Homeદે ઘુમા કેશોએબ અખ્તરની પીટાઈ કર્યા પછી રાતે એક ચાઈનીઝ રેસ્ટોરાં પર સચિનનો શ્વાસ...

શોએબ અખ્તરની પીટાઈ કર્યા પછી રાતે એક ચાઈનીઝ રેસ્ટોરાં પર સચિનનો શ્વાસ અદ્ધર થઈ ગયો

ગણતરી કરી લો. 1990 પછી જન્મનારા બાળકો. તેમના માટે 2003નો વિશ્વકપ અમૃતનો પ્યાલો હતો. દુકાને દુકાને રખડતા અને શોધતા કે ક્રિકેટના વિશ્વકપનું સમયપત્રક મળી જાય. આજે ઈન્ટરનેટના જમાનામાં એ માથાપચ્ચીસી કોણ કરે? મહેનત વિનાનું જીવન થઈ ગયું. વારંવાર સમયપત્રક લેવા માટે આવતા તો ગાળો પણ પડતી. જેમની ઘરે અખબાર આવતું હોય તે સ્પોર્ટ્સનું પાનું સાચવીને રાખતા. દિવાલ પર પાંચ રૂપિયાના ગુંદરથી ચોંટાડી દેતા કે આજે કોનો મેચ છે તેની ખબર પડી જાય. વર્ષો બાદ એ કાગળને ઉખેડીએ, તો દિવાલની સાથે ચોંટેલ પોપડા નહીં ટાબરિયાવૃતિનો નટખટ ઈતિહાસ ઉખડે.

પ્રથમ મેચ યજમાન ટીમ આફ્રિકા અને બ્રાયન લારાની વિન્ડીઝ ફોજની હતી. શોન પોલકને ત્યારે પહેલી વખત જોયેલો અને ધીમે ધીમે વિશ્વકપ તેની ચરમસીમાએ હતો. દેશભરમાં કોઈ પ્રધાનમંત્રીના આદેશ વિના લોકડાઉન લાગી ગયું. કારણ ? ભારત સામે પાકિસ્તાન હતું.

મેચના અઠવાડિયા પહેલા જ અખબારી પત્રકારો ગરમા ગરમ સમાચાર રજૂ કરવા લાગ્યા હતા. ઈલેક્ટ્રોનિક મીડિયાનું એટલું વર્ચસ્વ નહોતું. એ અખબાર ગુજરાતીઓ માટે એટલું ગરમ હતું કે, જાણે તાજા ગાંઠીયાનો ઘાણવો ઉતારી પીરસવામાં આવ્યો હોય! શોએબ અખ્તરે અગ્નિની સાક્ષીએ પ્રણ લઈ રાખેલું હતું કે હું સચિનને આઉટ કરીશ.

જેમના ઘરે ટીવી નહોતું તેઓ ઓલરેડી ટીવી હોય ત્યાં પોતાની હાજરી બુક કરવા લાગેલા. બુકિંગ ન થતું ત્યારે નિરાશા તેમના મોઢા પર ઘેરાયેલી દેખાતી. એ સમયનું ભારત ટીવી માટે વલખા મારતું હતું. આજની જેમ મોબાઈલ નહોતા. બસ સચિનની બેટીંગ જોવા મળી જાય એ જ આશા અને અરમાન.  

સેન્ચુરીયનના મેદાન પર કેપ્ટન સૌરવ ગાંગુલી. ટોસ ઉછળ્યો અને પ્રથમ દાવ પાકિસ્તાનનો. પાકિસ્તાને ટોસ જીતી લીધો હતો. સામે મહારથી હતો. સઈદ અનવર. જેણે પોતાનો હાઈ સ્કોર 194 રન પણ ભારત સામે જ કર્યો હતો. આ મેચમાં પણ વધેલી દાઢી ધરાવતો સઈદ 101 રન મારી આઉટ થયો. એ મેચ તેની છેલ્લી મેચ હતી. પાકિસ્તાનની ટીમે 273 રનનો ટાર્ગેટ આપ્યો. જે એ સમય પ્રમાણે એક મોટો સ્કોર કહેવાય, કારણ કે હવે બોલિંગ આક્રમણ પણ ચક્રવ્યૂહ જેવું આવવાનું હતું.

વસીમ અક્રમ, વકાર યુનસ, શોએબ અખ્તર સહિતની વિશ્વકપની બેજોડ બોલિંગ બટાલીયન. 273 રનનો સ્કોર જોતા સૌરવ ગાંગુલી સચિન પાસે આવ્યા અને કહ્યું, ‘આપણે બધાએ એક મીટીંગ કરવાની જરૂર છે.’

સચિને કહ્યું, ‘કોઈ જરૂર નથી. આપણે બધા જાણીએ છીએ કે આપણે શું કરવાની જરૂર છે.’

સચિને પોતાની આત્મકથા Playing It My Wayમાં લખ્યું છે, ‘હું બીજી ઈનિંગની શરૂઆતમાં કોઈ સાથે કશું ન બોલ્યો. વધારેમાં વધારે સમય મેં હેડફોન મારા કાન પર રાખ્યા અને સંગીત સાંભળીને ખૂદને માનસિકતામાં લાવવાનો પ્રયત્ન કર્યો. શક્તિ મેળવવા માટે મેં એક આઈસક્રીમનો કપ અને એક કેળું ખાધું. એક ખેલાડીને મેં કહી દીધું હતું કે, જ્યારે અમ્પાયર મેદાનમાં પહોંચે મને જણાવી દે. એ પોતાની જગ્યામાં પહોંચી ગયા અને મેં મારું બેટ ઉઠાવ્યું.’

સેન્ચુરીયનનું ગ્રાઊન્ડ અગ્નિવર્ષા કરી રહ્યું હતું. આફ્રિકા અંધારિયો ખંડ એમ નેમ તો નથી કહેવાતો. પ્રેક્ષકો ચીચીયારીઓ કરી રહ્યા હતા. સરહદ પર ચાંપતી નજર અને સુરક્ષા રાખવામાં આવી હતી. ત્રણ વર્ષ પહેલા જ કારગિલ યુદ્ધ થયું હતું.

તમામ મેચોમાં સહેવાગ ઓપન કરે છે, પણ સચિને તેને કહ્યું કે, પહેલો બોલ હું રમીશ. સાથે સહેવાગને એમ પણ કહી દીધું કે, રક્ષાત્મક રણનીતિ બનાવીને રમવાની જરૂર છે. શરૂઆતમાં ઘાતક બોલર્સ શોએબ અખ્તર, વસીમ અક્રમ અને વકાર યુનસ મોટું નુકસાન કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

સચિનની વાત સાંભળી પ્રથમ રક્ષણાત્મક પ્રયોગ કરવાનું ઓપનિંગ બેટ્સમેનોએ નક્કી કર્યું, પણ એવું થયું નહીં. સચિને જે કહ્યું તે બોલીને ન પાડી શક્યો. તેણે વસીમની પહેલી ઓવરમાં જ ચોગ્ગો ફટકારી દીધો.

સામે તોડફોડ બેટ્સમેન સહેવાગ પણ ચકિત્ત કે, હમણાં તો ધીમે રમવાની વાત થઈ હતી. બીજા બોલ પર સચિને એક રન લીધો. સ્ટ્રાઈક પર સહેવાગ હતો. એણે પણ સચિનની કહી વાતને આ કાને સાંભળી અને આ કાને કાઢી નાખતા ચોગ્ગો ફટકારી દીધો.

મોટાભાગે વસીમ બાદ વકાર આવે છે, પણ સચિન હોવાના કારણે શોએબને બોલની ફાળવણી કરાઈ. હવે ક્રિકેટ ઈતિહાસનું સૌથી મોટું યુદ્ધ શરૂ થવાનું હતું. પ્રથમ બોલ વાઈડ ફેંકાયો. બીજા બોલનો સામનો ખૂદનો બચાવ કરવા માટે કર્યો અને ત્રીજા બોલ પર એક રન લેવામાં આવ્યો. પછીના બોલે સહેવાગની સ્ટ્રાઈક હતી. તેના બોલમાં પણ વાઈડ ફેંકાયો અને એક રન લેવામાં સચિન સહેવાગને ક્રિઝ પર કામિયાબી મળી.

એક રન પછી બોલ શોર્ટ અને વાઈડ પડ્યો. સચિને બોલને પહેલાથી માપી લીધો હતો. સચિને તેને થર્ડ મેન ઉપરથી રમવાનું નક્કી કરી લીધું. શોર્ટ બોલ કરવાના પ્રયત્નમાં, શોએબે બોલને સ્ટમ્પ પર સારી લેન્થમાં નાખવાની કોશિષ કરી. સચિને સ્ટમ્પથી આગળ વધી સ્ક્વેર લેગની પાછળથી ચાર રન માટે ફ્લિક કરી દીધો.

પછી શરૂઆતમાં લેવાયેલો નિર્ણય આફ્રિકાના ગામના પાદરે છોડ્યો અને આક્રમણની પોઝીશન પર આવી ગયા. શોએબની એક ઓવરમાં 18 રન આવી ગયા હતા. હવે સચિનનું પલડુ ભારે હતું. પાકિસ્તાનની ટીમ દબાણમાં હતી. શોએબને આરામ આપવાનું નક્કી થયું અને બોલિંગ વકાર યુનસના હાથમાં આવી.

સહેવાગે યુનસની પહેલી બોલમાં જ છગ્ગો ફટકારી દીધો. અંગ્રેજીમાં બોલવાની જગ્યાએ સચિન અને સહેવાગ હિન્દીમાં વાર્તાલાપ કરતાં હતા. જેથી પાકિસ્તાનના ખેલાડીઓ પણ સમજી શકે. વકારની છેલ્લી બોલમાં પણ સચિને ચોગ્ગો ફટકાર્યો અને હવે મેદાન ગરમ થઈ ગયું હતું. ફક્ત 5 ઓવરમાં 50 રન થઈ ગયા.

એ પચાસ રન કર્યા પછી સચિનને જીત નજીક લાગતી હતી ત્યાં વકાર યુનસે એક જ ઓવરમાં બે વિકેટ લઈ લીધી. સહેવાગ અને પછી સૌરવ ગાંગુલી. સચિનનો સાથ મહોમ્મદ કૈફે આપ્યો. 50 રન પૂર્ણ થતાં થતાં તેંડુલકરની 150થી વધારેની રનરેટ હતી.

સચિને આ ઉત્સાહને શબ્દોમાં આ રીતે વર્ણવ્યો છે, ‘‘આ સૌથી સારી ઈનિંગંમાંથી એક હતી. કારણ કે અમે ખૂબ જ દબાણમાં હતા. જોર જોરથી અવાજ કરતી ભીડ ઊભા થઈને તાળીઓ વગાડી રહી હતી. રમતના સૌથી મોટા મંચ પર મારા હેલમેટ પર તિરંગાને લગાવવું અને દેશના સૌથી પ્રમુખ વિરોધીની સામે રમવું અને એક અરબ દર્શકો દ્રારા જોવાવું – હું વધારે શું ઈચ્છા રાખી શકું.’’

સ્કોર 70 પાસે પહોંચ્યો અને સચિનને શરીરમાં પીડા થવા લાગી. રનરનું કહ્યું પણ તેણે ના પાડી દીધી. સચિને કહ્યું છે, ‘જ્યારે કોઈ બીજો મારા તરફથી દોડે છે ત્યારે હું મૂંઝવણમાં મૂકાઈ જાઉં છું.’ આખરે શોએબની બોલ પર જ 98 રન પર સચિન આઊટ થઈ ગયો. ભારત મેચ જીતી ગયું અને સચિન મેન ઓફ ધ મેચ બન્યો.

અડધી રાત્રે ટીમે બહાર જઈ ભોજન લેવાનું નક્કી કર્યું. સચિનનું પ્રિય ભોજન ચાઈનીઝ છે. રસ્તામાં એક દુકાન હતી. સચિનના મિત્ર સુનીલ હર્શે અને સંજય નારંગ પણ આવ્યા હતા. જે ભારતની ટીમનો ઉત્સાહ વધારવા માટે આફ્રિકા આવેલા. સચિને તેમને મેન ઓફ મેચમાં જીતેલી ઘડિયાળ આપતા કહ્યું, ‘આને મુંબઈ લઈ જાઓ.’

થોડા સમય પછી સંજયે રસ્તામાં કહ્યું કે, કદાચ ઘડિયાળ ચાઈનીઝ સ્ટોર પર રહી ગઈ છે. તુરંત બધા દોડીને ગયા. સચિનનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. તેઓ ત્યાં ગયા અને એક વૃદ્ધ ડોશીએ તેમને બેગ આપી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments