બોમ્બે અને પછી મુંબઈ. દેશની આર્થિક રાજધાની ખરેખર સ્વપ્નોની રાજધાની શું કામે છે તે ત્યાં ઠલવાતા રોજના એક લાખ લોકોના સપનાઓથી ખ્યાલ આવી જાય. ત્યાં એક વ્યક્તિની સાથે બે વ્યક્તિ આવે છે. એક માણસનું શરીર અને બીજું તેનું સપનું. તેની મહત્વાકાંક્ષા.
અહીં બીજા કોઈ ધંધાઓના પ્રયોજનથી નહીં પણ માત્ર અને માત્ર અભિનેતા બનવા માટે આવનારાઓની મોટી બટાલિયન હોય છે. અભિનય માટે FTII અને NSDના કોર્સ કર્યા હોય તો ગાડુ દોડી જાય તેવું માનનારું એક મોટું ટોળું છે. અહીં વાત મામકાવાદની નથી કરવાની. તેમની એક્ટિંગની ટ્રેનિંગ અમેરિકામાં થઈ હોય છે, છતાં અમેરિકાથી અભિનય કરીને આવ્યા છે એવું તેમનો અભિનય જોયા પછી લાગતું નથી.
પ્રથમ ભવાઈ હતી અને પછી નાટકો. જેના કલાકારો અભિનયનું કોઈ પણ જગ્યાએ પ્રશિક્ષણ નહોતા લેતા. અભિનય કરતાં ઘડાતા જતા અને તાલીમ મળી જતી. પણ એક્ટિંગ શીખવા માટે એક્ટિંગનો કોર્સ કરવો જરૂરી છે ? આવો પ્રશ્ન ઘણાના મગજમાં સળવળ્યા કરતો હશે. સંશોધન કરી કેટલાક અભિનેતાઓના નામની લિસ્ટ કાઢી, જેઓ હોલિવુડના છે. તેમણે એક્ટિંગનો કોર્સ જ નથી કર્યો. 16-17 વર્ષની વયે તેમણે અભ્યાસ છોડી દીધો અને મોડેલિંગમાં આવી ગયા. ત્યાંથી સ્ટ્રગલિંગ કરી અને એક્ટિંગમાં નામ બનાવી લીધું.
કોઈ કામ કરવા માટે વિવેકાનંદની થીયરી અપનાવવા જેવી છે. અમેરિકા આ માણસના ભાષણ અને તેના વિચારોની શક્તિ સામે પાણી પાણી કેવી રીતે થઈ ગયું હતું, એ તેમના આ વિધાનથી ખ્યાલ આવી જશે.
‘‘આપણે એ છીએ જેને આપણા વિચારોએ બનાવ્યા છે. જેથી એ વાતનું ધ્યાન રાખો કે તમે શું વિચારો છો. શબ્દો ગૌણ છે. એ દૂર સુધી યાત્રાઓ કરે છે. જે તમે વિચારશો તે તમે બની જશો. જો તમે ખૂદને નબળા સમજો છો, તો નબળામાં ખપી જશો. જો ખૂદને તાકતવર સમજો છો, તો તાકતવર બની જશો.’’
અને આ રીતે જ અમેરિકાના કેટલાક કલાકારો આગળ આવી ગયા. ટોમ ક્રૂઝ અભિનયનો કોઈ પણ પ્રકારનો કોર્સ કર્યા વિના ન્યૂયોર્ક ઉપડી ગયો હતો. તેના ચહેરાની જેમ તેના પર કિસ્મત મહેરબાની હતી. એક ઝાટકે તેને અભિનેતા તરીકેનો રોલ મળી ગયો. એ પણ માત્ર 6 મહિનાના સંઘર્ષમાં જ, જે મુંબઈમાં કેટલીક વખત 6 વર્ષ સુધી ચાલ્યા રાખે છે. 1990નું વર્ષ આવતા આવતા ટોમ અમેરિકામાં સૌથી વધારે ફિ લેતો અભિનેતા બની જાય છે.

બાળપણમાં પોતાની ફેમિલી સાથે વાનમાં રહેતો હતો. એક વખત વાનની ઉપર બેઠા બેઠા આ વ્યક્તિએ એક સપનું જોયું કે મારે વાનમાંથી બહાર નીકળી ફાઈવ સ્ટાર લાઈફ જીવવી છે. જેમાં મારી ચારેબાજુ લોકો ફર્યા કરે. આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે 16 વર્ષની ઉંમરે ભણતર છોડી દીધું. નાના નાના રોલ કર્યા અને પછી જ્યારે લોકોની આંખો સામે તે આવ્યો ત્યારે દર્શકો તેને એટલા માટે થીએટરની સ્ક્રિન પર જોવા જતા હતા કારણ કે તે મોઢું 360 ડિગ્રી વાકુ કરી શકતો હતો અને સંવાદથી હસાવી શકતો હતો. નામ જીમ કેરી. ધ માસ્ક.

આવું જ ધ માસ્ક ફિલ્મમાં જીમ કેરી સાથે કામ કરનારી અભિનેત્રીનું પણ છે. ભીડમાં લટાર મારતી હતી. ઓડિશન દેવા ધક્કા ખાતી હતી. એમાં જૈફ ડુનાસ નામનો ફોટોગ્રાફર તેને મળી ગયો. તેણે તેને પૂછ્યું કે તારો એજન્ટ ક્યાં? જે મારી મોડલ ગરમા ગરમ છે અને તમારી ફિલ્મમાં અભિનયથી આગ લગાવી દેશે તેવી ફાંકા ફોજદારીઓ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આગળ ફટકારતો હોય. પણ તેની પાસે કોઈ એજન્ટ નહોતો. એ બિચારી તો એકલી જ હતી. દહીંથરું મુકવું અને કાગડાનું આવવું. ડુનાસે પેલી છોકરીને પોતાનું વિઝીટીંગ કાર્ડ આપ્યું. ફોટોગ્રાફર તેનો એજન્ટ બન્યો અને તેને ચાર વર્ષ પછી માસ્ક ફિલ્મના આંગણે લાવીને રાખી દીધી. જીમ કેરીની સામે. અભિનેત્રીનું નામ છે કેમરૂન ડિયાઝ.

જ્હોની ડિપ બોલપેન વેચવાનું કામ કરતો હતો. તે કેલિફોર્નિયામાં એક સંગીતકાર બનવા માટે આવ્યો હતો. વચ્ચેના સમયમાં તેણે ટેલિમાર્કેટિંગનો પણ ધંધો કરેલ. તેનો એક મિત્ર હતો. તેણે ડિપની એક એજન્ટ સાથે મુલાકાત કરાવી. થોડા જ સમયમાં જ્હોની ડિપને પોતાની પ્રથમ ફિલ્મ અ નાઈટમેર ઓન એલ્મ સ્ટ્રીટ મળી ગઈ. એ મિત્રનું નામ નિકોલસ કેજ. ઘોસ્ટરાઈડર વાળા ભાઈ. બિચારા જ્હોનીએ પોતાના જીવનમાં ક્યારેય અભિનય નહોતો કર્યો !! આજે પાઈરટ્સ ઓફ ધ કેરેબિયનમાં તેના સિવાય કોઈની કલ્પના ન કરી શકીએ.

આઈરિસ બર્ટન એક વખત રસ્તામાં ચાલીને જતા હતા. તેમની નજર એક છોકરા પર પડી. તે અને તેનો ભાઈ પૈસા કમાવવા માટે રોડ વચ્ચે પરફોર્મ કરી રહ્યાં હતા. આઈરિસે તેમને પૈસા મળશે, પણ જાહેરખબરમાં કામ કરવું પડશે, આવી લાલચ આપી. તેમના માટે કામ કરવું એ મોટી વાત નહોતી, મોટી વાત એ હતી કે ઘર ચલાવવા પૈસા મળી રહ્યાં છે. એમાંથી એક ભાઈને હોલિવુડનો જેકપોટ લાગી ગયો. આજે તેને જોકરના જોક્વીન ફોનિક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તેની સાથે પરફોર્મન્સ આપતો હતો એ તેનો ભાઈ રિવર ફોનિક્ષ હતો. ઓસ્કર મળ્યો ત્યારે ફોનિક્ષે એક નિશાન કરી બતાવ્યું હતું. યાદ કરો. યુટ્યુબ પર જોઈ લો. તમારે ફોનિક્ષની અભિનયકળા જોવી હોય તો જોકર તો જોવી જ પણ ગ્લેડિયેટર અને ધ માસ્ટર ખાસ જોવી.

16 વર્ષની ઉંમરે નિશાળ મુકી દીધી. જાહેરખબરમાં પ્રથમ બ્રેક મળ્યો અને પછી મેથડ એક્ટિંગનો બાપ બની ગયો. ક્રિશ્ચિયન બેલ. એને અનુભવે અભિનય કરતા શીખવ્યું છે. એ 16 વર્ષની ઉંમરથી બીજા અભિનેતાઓને જોઈ તેમના જેવા ચહેરાનાં હાવભાવ કરતો હતો. આજે તે એક્ટિંગમાં બાદશાહત ભોગવે છે.

23 વર્ષની ઉંમરે બેન કિંગ્સલેએ એક્ટિંગમાં ડેબ્યુ કરેલું. પણ પછી તેમને કોઈએ ફિલ્મમાં નહોતા લીધા. તેમણે અભિનયનો કોઈ કોર્સ પણ નહોતો કર્યો. ઉપરથી તેમની ઉંચાઈ નાની. થોબડામાં કંઈ કાઢી લીધા જેવું નહીં. રોમાન્સમાં પણ ન ચાલે અને એક્શનમાં પણ ન ચાલે. બેન કોઈ ચોગઠામાં ફિટ નહોતા બેસતા. કંટાળીને એમણે 15 વર્ષનો લાંબો બ્રેક લીધો. એકધારા નાટકો જ કર્યા રાખ્યા. વચ્ચે એક એવો સમય પણ આવ્યો કે મોટી ઓફરો પણ એ ભ્રુકુટી ચડાવી એક ઝાટકે ઠુકરાવી દેતા હતા. 1982માં ગાંધીમાં અભિનય કર્યો અને તેમના અભિનયને જોઈ ઓસ્કરમાં તેમના પ્રતિદ્રંદીઓએ પણ અંદરખાને વાતો શરૂ કરી દીધેલ, ‘ખબર છે કે ઓસ્કર કોને મળવાનો છે.’

હવે એક વકિલની વાત કરીએ. મેથ્યુ એનું નામ. ટેક્સાસમાં વકિલાતનું ભણ્યો હતો. વાંચવાનો ખૂબ શોખ હતો. એક દિવસ ઓગ મેન્ડિનોની ગ્રેટેસ્ટ સેલ્સમેન ઈન ધ વર્લ્ડ ચોપડી વાંચી રહ્યો હતો. અચાનક તેને ક્લિક થયું કે મારે પણ અભિનય કરવો જોઈએ. કોઈ જગ્યાએ તેણે તાલીમની તલવાર રૂપી ધાર નહોતી કાઢી. ધક્કા ખાવા લાગ્યો અને એક દિવસ એવો પણ આવ્યો કે તેની પાસે ઓસ્કર હતો, તેની પાસે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મમાં રોલ પણ હતો. મેથ્યુ મેકકોનહે.

અને છેલ્લે એ વ્યક્તિ જેણે 17 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી. એ પણ અભિનય કરવા માટે. પાક્કા દોસ્તાર સાથે સિડની ભાગી ગયો. તેને જન્મજાત એક્ટિંગ આવડતી હતી ! રોલ મળી ગયો. એક્ટિંગનો કોર્સ કર્યા વિના. એ અભિનયમાં જે પણ કરતો પોતે જ કરતો હતો. જોકરમાં ખૂદનો મેકઅપ પણ તેણે પોતે જ કરેલો.

(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)