ પ્રત્યે લોકોનો અભિગમ વધવાથી ઇ.સ. 1999માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા વિશ્વસનીય આયુર્વેદ ઔષધોના નિર્માણને વેગ આપવા આઇ.આઇ.એ.પી.એસ. નામની સંસ્થા પ્રસ્થાપિત કરી, જેના દ્વારા જી.એમ.પી. અને જી.એલ.પી. માપદંડને અનુસરીને ઔષધ નિર્માણ કરવા સક્ષમ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞોને તૈયાર થવા લાગ્યા.

અહીંથી પ્રસિદ્ધ થયું ‘આયુ’ રિસર્ચ જર્નલ એ આયુર્વેદ ક્ષેત્રનું સૌથી પ્રતિષ્ઠિત જર્નલ માનવામાં આવે છે. એક નોંધનીય બાબત એ પણ છે કે હાલ જામનગર ખાતેનું આયુર્વેદ કેન્દ્ર એ વિશ્વ આરોગ્ય સ્વાસ્થ્ય સંગઠનની આયુર્વેદ ક્ષેત્રની એક માત્ર સહયોગી સંસ્થા છે. જેના દ્વારા આયુર્વેદના કેટલાંય મહત્વપૂર્ણ પ્રકલ્પો પૂર્ણ કરાયા છે.

ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવી તેના સાયુજ્યને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનું બિરૂદ આપી આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદને વધુ લોકભોગ્ય બનાવવા આજનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ITRA નું નિર્માણ થયું. આમ થવાથી આયુર્વેદ શિક્ષણના ક્ષેત્રમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે. જે જામનગર કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

જામનગર ખાતે ITRAનું નિર્માણ થવાથી તબીબી શિક્ષણ ક્ષેત્રે આયુર્વેદ નવીનતમ શિક્ષણ પદ્ધતિઓને આકાર આપી શકશે. આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનાવી શકાશે. આયુર્વેદ ક્ષેત્રે નવી શિક્ષણ, ચિકિત્સા અને શોધ પદ્ધતિને તૈયાર કરવામાં સરળતા થશે. અભ્યાસ અને સંશોધન પ્રક્રિયાને વધુ ઊંડાણપૂર્વકના બનાવી શકાશે. દેશભરમાં કાર્યરત અને નવી આકાર પામનારી આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ માટે ITRA  એ એક ઉદાહરણરૂપ સંસ્થા બની રહેશે. આ સંસ્થા વર્તમાન સરકાર દ્વારા તૈયાર કરાયેલી નવી શિક્ષણ નીતિને કેન્દ્રમાં રાખી કાર્ય કરશે જેથી તે આદર્શ બની રહેશે.

જામનગર ખાતેની નૂતન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના અંગ્રેજી નામના પ્રથમ અક્ષરોને જ્યારે જોડવામાં આવે ત્યારે કહેવાય છે ‘ITRA’. આ ઇત્રનો અર્થ થાય છે અત્તર જેનું કાર્ય છે સુગંધ ફેલાવવી. આમ સમગ્ર વિશ્વભરમાં આ સંસ્થા પોતાની સુગંધ ફેલાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments