પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજકીય ક્ષેત્રે જેટલા માહેર હતા તેટલા જ સામાજિક કાર્યોમાં પણ આગળ રહેતાં. કેશુભાઈ પટેલ લેઉવા પટેલ સમાજમાંથી આવતાં હતા. જ્યારે સૌરાષ્ટ્રની ધરતી પર શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની સાથે કેશુબાપા પણ આ સામાજિક અને ધાર્મિક કામમાં માર્ગદર્શન પૂરું પાડી સહભાગી થતા.

2011માં જ્યારે શ્રી ખોડલધામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે ખોડલધામ ખાતે કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા અને નરેશભાઈ પટેલના પરિવારની સાથે કેશુબાપાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.

2012માં જ્યારે શ્રી ખોડલધામ મંદિરની શિલાપૂજન વિધિ હતી ત્યારે મંદિરની શિલાનું સોમનાથ મંદિરના સાનિધ્યમાં નરેશભાઈ પટેલના પરિવાર અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના હસ્તે શિલાપૂજન કરાયું હતું. આ બાદ જ્યારે જ્યારે ખોડલધામના આંગણે અવસર આવ્યો હોય કેશુબાપાની હાજરી અચૂક હોય જ.