ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. છેલ્લા બોલ સુધી કંઈ ચોક્કસ કહી શકાતું નથી. ક્યારેક પહેલેથી જીત તરફ જતી ટીમ હારી જાય તો ક્યારેક એવું હોય કે અચાનક કોઈ ચમત્કાર થઈ જાય અને ટીમ મેચ જીતી જાય.
તમને 2016ના ટી-20 વર્લ્ડકપની ભારત-બાંગ્લાદેશની મેચ યાદ જ હશે. ભારતે છેલ્લી ઓવર સુધી લડત આપી. છેલ્લી ઓવરમાં ધોનીએ મુસ્તફિઝુર રહેમાનને રન આઉટ કરીને બાંગ્લાદેશી ક્રિકેટરોનું દિલ તોડી નાખ્યું હતું. તો બાંગ્લાદેશ સામે જ દિનેશ કાર્તિકની એ વિસ્ફોટક બેટિંગ અને છેલ્લા બોલ પર સિક્સ પણ કેમ ભૂલી શકાય ? જેણે બાંગ્લાદેશી ક્રિકેટરોનો હરખ શોકમાં પરિવર્તિત કરી દીધો હતો.
અનિશ્ચિતતાનું બીજુ સારું ઉદાહરણ છે સ્કોર બોર્ડ. ક્રિકેટમાં એક સમયે પુરી ટીમ 200 રન સુધી પહોંચવામાં હાંફી જતી. પરંતું જ્યારે વન ડે ઇન્ટરનેશનલમાં સચિને એકલા હાથે ૨૦૦ રન ફટકારી દીધા ત્યારે લોકો માની ગયા કે ક્રિકેટમાં બધું જ શક્ય છે. 2010માં વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં આ ઘટના બની હતી જે કોઈએ સપનામાં પણ ન હતી વિચારી.
આ પહેલાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું ક્યારેય નહોતું થયું. 90માં સઈદ અનવર અને સનથ જયસૂર્યા જેવા ખેલાડીઓએ ભારત સામે જ 200નો પરચો બતાવવાની કોશિશ કરેલી પણ તેઓ નિષ્ફળ ગયા હતા.
ગ્વાલિયરના કેપ્ટન રુપસિંહ મેદાન પર દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે મેચ રમાવાની હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ મેદાને ઉતરી. ધોનીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો. સચિન અને સહેવાગની બેમિસાલ જોડી.
સહેવાગ માત્ર ૧૧ રન બનાવી આઉટ થયો છતાં ૫૦ ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર હતો 401/3. આ મેચ ભારતે ૧૫૩ રને જીતી હતી. જીતનો હીરો રહ્યો હતો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર. કારણ હતું સચિન તેંડુલકરના ૧૪૭ બોલ પર 200* રન.
મેદાન પર શરુઆતથી જ સચિનની સ્ફૂર્તિ દેખાતી હતી. સહેવાગના આઉટ થયા પછી દિનેશ કાર્તિકે સચિનને સાથ અપ્યો અને સ્કોરબોર્ડ પર રનનો ઢગલો કર્યો.
સચિને આ મેચમાં 25 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકન બોલર્સ છેલ્લા બોલ સુધી વિચારતા રહ્યા કે સચિનને આઉટ કેમ કરવો? પરંતું એ શક્ય ન બન્યું. પચાસ ઓવરના અંતે સચિન અણનમ રહ્યો.
આ ઈનિંગ બાદ ક્રિકેટમાં સચિનનું કદ બેવડું થઈ ગયું હતું. તો અન્ય ખેલાડીઓને પણ સચિનના રેકોર્ડ સુધી પહોંચવાનો જુસ્સો ચઢ્યો હતો.
અત્યાર સુધી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ ૬ ખેલાડીઓ જ 200ના આંકડા સુધી કે તેનાથી વધુ રન ફટકારી શકયા છે. નવાઈની વાત એ છે કે આ ૬ ખેલાડીઓમાં ૩ ભારતીય ખેલાડીઓ છે. સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહીત શર્મા.
આનાથી પણ આશ્ચર્યજનક વાત છે ‘શર્માજી કે લડકે ને’ આ કામ ત્રણ વખત કરી નાખ્યું છે. સ્ટ્રાઈક રેટમાં પણ રોહીતનો જવાબ નથી. શ્રીલંકન ટીમ સામે આ ખેલાડી ૧૫૨.૬૦ની સ્ટ્રાઈકરેટથી ૨૬૪ રન ફટકારી ચુક્યો છે. એટલે કે વન ડે ક્રિકેટના ઈતિહાસમાં રોહીત એકમાત્ર ખેલાડી છે જે ૨૫૦ના આંકડાને પાર કરી ચુક્યો છે.
હવે એક દિવસીય ક્રિકેટમાં કોઈ ખેલાડી માટે ૨૬૪નો રેકોર્ડ તોડવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે ક્રિકેટમાં કંઈ અશક્ય નથી. બાકીના ૩ ખેલાડીઓ વિદેશી છે. એક છગ્ગાઓનો બાદશાહ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનો હીરો ક્રિસ ગેઈલ, બીજો ન્યૂઝિલેન્ડનો માર્ટીન ગુપ્ટીલ અને ત્રીજો પાકિસ્તાનનો ફખર ઝમાન.
ક્યા વર્ષે કોણે 200 રન ફટકાર્યા
24 ફેબ્રુઆરી 2010 સચિન તેંડુલકરે ગ્વાલિયરના કેપ્ટન રુપસિંહ મેદાન પર સાઉથ આફ્રિકા સામે 147 બોલમાં 200* રન ફટકાર્યા. ઈનિંગના અંતે સચિનના ખાતામાં 25 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. સચિનની સ્ટ્રાઈકરેટ હતી 136.05
8 ડિસેમ્બર 2011 વિરેન્દ્ર સેહવાગે વેસ્ટ ઇન્ડીઝ સામે 149 બોલમાં 219 રન બનાવ્યા. મેદાન હતું કોલકાતાનું હોલ્કર સ્ટેડિયમ. સ્ટ્રાઈકરેટ હતી 146થી વધુની. સહેવાગે આ મેચમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
2 નવેમ્બર 2013, બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોહીત શર્માએ ઓસ્ટ્રેલિયાના બોલર્સને ધોળા દિવસે તારા બતાવ્યા. રોહીતે 158 બોલમાં 209 રન ફટકાર્યા. આ મેચમાં ચોગ્ગા કરતા રોહીતના ખાતામાં છગ્ગા વધુ હતા. ‘હીટમેને’ મેચમાં 16 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.
નવેમ્બર 2014માં શ્રીલંકન ટીમ સામે રોહીત શર્માએ 172 બોલમાં 264 રન ફટકાર્યા. મેચમાં શર્માજીના છોકરાએ 33 ચોગ્ગા અને 9 છગ્ગા લગાવ્યા. આ મેચમાં રોહીતની સ્ટ્રાઈકરેટ 152.60 હતી. ગ્રાઉન્ડ હતું કોલકાતાનું ઈડન ગાર્ડન.
24 ફેબ્રુઆરી 2015 ક્રિસ ગેઈલે ઝિમ્બાબ્વે સામે 216 રન ફટકાર્યા. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં આ મુકાબલો થયો હતો. મેચમાં ગેઈલે 16 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. ગેઈલની સ્ટ્રાઈકરેટ 146.25 હતી
21 માર્ચ 2015માં ન્યૂઝિલેન્ડના માર્ટીન ગુપ્ટીલે વિલિંગ્ટન રિજનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે અણનમ 237 રન ફટકાર્યા. ગુપ્ટીલ 145ની સ્ટ્રાઈકરેટથી રમ્યો. ઈનિંગના અંતે ગુપ્ટીલના ખાતામાં 24 ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ હતા. ન્યૂઝિલેન્ડનો કુલ સ્કોર 393 રન હતો. 143 રને ન્યૂઝિલેન્ડે આ મેચ જીતી લીધી હતી.
13 ડિસેમ્બર 2017માં ફરી રોહીત શર્માએ શ્રીલંકા સામે મોહાલીનાં મેદાનમાં અણનમ 208 રન ફટકાર્યા. 153 બોલમાં 13 ચોગ્ગા અને 12 છગ્ગા સાથે રોહીતે આ સિધ્ધિ હાંસલ કરી. 135.94 રોહીતની સ્ટ્રાઈકરેટ હતી. 141 રને ભારતીય ટીમે આ મેચ જીતી લીધી હતી.
20 જુલાઈ 2018માં પાકિસ્તાની ખેલાડી ફખર ઝમાને ઝિમ્બાબ્વે સામે ઝિમ્બાબ્વેની ધરતી પર જ અણનમ 218 રન બનાવ્યા. મેચમાં ફખર ઝમાનની સ્ટ્રાઈકરેટ 134.62ની હતી. પાકિસ્તાને 1 વિકેટે ૩૯૯ રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 155 રન જ બનાવી શક્યું હતું. 254 રનથી પાકિસ્તાને મેચ જીતેલી.
આમ, આ છ ખેલાડીઓએ 200 રન ફટકારી રેકોર્ડ બનાવી દીધો છે. હવે 200 રનના આ મુશ્કેલ આંકડા સુધી ૭મો ખેલાડી કોણ બને છે તે તો આવનારો સમય જ કહેશે. કેમ કે બેવડી સદી કે તેની આસપાસ પણ પહોંચવું ખરેખર પાસા પોબારા પાડવા જેવું કામ છે. ફિટનેસની સાથે આ સિધ્ધિ હાંસલ કરવા માટે અનુભવ પણ એટલો જ જરુરી છે.