‘ગોવા બાપા શું થ્યું આમ ઉદાસ કાં લાગો ?’
કંઈ નહીં ચાબુક, આ નરેશભાઈ વયા ગ્યાને એમાં. હું એમની ફિલ્મો ખૂબ જોતો. દૂરદર્શનમાં આવતી. એ ટાણે તો આવી કંઈ મશીનરી નહીં. યુટુબ જેવું કે, ફટ દેખાની ફિલ્મુ ચાલું. મહેશભાઈ ગયા તેનું દુ:ખ હતું, પણ હવે એ દુ:ખ બેવડાઈ ગ્યું છે. મારાથી તો જીરવાતું નથી. એમાંય આ જલજીરો પાછા નરેશભાઈના લાંબા લાંબા લેખ લખે. આજે તો મેં બે પત્રકારોને જગમાલની દુકાને બોલતા સાંભળેલા કે,‘આ ચાબુકવાળાવ પાસેથી નરેશભાઈની આવી બધી માહિતી કેમ આવી જાય છે ?’
‘તમે શું કીધું?’
‘રોબોટુ બેસાઈડા છે!! હાલો હવે આપણે ગુજરાત બાજુ જઈએ. તો પ્રથમ વાત આવે છે ગઢ જૂનો ગિરનારની એટલે કે જૂનાગઢની.’
‘રોપ-વે તો આપ્યો હવે શું છે ન્યાં?’
એ જ તો મોટી માથાકૂટ છે. આખા વિશ્વમાં જૂનાગઢ એક એવું શહેર છે. જેની પાસે એશિયામાં ડંકા વગાડતો રોપ વે છે પણ સારા રોડ નથી. ઘણા લોકોની ફરિયાદો છે કે રોપ વે લઈ આવ્યા એમાં અમને કંઈ વાંધો નથી. એ સારું જ કામ છે, પણ રોડ તો સારા કરો. ચોમાસામાં તો વંથલી બાજુના રોડ એવા હતા કે કમરને થઈ જાતું કે, આનાં કરતાં તો શરીરમાં ન હોય એ સારું.
આ રમણભાઈ ગઈકાલ કહેતા નહોતા કે કોંગ્રેસવાળાવને અમે રૂપિયા દેતા નથી. જે હોય તે પણ હવે વાત એવી છે ચાબુક કે, મારી પાસે આવેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે અત્યારે તો રોપ વેનાં 600 જેટલા ભાવ હાલે છે. જે દિવાળી સુધી ચાલશે, પણ પછી GST લાગશે ત્યારે શું થાશે ?
ઘણા તો એમ કહે છે કે પાવાગઢનો રોપવે આનાં કરતાં સસ્તો છે. લંબાઈ માપો તો પણ આટલા બધા રૂપિયા થાય જ નહીં. ઘણા એમ કે છે કે પ્લેન લઈને ઉડાડ્યું હોય તો પાઈલટ પણ આટલું ભાડુ ન લે. ધારાસભ્ય ભીખાભાઈ જોષી પછી હવે મેયર ધીરુભાઈ ગોહિલે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ભાડું થોડું ખિસ્સાને પરવડે એવું કરવાનું કહ્યું છે.
હવે આપણી ગુજરાતની જનતા રીક્ષાનું દસ ભાડુ હોય તો એમાંય પાંચમાં બેસવાની ધડ કરે, એ આમા માનશે? જે હોય એ, હવે છેલ્લો ફેંસલો તો સરકારે જ કરવાનો છે કે, આટલું ભાડુ રાખવું કે ન રાખવું. બાકી જવાનિયાવના ટાંટીયા સાજા છે તો એણે તો પગેથી જ ચડાઈ. એના જેવી મજા એકેય નહીં. એને અડધે પહોંચીને જોરથી બોલીએ, ‘જય ગિરનારી.’ એ મોજને આ રોપવે થોડું પહોંચે. હાલ હવે આગલો રોપ વે…. એ માફી બાપા, હવે આગલા સમાચાર પર જઈએ.
કાશ્મીર મેં જમીન લે લો…
હવે ચાબુક આજથી કાયદો સૂચિત થઈ ગયો છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે. જોકે ખેતીની જમીન ખરીદવા પર હમણાં રોક લગાવવામાં આવી છે, હાલ તો ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ હશે. બહારનાં લોકો માટે નહીં.
ચૂંટણીનો તમામ ખર્ચ પક્ષપલટુઓ પાસેથી લો
હવે પેટાચૂંટણીને લઈ કોઈ અરજીકર્તાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. એ ભાઈનો મુદ્દો બરાબર છે. એ કહે છે કે, ચૂંટણીનો તમામ ખર્ચ પક્ષપલટુઓ પાસેથી લેવો જોઈએ. એ કહે છે કે ધારાસભ્યો પક્ષપલટો કરે છે, પછી અન્ય પક્ષની ટિકિટ પર ચૂંટણી લડે છે. આવા લોકો પાસેથી જ ચૂંટણી ખર્ચને વસૂલવો જોઈએ.
‘આવો જો કાયદો આવી જાયને ગોવા બાપા તો તો કોઈ પક્ષ બદલે જ નહીં હો.’
સોનિયાજી નહીં કરે પ્રચાર
હવે વાત બિહારથી. અહીં સોનિયા ગાંધી પ્રચાર કરવાના નથી. એમનો આ વીડિયો સંદેશ રાહુલ ગાંધીએ જાહેર કર્યો. તને તો ખબર છે ચાબુક કે સોનિયા ગાંધીની હમણાં તબિયત પણ નાદુરુસ્ત રહે છે. જેથી તેઓ પ્રચાર નહીં કરે પણ તેમણે બિહાર માટે જે વાત કરી તેમાં મજા ન આવી.
‘કેમ શું થયું ?’
એકની એક વાત કરે છે. એમના ભાષણમાં કંઈ નવું નથી. હવે કયા કયા મુદ્દાઓ છે એ હું તારી સમક્ષ મુકુ છું.
- બિહાર સરકાર સત્તાના અહંકારમાં ડુબેલી છે
- બિહાર સરકારની કથની અને કરણી સારી નથી
- મજદૂર આજે મજબૂર અને ખેડૂત મુશ્કેલીમાં છે
- નૌજવાન આજે નિરાશ છે
- નોટબંધી, તાળબંધી, વેપારબંધી, આર્થિકબંધી, રોટી-રોજગાર બંધી કરવામાં આવી છે.
- નવા બિહારના નિર્માણ માટે બિહારની જનતા તૈયાર છે
ચપ્પલ કાંડ
હવે ગઈકાલે તને ખબર છેને કે, નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ફજેતી તો થઈ જ હતી. હવે કોંગ્રેસના નેતાઓના કટાક્ષયુક્ત નિવેદનો આવી રહ્યા છે. પરેશભાઈ ધાનાણી કહે છે, ચપ્પલ ફેંકવાની નવી ફેશન આવી છે. ચપ્પલ ફેંકી ને નહીં પરંતુ મતથી જવાબ આપો. ચૂંટણી આવતા લુખ્ખા તત્વોને જેલમાંથી બહાર કાઢી તેમનો ચૂંટણી જીતવા ઉપયોગ કરાય છે. ત્યાં ગઢડામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવા મુદ્દે કહ્યું કે, કોંગ્રેસમાંથી લઈ ગયેલા લોકોને ટિકિટ આપવાના કારણે પાર્ટીમાં જેમનામાં અસંતોષ છે તેમણે જ આ કૃત્ય કર્યું હશે.
મને તો એ ખબર નથી પડતી ચાબુક કે, આટલા બધા લોકો હતા. પત્રકારો પણ હતા. ઉપ-મુખ્યમંત્રી હોય એટલે પોલીસ પણ હોય, તો પણ એક જણો ચપ્પલ ફેંકી ગયો? આને આપણે કઈ રીતે જોવું તું કે મને ? મને તો કાલની ઉંઘ જ નથી આવતી કે નીતિનભાઈ જેવા માણસ. ઉપરથી ઉપમુખ્યમંત્રી અને ત્યાં સુધી એક જણો પોગી ગ્યો ?
શંકરસિંહ ભાજપની ‘‘B’’ ટીમમાં
આમ તો કોઈ જગ્યાએ ચિત્રમાં શંકરસિંહ વાઘેલા નથી દેખાતા, પણ હવે એમને ચિત્રમાં લાવવાનું કામ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખે કર્યું છે. હવે બાપુએ ઉતાર્યા ચાર બેઠક પર ઉમેદવાર એટલે ગ્યાસુદ્દીનભાઈએ એવો તર્ક વહેતો કર્યો કે બાપુ ભાજપની B ટીમ વતી કામ કરે છે. કોંગ્રેસના મત તોડવા માટે તેઓ મેદાનમાં ઉતર્યા છે. એમ પણ કહ્યું ચાબુક કે, અબડાસામાં તો બાપુ ભાજપના બુથ એજન્ટ બની કામ કરે છે.
જે હોય એ ચાબુક પણ તારે અને મારે શંકરસિંહ બાપુ પાસેથી એક વાત શીખવાની છે કે, ઉંમર ભલે ગમે એટલી હોય, કસરત કરતી રહેવાની. શંકરસિંહ બાપુના ફેસબુક પર જાય એટલે એમણે કોરોનાને કેવી રીતે હરાવ્યો એ જાણવા મળી જાશે. સ્ફૂર્તિલુ શરીર.
‘શંકરસિંહ બાપુએ કાંઈ કીધું ગોવા બાપા?’
બાપુએ કહ્યું કે, કોઈ મત કુહાડીથી નથી તૂટતા, બાકી આક્ષેપ કરનારાઓને અમે ભૂતકાળમાં ધારાસભ્ય બનાવ્યાના દાખલા છે.
ધારાસભ્યો વેચાણા કેટલા રૂપિયામાં ?
ડાંગમાં હાર્દિકભાઈ પટેલે સભા સંબોધી. એમાં એ કાંઈક આંકડો વધારે બોલી ગ્યા એવું મને લાગે છે. એમણે કહ્યું કે, ધારાસભ્યો તો 25 કરોડમાં વેચાયા. સાથે એ પણ કીધું કે આવા લોકોને જવાબ આપો. હવે ચાબુક મને તો એ ખબર નથી પડતી કે આ લોકો વેચાણા છે કેટલા રૂપિયામાં ? હર વખતે મારે નેતાઓનાં કારણે ખોટા આંકડા લખાય છે.
મોરબીમાં આ શું ?
મોરબીમાં તો કોંગ્રેસે ખતરનાક પ્રચાર કર્યો ચાબુક.
‘શું કર્યું ગોવા બાપા?’
બેટા ચાબુક મોંઘવારીને ֹ‘વીર’ બનાવી કોંગ્રેસે રેકડી પર ચડાવી. તેલના ડબ્બા, ડુંગળી અને બટાટાને લારીએ ચડાવી પ્રચાર કર્યો. જનતાને સંદેશ આપ્યો કે મોંઘવારી વધી ગઈ છે. તો બેટા આજે રાજકારણના આટલા સમાચાર હતા. તારું ડાચુ જોઈ મને લાગે તારે કંઈક બોલવું છે.
‘હાલો તયે નોકરી પૂરી થઈ. આજે રાતે ગોવા બાપા નરેશભાઈનું રાજ રાજવણ પિક્ચર હારે જોઈએ?’
‘તે તો મારા દલડાની વાત કહી દીધી ચાબુક.’