પહેલા ધરતી ધ્રૂજતી ત્યારે ભૂકંપ આવ્યાની જાણ થતી ચાબુક. પછી સમય બદલ્યો. લોકોની શંકાનું સવારે છાપામાં સમાધાન થતું કે ગઈકાલે સાચેક આવ્યો હતો એ ભૂકંપ જ હતો. પાડોશના ભગીબેન ખાંડણી અને દસ્તો જોરજોરથી નહોતા પછાડતા. પછી ચાબુક ટીવી આવ્યું. ભૂકંપ આવીને ચાલ્યો જાય પછી બધા ટીવી ચાલુ કરે અને એમાં એન્કરભાઈ બોલતા હોય કે ચારની તિવ્રતાનો હતો. હવે આજની તારીખે આ કોઈનું મહત્વ નથી રહ્યું.
હે ચાબુક હવે લોકોને કેવી રીતે ખબર પડે છે તેનું તને જ્વલંત ઉદાહરણ આપું.
‘‘ભૂકંપ આવ્યો ત્યારે હું સોશિયલ મીડિયા પર ચેટીંગ કરતો હતો. ભૂકંપ આવ્યો એ ભેગા જ મેં પહેલા સ્ટેટસ અપલોડ કર્યું કે ‘ફિલીંગ ભૂકંપ’ પછી હું ઘરની બહાર નીકળ્યો અને ત્યાં ભૂકંપ ચાલ્યો ગયો. એટલે મેં ફેસબુકમાં જોયું કે, મેં જ પહેલા સ્ટેટસ અપલોડ કર્યું છે ને ? મેં સ્ટેટસ અપલોડ કર્યું એમાં મારી ચિંતા કેટલા લોકોએ કરી છે ? મેં સ્ટેટસ અપલોડ કર્યું એમાં કોઈ એવું કહે છે કે હા અમારેય અનુભવાયો ?’’
ત્યાં જ પાડોશી દુદાભાઈની કોમેન્ટ આવે કે, હા અમારે પણ અનુભવાયો ભૂકંપ. તમે આજુ બાજુ જોવને ચાબુક તો પાડોશી દુદાભાઈ એની બરાબર પાછળ જ ઊભા હોય. હું તો કઉં ચાબુક સારું થ્યું કે દુદાભાઈએ કોમેન્ટ કરી દીધી, બાકી ખબર કેમ પડેત કે દુદાભાઈને પણ ભૂકંપનો આંચકો અનુભવાયો ?
તો હે ચાબુક હવે આવીએ સમાચાર પર. સુરતમાં ચાર સેકન્ડ સુધી આંચકો અનુભવાયો. સમાચારવાળા તો કહેતા હતા કે, સાતમાં અને આઠમાં માળે રહેતા રહીશોને સૌથી વધારે અનુભૂતિ થઈ. મને લાગે કદાચ એ કવિ કાં લેખક હોવા જોઈએ. બાકી એમને જ કેમ આટલી બધી અનુભૂતિ થઈ ?
આંકડા આપી દઉં એટલે આપણે બીજા મુદ્દા પર ઉપડીએ. 4.3ની તીવ્રતાનો ભૂકંપ હતો. દક્ષિણ ગુજરાતમાં તેની અસર વર્તાય. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 36 કિલોમીટર દૂર વાલિયાના ધારોલી ગામે છે. ભૂકંપ આવવાનો સમય હતો 3.40. અને ફરી કઉં છું કે સારું થયું કેટલાક લોકોએ લખ્યું નહીંતર ખબર કેમ પડેત ભૂકંપ આવીને ચાલ્યો ગયો. ભૂકંપ તો એવા નેતાજી છે જે ચૂંટણી ટાણે જ દેખાય.
‘ગોવાબાપા સાચેક આઠમાં કે સાતમાં માળે રહેવાથી કવિ બની જવાય?’
ભારતનો ફટાકડો ધડામ અને ચીનનો ફટાકડો ચૂ કરીને ફૂટે
એક મજાની વાત કઉં ચાબુક. તું જ્યારે ભારતનો ફટાકડો ફોડીશને તો ધડામ અવાજ આવશે અને ચીનનો ફટાકડો ફોડીશને તો ચૂચૂચૂ અવાજ આવશે. આવો અવાજ આવશે એટલે તુરંત ખબર પડી જશે કે તે વિદેશી ફટાકડો ફોડ્યો છે દેશી નહીં.
‘શું બોલો છો ગોવાબાપા?’
હવે તને તો ખબર કે કોરોનાના કારણે દિવાળી જેવું લાગતું નથી. રાજસ્થાન અને દિલ્હીએ તો ફટાકડા ફોડવામાંથી જ મુક્તિ લઈ લીધી છે. વાત રહી ગુજરાતની. સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એ પ્રમાણે ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ અને વેચાણ કરશે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. જોકે હાલની સ્થિતિ જોતા નથી લાગતું કે ગુજરાતમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લદાય, કારણ કે નવરાત્રિ સહિતના ઘણા તહેવારો આપણે જવા દીધા. હવે દિવાળી ઉજવવી તો પડેને. નવું વર્ષ પણ આવે. જોકે નહીં ને કોઈએ ચીનનો ફટાકડો ફોડ્યો તો ખબર કેવી રીતે પડશે કે એ ચીનનો છે? શું એ ચૂચૂચૂચૂ એમ ફૂટે છે ? ધડામ! એમ નથી ફૂટતો.
‘તમે તો એવી વાત કરો છો ગોવાબાપા જાણે તમારી ભેંસ ભેંએએએએ કરે અને ચીનની ભેંસ ચૂચૂચૂચૂ કરે.’
ગૃહમંત્રી અમિત શાહે ખોટી પ્રતિમાને હાર પહેરાવી દીધો
બંગાળમાં લોકસભાની 18 સીટ જીત્યા પછી અમિત શાહને ગમે તે ભોગે બંગાળીયો ગઢ મેળવવો છે. હવે ચાબુક અમિતભાઈથી એક મોટો ગફલો થઈ ગયો. ખૂદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ વિષયને લઈ ટ્વીટ કરી. બંગાળની પ્રથમ દિવસની મુલાકાત વખતે તેઓ બાંકુડા જિલ્લામાં ગયા. જ્યાં બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવવાનો હતો. હવે વાત એવી છે કે એ કોઈ બીજા આદિવાસી નેતાની પ્રતિમા હતી. મમતા બેનર્જીને દુખતી રગ મળી ગઈ તો એમણે ટ્વીટર થકી દાબી દીધી. ટ્વીટર પર લખ્યું છે.
Paid floral tributes to legendary tribal leader Bhagwan Birsa Munda ji in Bankura, West Bengal today.
— Amit Shah (@AmitShah) November 5, 2020
Birsa Munda ji’s life was dedicated towards the rights and upliftment of our tribal sisters & brothers. His courage, struggles and sacrifices continue to inspire all of us. pic.twitter.com/1PYgKiyDuY
એક વખત ફરીથી બહારના. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બંગાળની સંસ્કૃતિથી આટલા અનભિજ્ઞ છે કે તેમણે ખોટી મૂર્તિને માળા પહેરાવી દીધી અને બિરસા મુંડાની તસવીરને કોઈ બીજાના પગ નીચે રાખી દીધી. એ શું બંગાળનું સન્માન કરશે ?
‘Bohiragato’ are at it again!
— All India Trinamool Congress (@AITCofficial) November 6, 2020
Union Home Minister @AmitShah is so ignorant of Bengal’s culture that he insulted Bhagwan Birsa Munda by garlanding a wrong idol & placed his photo at someone else’s foot. Will he ever respect Bengal?#BengalAsksAmitShahhttps://t.co/045lw50TV2
વિચારવા જેવી વાત તો એ છે કે ચાબુક કે ગૃહમંત્રી આવવાના હતા. તો શું એમાંથી કોઈએ તપાસ ન કરી કે એ બિરસા મુંડાની પ્રતિમા નથી. અન્ય કોઈની પ્રતિમા છે. ચાલો તયે મળીએ આવતીકાલે આવી જ ખબરો સાથે.
ગોવાવાણી
એક પત્રકારે અમારા ગગજીને પૂછ્યું : ભૂકંપ આવ્યો ત્યારે ધ્રૂજારી કેવી અનુભવાય ?
ગગજી કહે : મોઢામાં દાંતણ હતું પછી હાથ હલાવવાની જરૂર ન પડી.