આશ્ચર્યજનક વાત છે કે, લંડન રિટર્ન ડૉક્ટર તાંત્રિકોની વાતમાં આવી ગયો. બીજી તરફ તાંત્રિકો ડોક્ટરને અરબોપતિ બનાવવાના સોનેરી સપના બતાવી પોતે જ કરોડપતિ બની ગયા. અરબપતિ બનવાના સપનામાં ડોક્ટરે તાંત્રિકોને એટલા રૂપિયા ધરાવ્યા કે તાંત્રિકોની સાત પેઢી સુધી ન ખુટે.
ઉત્તરપ્રદેશના મેરઠ જનપદનો આ ચોંકાવનારો કિસ્સો છે. અહીં એક લંડન રિટર્ન ડૉક્ટરને બે તાંત્રિકોએ બોટલમાં ઉતારી દીધો હતો. તાંત્રિકોએ ડૉક્ટરને ‘અલાદીનનો જાદુઈ ચિરાગ’ આપવાના નામે 5, 10, 15, 25 કે 50 લાખ નહીં પરંતું પુરા અઢી કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો.

તાંત્રિકોની વાતોમાં આવી જનારા લંડન રિટર્સ ડોક્ટરનું નામ છે લઈક ખાન. લઈકે પોતાનો FRHSનો અભ્યાસ લંડનમાં કર્યો છે. 2018માં તે એક મહિલાના કારણે તાંત્રિકોના સંપર્કમાં આવ્યો હતો. બાગપત રોડ પર રહેતી સમીના ખાન નામની મહિલા ડોક્ટર પાસે સારવાર માટે આવી હતી. ડોક્ટરે મહિલાનું ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ મહિલા અવારનવાર ડોક્ટર પાસે આવતી. એટલું જ નહીં થોડો સમય પસાર થયો તો ડૉક્ટર પણ સમીનાના ઘરે જતો હતો.
ડૉક્ટર લઈકે પોલીસને જણાવ્યું છે કે, સમીનાના ઘરે તેની મુલાકાત ઈસ્લામુદ્દીન નામના તાંત્રિક સાથે થઈ હતી. ઈસ્લામુદ્દીન પોતાને બહુ મોટો તાંત્રિક ગણાવતો હતો. ઈસ્લામુદ્દીને લઈકને મોટી-મોટી વાતો કરી. અને અરબોપતિ બનાવવાના સપના બતાવ્યા. માત્ર સપના જ નહીં તાંત્રિકે લઈકને અરબોપતિ બનાવવાનું વચન પણ આપી દીધુ.

લઈકે પોલીસને જણાવ્યું કે, મહિલાના ઘરે વારંવાર ચિરાગમાંથી જીન નીકળતો હોવાની વાત થતી હતી. જોકે, ડૉક્ટરને પાછળથી ખબર પડી હતી કે તે જીન કોઈ બીજું નહીં પરંતુ ઈસ્લામુદ્દીન પોતે જ હતો. અને ઈસ્લામુદ્દીન સમીનાનો પતિ હતો. ડોક્ટરનું માનીએ તો તાંત્રિકે તેને કહ્યું હતું, કે ચિરાગમાંથી જીન ત્યારે જ બહાર નીકળશે જ્યારે તેને અત્તરની સુગંધ આકર્ષિત કરશે. એટલા માટે અત્તર મગાવવાનું રહેશે.
તાંત્રિકો ડોક્ટર પાસેથી અત્તરની કિંમત 12 હજાર રૂપિયા પડાવતા. કેટલીય વાર હજારો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જીન પ્રગટ ન થયો એટલે વાત ચિરાગ ખરીદવા સુધી પહોંચી ગઈ. ડોક્ટરનો આરોપ છે કે, અત્તર અને ચિરાગના નામે તાંત્રિકોએ તેની પાસેથી અઢી કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી છતાં ચિરાગ તો તેના હાથમાં ન આવ્યો એટલે ન જ આવ્યો. જ્યારે જ્યારે ડોક્ટર ચિરાગ પોતાના ઘરે લઈ જવાની વાત કરતો ત્યારે તાંત્રિક ડોક્ટરને કહેતો કે જો અત્યારે તે ચિરાગને હાથ લગાવ્યો તો તારી સાથે બહુ ખરાબ થશે. આમ, ડરી જઈને ડોક્ટર ચિરાગને હાથ પણ ન લગાવતો.

ધીમે ધીમે ડોક્ટરને પોતાની સાથે છેતરપિંડી થતી હોવાનો અહેસાસ થયો. જે બાદ તેણે ફરિયાદ કરી અને સમગ્ર મામલો સામે આવ્યો. મામલાની તપાસ કરનારા અધિકારીએ આ અંગે કહ્યું કે, આરોપી ઈસ્લામુદ્દીન અને તેના સાથી અનીસની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી એક કથિત ચિરાગ અને તંત્ર-મંત્રની અન્ય સામગ્રીઓ પણ મળી છે. પોલીસે કહ્યું, કે આરોપી મહિલા ફરાર છે પરંતું તે ટૂંક સમયમાં જ ઝડપાઈ જશે.