Homeગુર્જર નગરીગોવા બાપા પરેશભાઈને ભલામણ કરજો કે આખી ફિલ્મ નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ...

ગોવા બાપા પરેશભાઈને ભલામણ કરજો કે આખી ફિલ્મ નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ પર મૂકે

‘ગોવા બાપા મને ખબર આજે તમને શેનું દુ:ખ છે ?’

ચાબુક હું ત્રણ વખત કેશુબાપાને મળ્યો. એ સમયે હું બાપા નહોતો, મને બધા ગોવાભાઈ કહેતા. એ જનતા વચ્ચે પ્રચાર કરવા આવતા ત્યારે મેં પણ એમની સાથે હાથ મિલાવેલો અને આજે બાપા આપણને છોડીને ચાલ્યા ગયા. જોકે આયુષ્ય એ લાંબું ભોગવીને ગયા એનાથી બીજું સારું શું કહેવાય ? બે વખત મુખ્યમંત્રી રહ્યા. પણ હવે તો 2020માં મારા હાથ પ્રિયજનોની વિદાય વિશે લખતા લખતા થાકી ગયા. આમ ભલે ચાબુક આપણે પત્રકાર રહ્યા અને સત્તામાં હોય તેનો વિરોધ કરવો એ ચોથા સ્તંભ તરીકેની આપણી ફરજ છે. પણ જ્યારે દુશ્મન પણ મૃત્યુ પામેને ત્યારે દુખ થવું જોઈએ. જો દુખ ન થાય તો તમે માણસ કહેવાને લાયક નથી. મૃત્યુ પછી આપણો અને તેનો દુશ્મનીનો કોઈ સંબંધ રહેતો નથી. આપણે તો બસ બધા પ્રવાસીઓ છીએ. બે ચાર વાતો કરશું અને પછી ચાલ્યા જઈશું. એમાં ઝેરના બીજ થોડા રોપાય. ચાલો તયે કેશુબાપાની આત્માને પરમકૃપાળુ પ્રભુ શાંતિ આપે. ચાબુક પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલી અને વંદન.

પરેશભાઈની ફિલ્મ

હવે જઈએ સીધા ભાવનગરમાં. ગોરધન ઝડફિયાએ ચોખ્ખા શબ્દોમાં પરેશભાઈ ધાનાણીને પડકાર ફેંક્યો છે કે, મારી સામે એક કલાક લાઈવ ડિબેટ કરો. કોંગ્રેસ અને ભાજપે કરેલા કામોની તુલના કરવામાં આવે. જો હું હારી જાઉં તો જાહેર જીવન છોડી દઈશ.

‘પરેશભાઈએ એવું શું કર્યું ગોવા બાપા કે લાઈવ ડિબેટની નોબત આવી ગઈ.’

જો ચાબુક. આજે પરેશભાઈએ સરકાર પર ટ્વીટથી વાર કર્યા. ટ્વીટર પર વેદના ગુજરાતની નામની એક શોર્ટ ફિલ્મ એમણે મૂકી છે. એ શોર્ટ ફિલ્મ તું અહીં પણ જોઈ શકીશ. નીચે જ છે. એ શોર્ટ ફિલ્મમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ દર્શાવવામાં આવી છે. સાથે જ ફી ભરવાનો મુદ્દો પણ વણી લેવામાં આવ્યો છે. પરેશભાઈ ધાનાણીએ તો કટાક્ષ કરતાં એમ પણ લખ્યું છે કે, આ તો હજુ ટ્રેલર છે ફિલ્મ તો હજુ બાકી છે.

‘‘ઓહો પરેશભાઈ જો ફિલ્મ જ મૂકવાના હોય તો એમને ભલામણ કરજો કે નેટફ્લિક્સ કે એમેઝોન પર મૂકે. થીએટર કરતાં ન્યાં આવું બોવ હાલે છે. લોકો ખૂબ જોવે’’

હવે રિપોર્ટ આવશે

તને ખબર છે ચાબુક. જે દિવસે આપણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પર ચપ્પલ ફેંકવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી, એ જ દિવસે મેં વાત કરેલી કે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં છિંડા રહી ગયા છે. હવે આ વાત IG સાહેબે પણ સ્વીકારી છે. ગૃહ રાજ્યમંત્રીએ તેમની સાથે વાત કરી અને પછી તેમણે આ વાતનો સ્વીકાર કર્યો. આ ખામીની તપાસ DySPને સોંપવામાં આવી છે. હવે રિપોર્ટ આવશે અને પછી પગલાં લેવાશે.

15,000 કરતાં વધારેની લીડ

કાલ આપણે વાત થઈ હતી ચાબુક કે કોળી સમાજના મત કોને મળવાના છે ? કોંગ્રેસના ઉમેદવાર ચેતનભાઈ ખાચર કહે છે કે, મત મને જ મળવાના છે. એ પાછા 15,000થી વધારેની લીડ સાથે જીતવાનો એમણે પ્રચંડ દાવો કર્યો છે. બીજી બાજુ કિરીટસિંહભાઈ ઉપર આરોપ પણ લગાવ્યો છે કે એ જનતાને ધાક ધમકી આપે છે.

જયચંદો અને ગદ્દારોને જનતા પાઠ ભણાવશે

મજા તો પ્રતાપભાઈના સોશિયલ મીડિયા પેજ પર આવે હો ચાબુક. એ હમણાં મજા કરાવે છે. પ્રથમ 16 કરોડની નોટ મૂકેલી અને હવે 16 કરોડના પ્લેકાર્ડ બતાવ્યા છે. એટલું જ નહીં પેલા પક્ષપલટો કરનારાઓને જયચંદ કહ્યા છે. એ વીડિયોમાં કહે છે કે જયચંદો અને ગદ્દારોને જનતા પાઠ ભણાવશે.

જૂનાગઢવાળાવને તો બખ્ખા હાલે હો ચાબુક

‘આ તમારી વાતમાં વારેઘડીએ જૂનાગઢ બોવ આવે હો ગોવા બાપા.’

સાંભળ્ય. વાત કંઈક એવી જ છે. ઓલી રોપવે વાળી ઉષા કંપની છે ને? એણે ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. 29 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી 500 રૂપિયા પુખ્ત વયના લોકોના અને બાળકોની ટિકિટ 250 રૂપિયા. તું જો ચાબુક હવે જે ભીડ થાય એ. પણ…

‘પણ શું ગોવા બાપા?’

પણ આ ખાલી જૂનાગઢ માટે જ છે. ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ આ વાતનો વિરોધ પણ કર્યો છે. એમણે કાયમી ભાવ ઘટાડવા પણ અપીલ કરી છે અને માત્ર જૂનાગઢ માટે નહીં પણ બધા માટે ભાવ ઘટાડવાની વાત કરી છે.

અર્થવ્યવસ્થા સુધરી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની વાત પર અડગ છે. એમણે ફરી એક વખત કહ્યું છે કે 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું લક્ષ્ય દેશ પ્રાપ્ત કરી લેશે. એમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને ટીકાખોરો સરકારની છબી ખરાબ કરી રહ્યા છે. એમણે તો એમ પણ કહ્યું કે, આર્થિક સ્થિતિ સુધારવામાં નવા ભારતની મહત્વની ભૂમિકા રહેશે એટલે કે આત્મનિર્ભર ભારત. પ્રધાનમંત્રી કહે છે, આપણો પ્રયાસ કોઈ દેશનો વિકલ્પ બનવાનો નથી, પણ એક એવો દેશ બનાવવાનો છે જે વિશ્વને અનોખો અવસર પ્રદાન કરે. ચાલો એ બહાને દેશની અર્થવ્યવસ્થા સુધરી રહી હોવાની વાત તો કાને પડી. હવે જો પ્રધાનમંત્રીની વાતમાં સાચું હોય તો ભયોભયો, કારણ કે GDPથી લઈને દરેક વસ્તુ ઘટી રહી છે. આમ જ રહ્યું તો પછી 2024માં મારો જન્મદિવસ આવશે પણ અર્થવ્યવસ્થા ટ્રિલિયન નહીં થાય એવું લાગે છે.

વેક્સિન આવે છે….

ચાબુક આવે છે પછી દુનિયાભરના લોકો એક જ વાત જાણવા ઈચ્છે છે કે વેક્સિન ક્યારે આવે છે ? એ વાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે જ દેશવાસીઓને કહી. એમણે દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે તમામ લોકોને વેક્સિન મળશે. દેશનો એક પણ નાગરિક વેક્સિન વિનાનો નહીં રહી જાય. લોકોએ સતર્ક રહેવાની જરૂર છે અને વેક્સિનનું કામકાજ આગામી સ્ટેજ સુધી પહોંચી ગયું છે. એટલે કે ટૂંક સમયમાં વેક્સિન મળશે ચાબુક.

360ની કલમ રદ ક્યારે થઈ ?

તને તો ખબર છે ચાબુક કે બિજલબેન પટેલને બોલવામાં ઘણી વાર ભૂલ થઈ જાય છે. આ વખતે કલમ 370ની જગ્યાએ કલમ 360 બોલી ગયા. આ વાત મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની ગઈ. જગમાલની દુકાને પણ બે જણા વાત કરતાં હતાં કે, બિજલબેન કોઈને કોઈ રીતે ચર્ચામાં આવી જ જાય છે. આ વખતે આર્ટિકલ 360 લઈ આવ્યા.

(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હાસ્ય-વ્યંગ અને કટાક્ષ કરતાં હળવાફુલ સમાચારો વાંચો રોજ સાંજે ચાબુક પર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments