Homeગુર્જર નગરીચાબુક તારે અક્ષયભાઈ પટેલનું કંઈ કામ હોય તો લીમડા હેઠે જ બેહે...

ચાબુક તારે અક્ષયભાઈ પટેલનું કંઈ કામ હોય તો લીમડા હેઠે જ બેહે છે

‘એ ગોવા બાપા, મારે અક્ષયભાઈનું વળી શું કામ તે લીમડે જાઉં? અને આજ કાં તમે લીમડા અને બાકડાંની જ વાતો કરો છો ?’

હે ચાબુક મને જેની બીક હતી એ જ થયું. હમણાં આપણે વાત નો‘તા કરતાં કે બિહારમાં ધારાસભ્ય સત્યદેવ કુશવાહ ગયા તો એમને લોકોએ સળગતા પ્રશ્ન પૂછેલા, કે તમે દસ વર્ષમાં એક વખત જ આટો મારવા આવ્યા છો. એ વખતે આપણે ચાબુક તારી માથે મારેલું.

‘મારી માથે શું મારેલું?’

હે ચાબુક… બેટા હેડિંગ મારેલું કે, ‘બિહારના ધારાસભ્ય સાથે યુવાઓએ જે કર્યું એ હવે દરેક નેતા સાથે થયું તો..’

‘તો આજ કોની હારે થયું ગોવા બાપા?’

અરે બેટા આપણા ગુજરાતના કરજણના ભાજપના લોકલાડિલા ઉમેદવાર અક્ષયભાઈ પટેલ સાથે. જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. હું ઈશુદાનભાઈ ગઢવીની VTV જોતો હતો. મતદારોએ અક્ષયભાઈને એવા સવાલ કર્યા કે, અમે તમને જીતાવેલા, પણ તમે અમારું એક પણ કામ ન કર્યું. ચૂંટાયા પછી તમે ક્યારે આવ્યા ?

‘ઓહો ગોવાબાપા આ તો તમારી સફળતા કહેવાય કે, તમે બિહાર વખતે જ ભવિષ્ય ભાખી દીધેલું, કે હવે આવું બધા નેતાઓ સાથે થાય તો… તમારી કલમ તો સાચેક અનુભવી છે બાપા.’

તું વધારે દોઢ ડાહ્યો થામાં. પેલા મને સાંભળ. અક્ષયભાઈએ તો જવાબ પણ આપ્યો કે, ‘હું તાલુકા પંચાયતની બહાર બાંકડે જ બેસુ, બહાર લીમડા નીચે જ બેસુ છું. કામ હોય ત્યારે આવો.’ હવે આપણે આપણા બે-ચાર વાંચક વર્ગને વીડિયો દેખાડી પણ દઈએ.

બીજી વાત તને કહું ચાબુક તો તું માનીશ જ નહીં. ચોમાસામાં રોડ કેવા થઈ ગયેલા ? મારી તો કમર ભાંગી ગઈ હતી. પણ હવે ચૂંટણી આવી તો એ સમસ્યામાંથી છૂટકારો મળી ગયો. વાત જાણે એવી છે કે લીંબડી બેઠકમાં મતદારોને રિઝવવા માટે રોડ લસરપટ્ટી જેવા કરી નાખ્યા છે. રાતોરાત નવા રોડ બની ગયા છે.

‘કઈ બાજુ રસ્તો બન્યો ? ગાડી લઈને જઈએ ત્યારે ઈ બાજુથી જઈએ ને.’

ચાબુક જે બાજુ બન્યો એ વિસ્તારનું નામ છે કૃષ્ણબાગ.

‘વાહ… વાહ…’

શું વાહ વાહ ? આયોજન વિનાનો આડેધડ રોડ બનાવી નાખ્યો. વેપારીઓ કહે છે, ભલે બનાવ્યો પણ પૂછવું તું તો ખરું. ચોમાસામાં પાણી ક્યાં જાહે? મારે તો ખાલી એટલું જ કહેવું છે ચાબુક, આ લોકો કામ પૂછીને કરતાં હોય તો. હવે એ જ રોડ તોડવો પડશે, તો ખર્ચો બધો સામાન્ય જનતાની માથે જ ને!

એલા ચાબુક. તને ખબર તું નાનો હતો ત્યારે નકલી નોટ લઈ હરખાતો.

‘હા ગોવા બાપા.’

બેટા હવે આવું સાચેક થઈ ગયું છે. તને તો ખબર છે કે 16 કરોડવાળી વાત પર ધારાસભ્ય પ્રતાપ દૂધાત અડી ગયા છે. 16 કરોડને એ મુકવા જ નથી માગતા. અને એટલે જ એમણે ફેસબુક પર 16 કરોડની નોટ મુકી છે.

‘ઓ બાપા… 16 કરોડની નોટ. ગોવા બાપા 16 કરોડની નોટ પ્રતાપ ભાઈ લઈ આવ્યા ક્યાંથી?’

એલા દોઢ ડાહ્યા ગ્રાફિક્સથી બની જાય, લેવા ન જાવી પડે. પ્રતાપ ભાઈએ આ પહેલા આક્ષેપ પણ કર્યો હતો કે, જે.વી.કાકડિયા 16 કરોડ રૂપિયામાં વેચાય છે. એ વિવાદ હવે ફેસબુકમાં 16 કરોડની નકલી નોટ અપલોડ કરવા સુધી પહોંચી ગયો છે.  

પ્રતાપ ભાઈ દૂથાત દ્રારા ફેસબુકમાં અપલોડ કરવામાં આવેલી 16 કરોડની નોટ.

‘ગોવા બાપા પ્રતાપભાઈને કહોને 16 કરોડની એ નકલી નોટ આપે.’

‘કાં તારે શું કરવું?’

‘આ ઓલા મગનાના લગનમાં ઉડાવીએ તો આપણા રોલા પડે ને, કે 16 કરોડની નોટ ઉડાવી.’

અને હવે વાત કરીએ વિશ્વાસઘાતની…. ચાબુક બેટા આવું બોલુંને તો મને એન્કર જેવી ફિલીંગુ આવે. હવે કોંગ્રેસે ભાજપની સામે વિશ્વાસઘાતના નામથી કેમ્પેઈન શરૂ કર્યું છે. ગુજરાતની એક જ વાત વિશ્વાસઘાતને આપશે માત. આ તો નારા જેવું થઈ ગયું. અમિતભાઈ ચાવડાએ આ કેમ્પેઈન શરૂ કરતાં કહ્યું પણ ખરું કે, ‘ભ્રષ્ટાચારના પૈસાથી ભાજપે ધારાસભ્યો ખરીદ્યા છે. કોના ફાયદા માટે રાજીનામું આપ્યું તેવા પ્રશ્નો લોકો કરી રહ્યાં છે. સરકારે ભરતી પ્રક્રિયાને મજાક બનાવી છે. 20 લાખથી વધુ યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે.’ અને પછી તો ઘણું બધું બોલ્યા.

હવે ચાબુક કાલ મજા આવશે. ચૂંટણીમાં બઘડાટી બોલાવવા હવે વિજયભાઈ આવવાના છે. આવતી કાલથી મુખ્યમંત્રી વિજયભાઈ આઠે બેઠકો પર પ્રચાર કરવા ઉતરશે. આ સાથે જ સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારી ખલબલી મચાવવાની તૈયારી ચાલી રહી છે. જોઈએ હવે આવતી કાલથી ભાજપ પ્રચારનું કેવું રણશીંગુ ફુકે છે.

(રોજ ગોવાબાપની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હળવાફુલ અને હાસ્ય-વ્યંગ-કટાક્ષથી સભર સમાચારો વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments