એક અભિનેતા છે. શરીર વધારે તો સારો લાગે અને ઘટાડે તો પીઠ દુબળા ખૂંટીયાની જેમ નીકળી જાય. પીઠ પાછળનું હાડપીંજર દેખાવા લાગે. માસ્ટરમાં એ હસ્તમૈથૂન કરે તો તેના ચહેરા પર હવસ દેખાય. તેનો હોઠ દરેક ફિલ્મમાં કપાયેલો નજર ચડે. તેનું નાક તેની અભિનેત્રીને ચુંબન કરતી વખતે નક્કી આડુ આવતું હશે. એ વાત તો રાજુ હિરાણીને પણ માનવી પડે. કપાળ મોટું છે.
ગ્લેડિયેટરમાં એ સત્તા માટે ખૂંખાર વિલન બને છે. હરમાં તે પ્રેમ પામવા માટે એક મશીનને દિલ દઈ બેસે છે. જોકરમાં તે દર્દી કેરા દર્દને ડામી વિલન તરીકે ઊભરે છે. માસ્ટરમાં તે ગંદી દારૂ બનાવી બધાને પીવડાવી પોતાના કૌશલ્યનો પરચો આપે છે.
સ્વર્ગસ્થ મહેશ-નરેશ જેવી વાર્તા છે. હું તો કાલ નરેશભાઈમાં ઉમેરવાનો પણ હતો કે જોક્વીન ફોનિક્સ અને રિવર ફોનિક્સ આ બંને ભાઈઓ હોલિવુડના નરેશ-મહેશ છે. જોકે નરેશ અને મહેશ તો આપણને એક સાથે દગો દઈ ચાલ્યા ગયા.
અગાઉ ચાબુકમાં હોલિવુડ અભિનેતાઓ વિશેનો એક આર્ટિકલ લખેલો. જેમાં એક્ટિંગનો કોર્સ કર્યા વિના કેવી રીતે કેટલાક લોકો અભિનેતા બની ગયા એમની વાત હતી. ફોનિક્સભાઈઓ એ હરોળમાં જ આવે છે. રિવર અને જેક્વીન રસ્તામાં જ મહેશ અને નરેશની જેમ શો કરતા હતા. જેથી માતા પિતાને મદદ કરી શકાય. એક કાસ્ટિંગ ડાયરેક્ટર પસાર થયા અને નજર પડી ગઈ. રૂપિયા મળશે એમ કહી બંનેને કાસ્ટ કર્યા અને જે છે તે ઈતિહાસ છે.
હમણાં મહિના પહેલા રિવરને સ્ટેન્ડ બાય મી ફિલ્મમાં જોયો. જે સ્ટીફન કિંગની લઘુનવલકથા બોડી પર આધારિત છે. 1993માં નાના ભાઈએ તો ડ્રગ્સ ઓવરડોઝમાં ખૂદનો જીવ લઈ લીધો. આજે જોક્વીનને ઘરે પારણું બંધાણું છે તો એણે પોતાના દીકરાનું નામ રિવર રાખ્યું છે. સ્વર્ગસ્થભાઈનાં નામ ઉપરથી.
કેવી વાર્તા છે ? જ્યારે સપનાના વાવેતર સિરીયલ ચાલતી હોય. આજે આવી વાતો કરવાનો મૂળ ઉદ્દેશ્ય એ જ કે 2019માં એક્ટિંગ માટે બેસ્ટ ઓસ્કરનો એવોર્ડ જીતનારા ફોનિક્સનો જન્મદિવસ છે. સવારનો ખ્યાલ હતો કે જન્મદિવસ છે, પણ હવે સમય મળ્યો છે.
પ્રથમ ફકરામાં જ આપણે શું કામે ફોનિક્સના ચીરાયેલા હોઠની વાત કરી. એ હોઠ તેને જન્મજાત મળેલા છે. અભિનયમાં એ હોઠ આડા આવી જાય છે. ડેનિયલ ડે લુઈસને જોઈએ, તો તેની એક આંખ દર વખતે અભિનય કરતાં નીચી નમી જાય છે, એમ હોડીના આકારે ફોનિક્સનો એક હોઠ બહાર ખેંચાઈ આવે છે.
પત્રકારોને તેણે કહ્યું હતું કે, ‘હું મારી માતાના પેટમાં હતો. તેને એક દિવસ પેટમાં ભારે દર્દ ઉપડ્યું. ગર્ભની એક જ જગ્યાએ બીજે ક્યાંય નહીં. જ્યારે મારો જન્મ થયો ત્યારે હોઠ પર લિસોટો હતો.’ ફોનિક્સ સાચો હોય કે નહીં પણ પત્રકારો આજે પણ તેની આ વાતને મોટો બાખો જ ગણે છે.
1986ની સાલ હતી. 12 વર્ષની ઉંમરે ફોનિક્સે અભિનયમાં ડગલાં માંડ્યા. મિથુને આટલા વર્ષની ઉંમરથી ફિલ્મોમાં શરૂઆત કરી હોત તો 600 ફિલ્મો થઈ ગઈ હોત. ફોનિક્સનો આંકડો 30 સુધી જ પહોંચે છે, પણ એમ કોઈ ન કહી શકે કે તેણે નબળી ફિલ્મો પસંદ કરી છે.
અભિનય લેવલથી તેની ફિલ્મો હિટ જાય છે. એવોર્ડ પણ ખેંચી જાય છે, પણ તેની ફિલ્મોમાં એ કૌવત નથી કે બોક્સઓફિસ પર ઝંડો ગાડી દે. ટંકશાળા પાથરી દે. તેના વિષય પરથી કમાણી કરવાના હેતુસર નવા દિગ્દર્શકો પદાર્થ પાઠ લે. છેલ્લી જોકરને છોડતા તે બીજા અભિનેતાઓની સરખામણીએ ટિકિટબારી ઉપર ટમટમતા નાના તારા જેવો જ રહ્યો છે. અમેરિકાની જબ્બર કમાણી કરતી ફિલ્મોની તુલનાએ.
બે કલાકની જોકર ફિલ્મમાં વારે વારે ચિંતાતુર કરી દેતું હોય તો તે તેનું અટ્ટહાસ્ય છે. એ અટ્ટહાસ્ય સુધી પહોંચતા ફોનિક્સને ચાર મહિના લાગ્યા હતા. એ એવા લોકોની મુલાકાત લેતો રહ્યો જે આ સમસ્યાથી પીડાય છે. તેઓ કઈ રીતે હસે છે તેને ઓબ્ઝર્વ કરતો રહ્યો અને ચાર મહિના પછી તેણે અદ્દલ એ હાસ્ય કાઢી બતાવ્યું અને જેમની પાસેથી થોડું એવું પ્રશિક્ષણ લીધું હતું એમને પણ હતભ્રત કરી દીધા.
ટુ લવર્સ માટે બે ઓસ્કરમાં નામાંકન મળ્યું પછી તેણે એનાઉન્સમેન્ટ પણ કરેલી કે હું હવે નિવૃતિ લઉં છું, કારણ કે મારે હવે હીપહોપ સંગીતકાર અને ગાયક બનવું છે. પણ એ વાત ખોટી નીકળી. અને સારું થયું ખોટી જ નીકળી. વાસ્તવમાં તેણે પોતાના ચાહકોને ઉલ્લુ બનાવ્યા હતા. ફોનિક્સ ‘આઈ એમ સ્ટીલ હિયર’માં રેપરનો રોલ પ્લે કરવાનો હતો. જેની પૂર્વ તૈયારી ચાલી રહી હતી. તેણે તૈયારીમાં સમગ્ર વિશ્વને આવરી લીધું. પોતે તો એક્ટિંગ કરતો જ હતો પણ બીજા બધા વાસ્તવમાં દિલ દુભાયાની લાગણી વ્યતિત કરી સાચો અભિનય કરી રહ્યા હતા.
