કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી, એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી
પરસેવાથી રેબઝેબ એક કસાયેલું શરીર ખાટલા પર પડ્યું. તેણે હાથ વડે ગળામાં રહેલી માળાને ફગાવી દીધી. તેની છાતી ઊંચી નીચી થતી હતી. ધમણની જેમ શ્વાસોશ્વાસ ચાલી રહ્યો હતો. ખાટલા પર પડતાની સાથે જ તેને ઊંઘ આવી ગઈ. તેની બાજુમાં રહેલા બીજા શરીરે પ્રેમપૂર્વક તેનો હાથ ઝાલ્યો. એ વૈદહી હતી. શહેરનાં ધનપતિ શેઠની ધનવાન દીકરી. કોલેજનું હરતું ફરતું પતંગિયું. જેની પાછળ આખી કોલેજના છોકરાઓ દોડતા હતા. પણ આજે એ તમામ છોકરાઓના સપનાઓ પર વિજય નામનું વાવાઝોડું ફરી વળ્યું.
વૈદહી સાથે લગ્ન કરી તેને જિંદગીભરની અમૂલ્ય થાપણ બનાવવાના સપના સેવતા યુવકોની ભવિષ્યની પૂંજીને, વિજય આજ પોતાના લોકર રૂમમાં લઈ ગયો. આખી રાત તેણે વૈદહીના તન પર તનતોડ મહેનત કરી. કેસર કેરીની ચીર જેવા બે હોઠમાં રહેલો રસ ચૂંસી લીધો. પીઠથી લઈને ગળા સુધીના ભાગને અવિરત ચૂંબનોથી નવડાવી દીધું. વૈદહીનાં કાળા ભમ્મર વાળની વચ્ચે માથું રાખી તેના મોઢામાંથી નીકળતા સીસકારા સાંભળ્યા. વિજયના સ્પેશિયલ લોકર રૂમનું તાપમાન વધવા લાગ્યું. બે દેહ હાંફવા લાગ્યા. તૃપ્તીનો ઓડકાર લઈ વિજય નામનો આ પાડો આડો પડ્યો. તેનામાં વૈદહીને હજુ પ્રેમનું એક અંગ દેખાતું હતું. તેણે વિજયનો હાથ ઝાલ્યો.
વૈદહીના આ ક્રિયાકલાપની વિજયને ખબર પડી ગઈ. વૈદહીના શરીરમાં ઉઠેલા મોજા પર સર્ફિંગ કર્યા પછી તરવૈયા વિજયે પોતાનો મોબાઈલ લીધો અને લગ્ન પહેલાની સુહાગરાતને સેલ્ફીમાં મઢી દીધી. વૈદહી ફક્ત મનમાં બોલી, ‘આજ નહીં તો કાલ આ થવાનું જ હતું અને વિજય તો મારી સાથે લગ્ન કરવાનો જ છે.’
મિત્રતા કેળવ્યાના ત્રણ દિવસમાં આઈ લવ યૂ અને બીજા ત્રણ દિવસમાં સ્પેશિયલ લોકર રૂમમાં લઈ જઈ વાતાવરણ ગરમ કરવાનો શોખીન એવો વિજય ભલભલી છોકરીઓને ગગનચૂંબી સપના દેખાડતો હતો. ગળ્યા અથાણા જેવી વાતો કરતો, ફુલ ડિશ જેવી પોતાની ફેમિલી સાથે રાખવાના અવિનાશી સપના દેખાડતો, તેના પૈસે મઝા કરતો અને થાળીની બાજુમાં નવી માખી ઉડતી દેખાય કે જૂની માખીને દાળમાંથી ચૂસી ફેંકી દેવાનું રોમિયો ટાઈપ કૌવત વિજય ધરાવતો હતો. કૌવત કરતાં પણ આ તેના કોલેજ જીવન સાથે વણાઈ ગયું હતું.
ભણવામાં થોડી હોશિયારી બતાવેલી એટલે છોકરીઓ તેની હોશિયારી આગળ નતમસ્તક થઈ જતી. કોલેજમાં હાથમાં નામના ચોપડા લઈ રખડતો. ફેસબુકમાં સુવિચારો મૂકી નમણી નાર આગળ સંસ્કાર બતાવતો. થીએટરમાં દેખાતી બે ચાર જાહેરખબરમાં તેનો અવાજ આવી ગયેલો. છોકરીઓને આ વાતથી પણ પટાવી લેતો અને પછી થીએટરમાં પોતાનો દોઢ મિનિટનો અવાજ સંભળાવી દોઢ કલાકનું વટક વાળી લેતો. કોલેજમાં તેણે રીતસરનું બહારવટુ મચાવીને રાખ્યું હતું. નયન નામના છોકરાએ તો વાતો ફેલાવી રાખી હતી કે, ‘કોલેજમાં રૂપાળી કન્યાઓનાં બે વખત એડમિશન થાય છે. એક કોલેજમાં અને બીજું વિજયના સ્પેશિયલ લોકર રૂમમાં.’
શરીરસુખને એક અઠવાડિયું વિત્યું ત્યાં કોલેજમાં વૈદહીને કોઈ અજાણી યુવતીએ બોલાવી. વૈદહી માટે આ સાવ અજાણ્યું પાત્ર હતું. પણ તેનું શરીર અને તેની સુંદરતા તેના માટે ઈર્ષ્યાનું પાત્ર બની ગયા હતા.
‘યસ?’ વૈદહીએ અજાણી આ છોકરીને પૂછ્યું.
‘હું ઉર્જા.’
‘માફ કરજો હું ઓળખી નહીં.’
‘આપણે બંન્ને સોતન થઈએ!’
‘એક્સક્યુઝમી!’ વૈદહીને બે ઘડી ભૂકંપનો આંચકો અનુભવાયો.
‘નજીકમાં જ એક ગાર્ડન છે ત્યાં વાત કરીશું તો વેદના ઠાલવવાની મજા આવશે.’
ગાર્ડનમાં કોઈ ન હતું. એક બાજુ વૈદહી અને બીજી બાજુ થોડી વખત પહેલાં જ પોતાને સોતન કહી ચીડવી રહેલી ઉર્જા નામની ફટાકડી ઊભી હતી. જે સુંદરતામાં વૈદહી નામના પુષ્પને ઝાંખુ પાડી દે.
‘તો તું છો વિજયની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ.’
‘લેટેસ્ટ એટેલે ?’
‘તારી પહેલાં હું વિજયની ગર્લફ્રેન્ડ હતી.’
‘શું વાત કરે છે ? તને નહીં ખબર હોય. વિજય વૈદહી નામની રાધાનો ઘેલો કાન છે. મારી સાથે લગ્ન કરવાનો છે.’
‘આજ વાત એણે મારી સામે પણ કરેલી. હું પણ તેની વાતમાં સોયમાં દોરાની જેમ પરોવાઈ ગઈ હતી અને તારી ચાલ જોઈને લાગે છે હમણાં જ ક્યાંક…’
‘બસ હવે…’
‘ચીકણી ચીકણી વાતો કરનારા એ વિજયને તું હજુ ઓળખતી નથી વૈદહી. મારી વાતોને ક્યાર સુધી અવગણીશ ? તને કદાચ ખબર નહીં હોય. તારી અને મારી પહેલાં તે હેમાલીના હૈયાને હરખાવતો, સંગીતા માટે સૂર રેલાવતો, આકાંક્ષા માટે તારા તોડી લાવવાની વાતો કરતો, મારા માટે તો… તારા માટે પણ કરી જ હશે. શિકારને ઝડપવા માટે શિકારી જાળ પાથરે છે વૈદહી. તું હજુ એ સમજી નથી લાગતી. વિજય એક શાતિર શિકારી છે. એને દાણા નાખી ચકલીઓ ફસાવતા આવડે છે.’
‘તારી વાત હું અવગણતી નથી, હું આજે જ તેને પૂછીશ.’
‘એ તને થોડી વારમાં લપસાવી દેશે. માખણ લગાવવામાં એ માહેર છે. અભિનયનો શહેનશાહ છે. તું બસ તેને એટલું જ કહે કે આપણે કાલ લગ્ન કરવા છે. તું લગ્નનું પૂછીશ એટલે ઉંદર કેવો પીંજરે પૂરાય જાય છે તેની તને ખબર પડી જશે.’
‘ઉર્જાના ઉર્જાભરી વાણીમાં જો તસુભાર પણ સત્ય હોય તો આજે જ તેની ખાતરી કરવી રહી.’ વૈદહી મનમાં જ બોલી.
‘તારા નંબર આપ ઉર્જા. આવતીકાલ જ હું તને મારા અને વિજયના લગ્નના ફોટા મોકલીશ.’ વૈદહીના અવાજમાં આત્મવિશ્વાસ ભળ્યો અને નંબરની આપ લે થઈ.
ઉર્જાને એકલી છોડી તે ચાલી નીકળી. જોકે ઉર્જાના શબ્દો તેના કાનમાં કાનખજૂરાની જેમ ચાલ્યા ગયા હતા. એ વારંવાર તેના હ્રદય અને મનને પજવી રહ્યા હતા. વિમાસણમાંથી મુક્તિનો એક જ ઉપાય હતો અને તે વિજય સાથે વાત કરવી. ઉર્જાએ આપેલા પાંચસો વોલ્ટના કરંટના કારણે અંદરથી દાઝી ગયેલી વૈદહી રાતના વિજયના ‘લોકર’ રૂમમાં પહોંચી ગઈ.
ગઈકાલે ધરાઈને પીધી હોવા છતાં વિજયની આંખમાં હવસના સાપોલિયા રમી રહ્યા હતા. સામેથી ચાલીને આવેલા રૂપના કટકાની સામે તે કસાઈની જેમ જોવા લાગ્યો. વૈદહી તેની સામે થાંભલાની જેમ ઊભી રહી ગઈ. વિજયે શર્ટ ઉતારી નાખ્યો. તેની નજીક જવા ગયો કે વૈદહીના અવાજે તેના કાનમાં ધાક પાડી દીધી, ‘આ ઉર્જા કોણ છે? હેમાલી? સંગીતા? આકાંક્ષા…?’
‘તો ઉર્જા તારી પાસે આવી હતી. મારી ખટપટ કરવા માટે.’
‘એ ખટપટ હતી કે વરવું સત્ય ? મારા કાનમાં ગયેલા ઉર્જાના શબ્દોમાં કેટલી સત્યતા છે એ મારે માપવી છે.’
‘હા તો બોલ. તું જે બોલે એ તારા માટે કરવા હું તૈયાર છું.’
‘હું મારા પપ્પાને કહી દઈશ. તું તારા ઘરે સંદેશો મોકલી દે. આપણે કાલે જ કોર્ટમાં લગ્ન કરીએ છીએ. મને કોર્ટમાં લગ્ન જોઈએ બીજું કંઈ નહીં.’
સામે જડ બનીને ઉભેલા વિજયના શરીરમાં સંચાર થયો અને તે બોલ્યો,‘આટલી અમથી વાત. ઉર્જા, હેમાલી, આકાંક્ષા અને પેલી કોણ…? સંગીતા. ભરભરભર્યા આ જોબનો મારી આગળ પાછળ લટકા જટકા મારતા હતા. પણ મેં તારા સિવાય કોઈને ભાવ નથી આપ્યો. આ વાત હું તને કહું તો ખોટું લાગશે. સ્થિતિ ઉર્જાએ કરી મૂકી છે તો કંઈ વાંધો નહીં. ઉર્જાને તું મળી જ હોઈશ. સ્ત્રીસહજ તને તેની ઈર્ષ્યા ન થઈ? ક્ષણભર માટે પણ તને એમ ન લાગ્યું કે મારા કરતાં આ સુંદર છે, તો પણ વિજય તેની આગળ પીગળ્યો કેમ નહીં.’
વૈદહીને વિજયની વાતમાંથી સત્યતા ટપકતી દેખાઈ. એ દોડીને રડતી રડતી ખુલ્લા ડિલે ઉભેલા વિજયના શરીર સાથે વળગી ગઈ. લાલ કલરની લિપસ્ટિકમાં સજ્જ માખણના પીંડા જેવા હોઠને વિજય દાંતથી ખેંચવા લાગ્યો. વૈદહી માટે ફરી પીડા ભરી રાત પસાર થઈ.
બીજા દિવસે ગુરૂવારે કોર્ટમાં સમયસર વિજય અને વૈદહી એકબીજાના થઈ ગયા. વૈદહીએ ઉર્જાને સળગાવવા માટે ફોટો પાડીને મોકલ્યો. હનીમૂન પર સ્વિત્ઝરલેન્ડમાં ગાળેલા સુવર્ણ દિવસોની યાદોના ફોટા પણ વૈદહીએ ઉર્જાને રાખ કરવા ક્રમશ: મોકલ્યા રાખ્યા. એક બાજુ હનીમુન પર વૈદહી ચરમસુખ ભોગવી રહી હતી બીજી બાજુ ઉર્જા ચરમદુઃખ અનુભવી રહી હતી.
આ વાતને ચાર વર્ષ વિત્યા. અમદાવાદની એક પ્રતિષ્ઠિત હોટલમાં એક પુરુષની વજ્ર જેવી છાતી પર એક હરણી જેવી છોકરી માથું ઢાળીને સુતી હતી. ‘તારી ઘરવાળીને ખબર પડી ગઈ તો ?’
‘હવે એના બાપના જ પૈસે લીલાલહેર કરું છું. એ તો નોકરાણીની જેમ ઘરે કામ કરતી હશે…! મારે તો ગમે તે ભોગે વૈદહી નામની પૈસાની તિજોરી સાથે લગ્ન કરવા હતા. આ તો પેલી ઉર્જા આવી ગઈ અને મને વગર મહેનતે ખનખનિયા મળી ગયા.’
લાંબુલચક વાક્ય પૂર્ણ કરી મોબાઈલ હાથમાં લઈ તેણે છોકરી સાથે સેલ્ફી લેવા મોબાઈલ હાથમાં લીધો. કોમ્પ્યૂટરના સિક્રેટ કલેક્શન માટે અનાવૃત શરીરની સેલ્ફી ક્લિક થવાની જ હતી ત્યાં હોટલનાં રૂમનો દરવાજો ખખડ્યો.
વિજયના હાથમાં મોબાઈલ રહી ગયો. બેઉં ડરી ગયા. વિજયે અંડરવિયરમાં જ ઊભા થઈ બારણું ખોલ્યું. દરવાજો ખોલતાની સાથે જ તેના પગ તળેથી જમીન ખસી ગઈ. સામે મહિલા પોલીસ ઈન્સપેક્ટર ઊભી હતી. વિજયે ભાગવાની કોશિષ કરી પણ તે પકડાઈ ગયો. છોકરીનું મોઢું ઢાંકી હોટલમાંથી બહાર કાઢવામાં આવી. વિજયે લેડી પોલીસ ઈન્સપેક્ટર સામે કરગરીને હાથ જોડ્યા અને તેના મોઢામાંથી એક નામ સરી પડ્યું, ‘ઉર્જા…’
ઉર્જા એ બીજા ઓફિસરને હોટલના રૂમની બહાર ઉભવાનો ઓર્ડર આપ્યો અને વિજયની દાઢી ઊંચી કરતાં બોલી, ‘સાચી પીડા ભરી રાત તો આજે પસાર થશે વિજય.’
(શીર્ષક પંક્તિ મકરન્દ દવે)