સુષ્મા સ્વરાજની ગણના ભાજપના વરિષ્ઠ નેતાઓમાં કરવામાં આવતી હતી. વિદેશ પ્રધાન તરીકે તેમનું નામ તેમની કામગીરીના કારણે બહુ જાણીતું બન્યું. તેઓ સમસ્યાઓનો સીધો જ નિકાલ કરતા. તેમનું વ્યક્તિત્વ બહુ વિશાળ હતું. ઉમદા સ્વભાવના કારણે તેઓ કરોડો લોકોના દિલમાં રાજ કરતા.
સુષ્મા સ્વરાજના જીવનની એક એવી વાત છે જે વાંચીને તમે કહેશો કે જો ખરેખર આવું થયું હોત તો સુષ્મા સ્વરાજ દેશના પ્રધાનમંત્રી હોત. જૂજ લોકોને ખબર હશે કે સુષ્મા સ્વરાજે ખુદ એકવાર આડકતરી રીતે પ્રધાનમંત્રી પદ માટે દાવેદારી પણ નોંધાવી દીધી હતી.
2014માં લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું હતું. લોકોને એંધાણ મળી ગયા હતા કે કોંગ્રેસની સત્તા જવાની છે. બીજી તરફ ભાજપ પ્રધાનમંત્રી પદ માટેના મજબૂત ઉમેદવારને શોધી રહી હતી.
પ્રધાનમંત્રી પદ માટે લાલ કૃષ્ણ અડવાણીનું નામ મોખરે હતું. તેઓ ભાજપના સૌથી વરિષ્ઠ નેતા હતા. 2009માં ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પણ રહી ચુક્યા હતા.
લાલ કૃષ્ણ અડવાણી ઉપરાંત પ્રધાનમંત્રી પદ માટે અન્ય બે નામ પણ સામેલ હતા. એક મુરલી મનોહર જોષી અને બીજા સુષ્મા સ્વરાજ.
2004થી 2009 સુધી લોકસભામાં લાલ કૃષ્ણ અડવાણી વિપક્ષના નેતા હતા. ભારતમાં બ્રિટિશકાળની વેસ્ટમિન્સ્ટર સંસદીય પરંપરા લાગુ પડે છે. એટલે સંસદમાં વિપક્ષના નેતાનું નામ પ્રધાનમંત્રી પદ માટે આપમેળે આગળ આવે છે.
આમ, લાલ કૃષ્ણ અડવાણી પ્રધાનમંત્રી પદના મજબૂત દાવેદાર હતા. પરંતુ ભાજપ 2009માં ચૂંટણી હારી ગઈ. UPA સરકાર ફરી સત્તામાં આવી. હવે કોંગ્રેસની બીજી ટર્મમાં લાલ કૃષ્ણ અડવાણી નહીં પણ આ વખતે સુષ્મા સ્વરાજ વિપક્ષના નેતા હતા.
UPA શાસનના પાંચ વર્ષ પૂરા થયા. વર્ષ આવ્યું 2014. હવે ભાજપ કોઈ પણ ભોગે ચૂંટણી જીતવાના મૂડમાં હતી. સામાન્ય રીતે સુષ્મા સ્વરાજનું નામ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે આવવું જોઈએ. પરંતુ ઉમેદવારના નામની જાહેરાત ન થઈ. ભાજપ શા માટે પોતાના કાર્ડ છુપાવી રહી હતી તે મીડિયા કે કોઈ અન્ય રાજકીય પક્ષ ન જાણી શક્યો.
આ દરમિયાન જ પત્રકાર પરીષદ યોજાઈ. પત્રકાર પરિષદમાં હતા સુષ્મા સ્વરાજ. થોડા સવાલ-જવાબ બાદ એક પત્રકારે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકેનો સવાલ પૂછી લીધો.
પત્રકારોમાંથી અવાજ આવ્યો, ‘જો ચૂંટણી જીતશો તો પ્રધાનમંત્રી કોણ બનશે ?’
સુષ્મા સ્વરાજે બહુ સારી રીતે પોતાની જ ઉમેદવારી નોંધાવી દીધી. તેમણે કહ્યું, ‘જુઓ ! રાજકારણમાં આપણી પાસે વેસ્ટમિન્સટર મોડલ છે. આ મોડલ મુજબ વિપક્ષના નેતા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોય છે.’
વિપક્ષના નેતા ખુદ સુષ્મા સ્વરાજ જ હતા એટલે પત્રકારોને જવાબ મળી ગયો હતો. જો તે વખતે કોઈનો વિરોધ ન હોત તો સુષ્મા સ્વરાજ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર થઈ જાત.
પરંતુ તે સમયે એવી ચર્ચા હતી કે, રાષ્ટ્રીય સ્વયંસેવકને આ વાત ન હતી ગમી. RSS ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ વિશે વિચારી રહ્યું હતું.
જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે થયું પણ એવું જ. પ્રધાનમંત્રીની પસંદગી ન તો વરિષ્ઠતાના આધારે થઈ ન તો વેસ્ટમિન્સ્ટર મોડલ. પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામ પર જ મહોર લાગી.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવી દેવાયા. જોકે, સુષ્મા સ્વરાજને પણ મહત્વનું પદ અપાયું. મંત્રીમંડળમાં સુષ્મા સ્વરાજને વિદેશમંત્રીની જવાબદારી સોંપાઈ. જે તેમણે બહુ સારી રીતે નિભાવી.
સુષ્મા સ્વરાજ ભારતના બીજા મહિલા વિદેશપ્રધાન હતા. સ્વરાજ પહેલાં ઈંદિરા ગાંધી આ પદ પર રહી ચુક્યા છે. સુષ્મા સ્વરાજ સુપ્રીમ કોર્ટના વકીલ પણ રહી ચુક્યા છે. સુષ્મા સ્વરાજ 7 વાર લોકસભાના સભ્ય અને 3 વાર વિધાનસભાના સભ્ય રહી ચુક્યા છે.
25 વર્ષની ઉંમરે તેઓ હરિયાણાના સૌથી યુવા મંત્રી બન્યા હતા. 1998માં ટૂંક સમય માટે તેઓ દિલ્લીના મુખ્યમંત્રી પદ પર પણ રહી ચુક્યા છે.
સુષ્મા સ્વરાજને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા છે.