Homeસિનેમાવાદસદમાના કે.સોમપ્રકાશના અભિનય સુધી પહોંચવા પણ 56ની છાતી જોઈએ

સદમાના કે.સોમપ્રકાશના અભિનય સુધી પહોંચવા પણ 56ની છાતી જોઈએ

ઝાલાવાડથી જલજીરા : એ સાઉથનો કોઈ એવો સ્ટાર નથી જેની એન્ટ્રી પર સીટીઓ જ વાગે. લોકો તેનો અભિનય જોવા જાય છે. ભારતમાં કોઈ અભિનેતાને કાંચીડા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તો એ કમલ હસન છે.

કમલ હસન રજનીકાંત નથી. સ્ટીરીયોટાઈપ પ્રકારની ફિલ્મો કરવી કમલને પસંદ નથી. એ કેરેક્ટરમાં ઘુસે છે. એક પાગલની જેમ અને દર્શકને ડરાવે છે. કમલને પડદા પર વિલન બનવાની તક તેમની હીરો ઈમેજના કારણે નથી મળી. નાયક કરતાં પ્રતિનાયક બને ત્યારે ધ્રૂજાવી જાય છે. તેણે પ્લે કરેલા રોલ તેના સિવાય કોઈ પ્લે કરી શકેત કે નહીં તે ચર્ચાનો મુદ્દો ફિલ્મ ઉદ્યોગમાં રહ્યો છે.

ડબલ રોલ જેમ આરામથી પ્લે કરી શકે છે એ જ રીતે દસ રોલ પણ પ્લે કરે છે. મૂંગી ફિલ્મ પુષ્પકમાં પણ ચાર્લી ચેપ્લિન અને મિસ્ટર બીનની માફક અભિનય કરી હસાવી શકે છે. એ પણ કોઈ જાતના ઓવર એક્સપ્રેશન વગર. પ્રોડ્યુસરને ખુશ કરી શકે છે. ટિકિટબારી પર ટંકશાળા પાથરી શકે છે. સાઉથ શૈલીમાં પંચ ફટકારીએ તો, ‘‘એ રડતો હોય તો તેના પાત્ર પર દયા આવી જાય અને એ મારતો હોય તો વિલન પર દયા આવી જાય.’’

કમલ હસન ત્રણ નેશનલ એવોર્ડ જીતી ચૂક્યો છે. મુન્દરમ પિરાઈ, નાયકન અને ઈન્ડિયન. ત્રણે કલ્ટ ક્લાસિક છે. વાત તો તેના પાત્ર પ્રવેશની જ કરવી પડે. એ ડેનિયલ ડે લુઈસ કે માર્લોન બ્રાન્ડો છે.

માર્લોન બ્રાન્ડો જ તેનો આદર્શ છે. ત્રણ કલાકની એપોકેલિપ્સમાં વીસ મિનિટથી પણ ઓછા સીન માટે માર્લોન જ્યારે તાળીઓ ઉઘરાવી જાય તો તેના અભિનયમાં કેવી તાકાત હશે ?

ગોડફાધર ફિલ્મમાં ભલે તે તેની વ્યાધ્રકાયા જેટલો પડ્યો પાથર્યો નહોતો, પણ જ્યારે જ્યારે તેનો સીન આવે ત્યારે બીજા અભિનેતાઓ દેખાય નહીં. દેખાય તો બસ કપાળની નીચેના ભાગ પર હાથથી ખંજવાળતો વીટો કાર્લિએનો. કમલનું પણ એવું જ છે. એ બીજા અભિનેતાઓને સ્ક્રિન પર ઝાંખા પાડી દે છે.

સદમા ફિલ્મમાં તેને ઓળખવાથી અવગણતી શ્રીદેવીની ઝલક કરતાં કમલના ચહેરા પર તેની સ્મૃતિને ફરી જીવંત કરવા અને પોતાનો પરિચય કરાવવા માટેના જે ભાવ છે તે ઈન્ડિયન સિનેમામાં આજ સુધી કોઈ અભિનેતા નથી લાવી શક્યું. ટ્રેન સ્ટેશન પરથી જતી હોય છે ત્યારે પ્લેટફોર્મની સુંદરતા, પાછળ રહેલા વૃક્ષો, વરસાદની હેલી, પહાડી ઈવન સિલ્ક સ્મિતાની પુરૂષોને લલચાવી લટકા ઝટકા મારતી કાયા પણ તેના અભિનય સામે પાંગળી પુરવાર થાય છે.

પાત્રમાં પ્રવેશી ગયેલો કમલ હસન એ પાત્રને સ્ટેશન પર છોડીને બીજા પાત્રમાં ઘુસી ગયો. આજે તેની રિમેક બને તો પણ કયો અભિનેતા સ્ટેશન પરથી પાત્રને ઉઠાવી પોતાના શરીરમાં પ્રવેશ કરાવી, ફરી એ સીન રિક્રિએટ કરી શકે?

તેની સિદ્ધી તો એ જ કહેવાય કે 19-19 ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકેલો આ અભિનેતા 2000ની સાલમાં ફિલ્મફેરને પત્ર લખીને કહે છે કે, આગામી એક પણ ફિલ્મ માટે મને નોમિનેટ કરવામાં ન આવે. યુવા અભિનેતાઓ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા છે. એમનો અભિનય પણ સારો છે. એમને જ પુરસ્કાર આપવામાં આવે. કમલે પત્ર લખ્યો ન હોત તો 19નો આંકડો પણ ક્યાં પહોંચ્યો હોત? એ તો ફિલ્મફેર એવોર્ડની દુનિયામાં બીજો એવો અભિનેતા છે જેને સાગર ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો પણ એવોર્ડ મળ્યો અને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો પણ મળ્યો.

એવોર્ડની વાત આવે જ છે તો આ એવો અભિનેતા છે જેની ફિલ્મો સૌથી વધારે વખત ઓસ્કર સુધી પહોંચી છે. ઓસ્કરમાં તેણે કરેલું બેસ્ટ કામ જોવું હોય તો હે રામ જુઓ. કમલની એક એવી તપશ્ચર્યા કે પાત્રને તેની આંખ સામે જીવંત કરે અને પછી એ પાત્રને પોતાના શરીરમાં ઉતારી દે. શાહરૂખ ખાન પણ છે.

એ માર્લોન બ્રાન્ડો કેમ છે એ નાયકન જોયા પછી ખ્યાલ આવે. જેની હિન્દીમાં નાયક નામે નબળી આવૃતિ બની હતી, પણ કથાવસ્તુના કારણે એ સફળ રહી. વિનોદ ખન્ના અને માધુરીના તસતસતા ચુંબન સાથે હિટ ગીતો આજે પણ રીક્ષામાં વાગતા હશે. તેની ઓરીજનલ ફિલ્મમાં કમલ હસન હતો. નાયકનની ઓસ્કરમાં એન્ટ્રી થઈ હતી. નાયકનમાં એ ભારતનો માર્લોન બ્રાન્ડો થઈ ઉભર્યો હતો. જ્યારે જ્યારે એક ગેંગસ્ટરના રોલને પ્લે કરવા માટે કમલને મહેનત કરવી પડે છે ત્યારે ત્યારે તે માર્લોન બ્રાન્ડોને આંખ મીચી જુએ છે. હેપ્પી બર્થ-ડે કમલ હસન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments