ત્રણ દિ થ્યાં. રોપ-વેને મેં ઉપાડ્યો છે.
‘તમારા જેવા ડોસલામાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ કે આખો રોપવે ઉપાડો ?’
અરે ચાબુક એમ નહીં બેટા. મેં મુદ્દો ઉપાડ્યો છે. હું કાંઈ ‘હલક’ થોડો છું તે આખો રોપવે ઉપાડી લઉઁ. હમણાં સુધી તો તને ખબર કે ગિરનાર રોપ-વેમાં 14 નવેમ્બર પછી GST સાથે નવા ભાવ ઉમેરાય તો કાંઈક 860 જેવું થતું હતું. હવે એ ખાલી 700 રહેશે. આમ તો આટલો ભાવ વધારે કહેવાય કે નહીં એ હવે ગ્રાહકો પર આધાર રાખે છે. એટલે આ એક શાંતિના સમાચાર છે કે 700 રૂપિયા થઈ ગ્યા. પુખ્તવયના હો તો 18 ટકા જીએસટી સાથે 700 રૂપિયા. વન-વેમાં 400 રૂપિયા અને બાળકની 350 રૂપિયા ટિકિટ થઈ. બાકી મેં તો તને કહ્યું જ છે કે ગાંડી ગિરના જંગલોમાં પગ વડે રખડવાનો અને ગિરનાર ચડવાનો જે મહિમા છે એને કોઈ આટી નહીં શકે, શિયાળામાં તો ખાસ સ્ફૂર્તિ મેળવવા માટે ગિરનાર પગેથી ચડશે. ચડવો જ જોઈએ. શિયાળામાં પગથી એક વખત ગિરનાર ચડી જાવને તો આખું વરસ તાજગી રહે. હાલો તયે ઘીના ઠામમાં ઘી ઢળ્યું. હવે લોકોએ જોવાનું છે કે ખિસ્સાને 700 પરવડશે કે પછી પગથિયાં જ જય ગિરનારી.
રોજ ચૂંટણી આવતી હોય તો
હવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવ્યા લીંબડીમાં. તેઓ લીંબડીમાં પ્રવેશ કરે એ પહેલા જ ડિવાઈડરમાં રંગ થઈ ગયા. રસ્તા સાફ થઈ ગયા અને લોકો ચકિત થઈ ગયા! ઘણા તો સવારમાં ઊઠીને એ રસ્તા પરથી નીકળ્યા તો લાગતું તું જાણે ગાંધીનગરમાં આવી ગયા હોય. એક ભાઈએ તો એમ પણ કહ્યું કે, ચૂંટણી કાયમી રહેતી હોય તો કેવું સારું. આવું જ ચોખ્ખુ ચણાક રહે. મીડિયામાં તો એવી વાતો થાય છે કે મતદારોને રિઝવવા માટે આ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કરજણના ઉમેદવારને દેવા જતા હતા
ગુજરાતની ચૂંટણીમાં પૈસા ઘુસી ગયા છે ચાબુક. ભરૂચમાં 25 લાખ રૂપિયાની રોકડ સાથે બે શખ્સો ઝડપાયા છે. પોલીસે પૂછ્યું તો કે, કરજણના ઉમેદવારને દેવા જતા હતા.
‘કરજણના ઉમેદવાર કોણ છે ગોવા બાપા?’
એ બેટા પેલા ધનેશ્વરીએ કબૂલાત કરી છે કે કોંગ્રેસના કિરીટસિંહને પહોંચાડવા જતા હતા. સુરતના જયંતિભાઈ પાસેથી પૈસા લીધા હતા. એવામાં ભરૂચના મુલદ ટોલ ટેક્સ નજીકથી બંને શખ્સો 25 લાખ હારે પકડાઈ ગયા. પોલીસે વધારે પૂછપરછ કરી અને પછી સરથાણાના બિલ્ડરનું નામ સામે આવ્યું. પોલીસે રિવેરા એટલાન્ટિસની ઓફિસમાંય રેડ પાડી, તો બીજા 30.95 લાખ રૂપિયા નીકળ્યા.
ધારીમાં ભાજપને આકરું પડી ગયું
હવે વાત ધારીની સભાની. અહીં ભાજપની સભા હતી ચાબુક. બધુ બરાબર હતું. ને સભામાં લોકોએ કાગારોડ મચાવી મુકી
‘શું થ્યું ગોવાબાપા ?’
ચાબુક કાગારોડ એ ભાજપના વિરોધનો હતો. સ્થાનિકો અનાજ ન મળતું હોવાની રજૂઆત કરતા હતા. લોકોનો વિરોધ વકર્યો એટલે ભાજપના નેતાઓએ ત્યાંથી ચાલતી પકડી.
ને હવે બીગ બ્રેકિંગ….
‘ઓહો…. એટલા મોટા સમાચાર છે?’
નીતિનભાઈ ઉપર જૂતુ ફેંકનારો પકડાઈ ગયો ચાબુક
‘કોણ છે એ? જલ્દી બોલો મારાથી તો રેવાતું નથી.’
કઉં આખી વાત. નીતિન ભાઈ પટેલ પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. આજના જમાનામાં પણ કેટલાક લોકો આવા ચપ્પલ પહેરે છે એ જ વિસ્મયની વાત છે! અને આ ચપ્પલ ફેંકનાર કોંગ્રેસનો વ્યક્તિ નીકળ્યો. નામ છે રશ્મિન પટેલ. શિનોરનો રહેવાસી છે. કહેવાય છે ચાબુક કે આરોપી ચપ્પલ ફેંકવામાં સફળ જતા સેલિબ્રેશન કરવાનો હતો.
હવે તો બેઉં બાજુથી વાતો થાય છે. કોંગ્રેસવાળા કહે છે કે એ ભાજપનો કાર્યકર છે અને ભાજપવાળા કહે છે એ કોંગ્રેસનો કાર્યકર છે. એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ દિલુભા ચૂડાસમાએ કહ્યું કે એ ભાજપનો કાર્યકર હતો હવે છે કે નહીં મને ખબર નથી. શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ કહે છે કે એ ભાજપનો કાર્યકર છે. જેથી હવે કયા પક્ષનો છે એ સાફ સાફ ખબર નથી પડતી.
રશ્મીન પટેલ વિશે તો એવી પણ વાતો સામે આવી છે કે, એ શિનોર તાલુકા પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છે. અને ભાજપે જ તેને કારોબારી ચેરમેન પણ બનાવ્યો હતો. તેની પત્ની પણ શિનોર ગામમાં સરપંચ રહી ચૂકી છે. હવે વાતો તો એવી થાય છે કે જૂથવાદના કારણે ચપ્પલકાંડ થયો.
આજનું સૌથી મોટુ નિવેદન
હવે ગુજરાતના રાજકારણનું આજનું સૌથી મોટું નિવેદન ચાબુક કે, હમણાં ત્રણેક દિવસ પહેલા આપણે અમિતભાઈ ચાવડાનું નિવેદન ટાંક્યું હતું. એમણે કહેલું કે, ભાઉ જ ભાઈને ખત્મ કરી નાખશે. પેટાચૂંટણી પછી ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. એટલામાં તો સી.આર.પાટીલે આખી ડોલ ભરી આ નિવેદનને સાબુ પાણી હારે ધોઈ નાખી.
‘શું કહ્યું ગોવા બાપા?’
એ જ ચાબુક બેટા કે, આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે અને રહેશે. વાર્તા પૂર્ણ.
કોંગ્રેસ અને ભાજપ બંને મુસીબતમાં
આ વખતે ભાજપ અને કોંગ્રેસ આ બંને માટે લીંબડીમાં ખરાખરીનો જંગ છે. બંને એડિચોટીનું જોર લગાવે છે. મહેનત કરે છે, પણ કોળી સમુદાય રિઝાતો નથી, કારણ કે વર્ષોથી ચાબુક કોળી સમુદાયને ત્યાં ટિકિટ અપાતી હતી. આ વખતે તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. જેથી કોળીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ભાજપ માટે તો હવે એ જ જોવાનું છે કે આ લોકો મતદાન કોને કરે છે? મારા ખ્યાલથી લીંબડી બેઠક પર અપક્ષને લોટરી લાગવાની તકો ઊભી થઈ છે. પછી જે થાય એ બાકી ભાજપ અને કોંગ્રેસ બંને હવે શિયાળાની શરૂઆતમાં જ પરસેવે રેબઝેબ થઈ ગયા છે. જોકે વાતો કરવાના તો ક્યાં રૂપિયા દેવાના? બંને પક્ષ એમ કહે છે કે કોળીભાઈઓ અમારી બાજુ છે, કોળીભાઈઓ અમારી બાજુ છે, પણ સાચી ખબર તો મતદાનને દિવસે પડશે.
વિકાસને ફરી થીગડું
હવે 31મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સી પ્લેનમાં બેસી કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવવાના છે. આ વાતની તો સૌને ખબર છે. એમાં રિવરફ્રન્ટની આડે આવે છે એક ઝુંપડી ચાબુક. એ ઝુંપડીમાં વિકાસરૂપી થીગડા મારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે આ પ્રથમ વખત નથી કે વિકાસને થીગડા મારવાની નોબત આવી પડી હોય. આ પહેલા ટ્રમ્પભાઈ આવ્યા હતા. ત્યારે દિવાલ ચણવામાં આવી હતી. મીડિયામાં ટ્રમ્પનો કાર્યક્રમ એક બાજુ અને બીજી બાજુ દિવાલે જબરી બબાલ ઊભી કરી હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂથી ખાતમુહુર્ત
રાજ્યમાં દારૂબંધી જેવું મને તો કંઈ દેખાતું નથી ચાબુક, કારણ કે BTPના ધારાસભ્ય મહેશ વસાવાએ નર્મદાના ડેડિયાપાડામાં રોડનું ખાતમુહુર્ત દારૂથી કરી નાખ્યું. દારૂથી જમીન સ્નાન કરી રહી હતી અને કંકુ-અબિલ ડ્રિમ ઈલેવન પર ટીમ બનાવતા હતા!!
એ સાથે જ ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો હવામાં ઓગળી ગઈ. હવે આપણા પત્રકારભાઈઓ સવાલો કરે છે. ક્યાંથી આવ્યો દારૂ ? ધારાસભ્યએ આમ કરાય ? ગુજરાતમાં કંકુ-અબિલ પણ બેરોજગાર!! પણ હું તો એ પૂછવા માગું છું ચાબુક કે વળી દારૂની મહેશભાઈને શું જરૂર પડી ?
પરિણામના દિવસે ખબર
હવે એક બાજુ રાજીવ સાતવ અને બીજી બાજુ વિજય ભાઈ રૂપાણી. વિજયભાઈ કહે છે કે, કોંગ્રેસના ધારાસભ્યો મને મળવા આવ્યા હતા અને ધારાસભ્યોએ મને કહ્યું હતું કે કોંગ્રેસની નેતાગીરીથી અમે થાકી ગયા છે. રાજીવભાઈ કહે છે કે, ભાજપના કારણે આ ચૂંટણી થઈ. ભાજપે ધારાસભ્યો ખરીદ્યા એટલા માટે. અને એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતની આઠે આઠ બેઠકો કોંગ્રેસ જીતવાની છે. હવે જે હોય એ. જીભ તો હજ્જાર વાતું બોલે, ખરી વાતની તો પરિણામના દિવસે ખબર પડશે.