લેડર 49 નામની ફિલ્મ છે. જેમાં ફોનિક્સ એક ફાયર ફાઈટર બને છે. રોલ પ્લે કરવા માટે તે એક મહિનો ફાયર ફાઈટર બની ગયો હતો અને ટ્રેનિંગ પણ લીધી હતી. તાલીમ પૂર્ણ થયા પછી ફોનિક્સે ખાસ તેના પગની ઘૂંટી પર એક નાનું ટેટુ યાદગીરી રૂપે બનાવ્યું હતું.
નહીં ને ભવિષ્યમાં ફોનિક્સ સાથે મુલાકાત કરવાની થાય તો તેની સાથે પિક્ચર ક્લિક ન કરાવતા. તેને એ ગમતું નથી, પણ તેની જગ્યાએ એ તમને એક મોટો અવસર પ્રદાન કરી શકે છે. એક ઈન્ટરવ્યૂમાં ફોનિક્સે કહ્યું હતું કે, મને મારા ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવવું ગમતું નથી. તેની જગ્યાએ હું તેમની સાથે વાતો કરવાનું પસંદ કરીશ. તમે ફોનિક્સ સાથે કેટલી વાતો કરી શકો ?
આમિર ખાનની જેમ તેને એવોર્ડ શોમાં જવું નથી ગમતું. તેને તે સૌથી મોટી મુર્ખામી ગણે છે.
એક દિવસ તે પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્લેનની મુસાફરીમાં તેને ગભરાટ ખૂબ થાય. એ દિવસે પણ ગભરાટે તેને ચારેબાજુથી મૂંઝવી રાખ્યો હતો. ને પેનિક અટેક આવ્યો. તે ઊભો થઈ ગયો. ક્રૂએ તેને બેસાડવાની અને શાંતિ જાળવવાની અપીલ કરી પણ તે માન્યો નહીં. ગુસ્સામાં પાયલટે તેને મુક્કો માર્યો એ વાત પણ તેણે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી.
Mary Magdalene નામની ફિલ્મના ડાયરેક્ટરે રોજની 300 કેલરી શક્તિને સ્વાહા કરી પાતળા થવાના ફોનિક્સના ધ્યેય પર ટીપ્પણી કરતાં કહેલું, ‘તમે ફોનિક્સ સાથે કામ કરો છો. તેનો અર્થ તેમે એક સુંદર જંગલી પ્રાણી સાથે કામ કરી રહ્યા છો. જ્યાં તમારે તેને હરવા ફરવાની પૂરતી જગ્યા આપવી પડશે. મારા મગજમાં બીજો કોઈ માણસ હતો જ નહીં, જે જીસસના રોલને પ્લે કરી શકે. આ ફોનિક્સ જ કરી શકે છે.’
બાળપણમાં તો તેને પોતાનું નામ બદલી નાખવાની પણ ઈચ્છા હતી. નામ બદલવા પાછળનું કારણ આપ સૌ જાણો છો. Joaquin ઉચ્ચારણ તેનો કોઈ બાળ ગોઠિયો નહોતો કરી શકતો. તેણે નામ ધારણ કરેલું Leaf. 16 વર્ષની વય સુધી તેણે એ નામ રાખ્યું પણ હતું અને પછી પોતાના જૂના નામ પાસે ચાલ્યો ગયો. સ્કૂપવૂપમાં સમદિશે અનુભવ સિંહાને તેનું ઉચ્ચારણ કરવા કહેલું તો એ હસી પડેલા. હસતા હસતા એના વિશે અનુભવ સિંહાએ કહેલું, ‘‘એના જેવો એક્ટર હોય ને તો કામ કરવાની મજા આવી જાય. જોકર જુઓ તમે. શું એક્ટિંગ કરે છે.’’
(ચાબુક માટે આ લેખ જલજીરાએ લખ્યો છે.)