Homeવિશેષદીવનો કિલ્લો : જ્યારે છોકરીવાળા પૂછે, ‘છોકરાને દીવ જવાની ટેવ તો નથી...

દીવનો કિલ્લો : જ્યારે છોકરીવાળા પૂછે, ‘છોકરાને દીવ જવાની ટેવ તો નથી ને?’

સૌરાષ્ટ્રની વચ્ચોવચ આવેલ દીવ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં બસ એટલો જ ફર્ક છે કે દીવમાં પરમીટ સાથે દારૂ વેચાય છે. બાકીનું તમે સમજી ગયા હશો !! આવનારા સમયમાં દીવમાં કોઈ સારો કવિ પાકે તો તેણે આ નામ ધારણ કરી ખંડકાવ્યો લખવા રહ્યાં. જે બીજાને તો ન જ સમજાય, પણ પીને લખ્યાં હોવાથી મદ્ય અવસ્થામાંથી બહાર નીકળ્યા બાદ તેને પણ ન સમજાય.

જૂનાગઢ, ગિર સોમનાથની આજુબાજુના વિસ્તારમાં કોઈ બિચારાને દીવમાં ખરેખર કામ હોય એમ કહી નીકળે, તોપણ આડોશ પાડોશમાં છોકરો મદિરાપાન કરવા ગયો છે તેવી વાતો થવા લાગે. છોકરાને જોવા છોકરીવાળા આવ્યા હોય તો પાડોશમાં પૂછે પણ ખરાં, ‘છોકરાને દીવ જવાની ટેવ તો નથી ને ?’

આ વાદવિવાદ અને પરિસંવાદ પર તો મહોટો લેખ થઈ શકે. આજે વાત કરવી છે દીવના કિલ્લાની. આ કિલ્લામાં કોઈ બિચારું એકલું અટૂલુ હોય તો તે કિલ્લાની બહારનો બોર્ડ છે. જેને વાંચવાની કોઈ તસ્દી નથી લેતા. લોકો આવે છે, તેને જુએ છે અને આ હજુ પણ અહીંયા છે કહી તેની ટીકાના પુણ્યનું ભાથુ બાંધે છે. કિલ્લા પર જેટલો ફોટો પાડવાનો મહિમા છે તેટલો દરિયાનાં સૌંદર્યને જોવાનો નથી. જથ્થાબંધ લોકો દીવના કિલ્લાની ટોચ પર ચડી સેલ્ફી લેતા હોય છે. કિલ્લાની તોપ પર બેસી તેની અંદર 1500ની સાલમાં બચેલો ધુમાડો કાઢવા અથાગ મહેનત કરતાં હોય છે. નવ દંપતીઓ કિલ્લાની તોપ જેટલું અમારું દાંપત્ય જીવન ટકી રહે તેવી માનતાઓ મનમાં માનતી હોય છે.

તુલશીશ્યામની મુલાકાત લીધા પછી મારે દીવ જવાનું હતું. મેં અહીં કિલ્લાને અને કિલ્લા સિવાય બીજું શું શું છે તે જોવા જવાનો નિર્ણય કર્યો હતો. આમ તો મેં આખુ દીવ ઘુમવાની મનમાં યોજના ઘડી કાઢેલી, પણ પાંચમી વખત હું કિલ્લો અને ચર્ચ જોઈને જ પરત ફર્યો. મારા જેવી અનુભૂતિ તમામ પ્રવાસ લેખકોને થઈ હશે ? પ્રવાસ લેખકો પણ અહીં દીવ ઘુમવા આવવાનું વિચારતા હશે અને બાદમાં નાગવા બીચમાં સ્નાન કરી ઘરે પરત ફરતા હશે.

આ કિલ્લાને હું ભૌગોલિક રીતે તો દરિયાથી ઊંચો જ માનું છું. કિલ્લા પર ચડુ તો ઘુઘવતો દરિયો મને નીચો લાગે છે. ભૂગોળમાં મારી સમજણ આટલી જ છે !! કિલ્લાની ચારેબાજુ તોપ છે. તોપના મોટા મોટા ગોળા છે. ઘણા ગોળા પીધેલ સ્થિતિમાં લોકો આળોટે તેમ આળોટતા હોય છે. પણ તે કોઈને કનડતા નથી. દીવમાં આ બંન્ને વસ્તુનો પરાપૂર્વથી સંબંધ ચાલ્યો આવે છે. કિલ્લામાં પ્રવેશ કરો તો ડાબી બાજુ બપોર દરિયા કિનારા પાસે ઘણાં છોકરાઓ ક્રિકેટ રમતા દેખાય. એ દ્રશ્ય મને મુંબઈના દરિયા કિનારાની યાદ અપાવી ગયું. નાનપણમાં દીવનાં કિલ્લાને જોવા આવતો ત્યારે ક્રિકેટ રમવાની એક અદમ્ય ઈચ્છા હતી. જે આજ સુધી પરિપૂર્ણ નથી થઈ.

કિલ્લાની દિવાલોમાં અઢળક પોપટ છે. દીવના પોપટોને જ જોઈ મેં કહેવતની રચના કરેલી, પોર્ટુંગીઝો ગયા પણ પોપટ છોડી ગયા. જેની ગુજરાતી સાહિત્યએ નોંધ લેવી. અંદર પ્રવેશ કરતાં મહાકાય દરવાજો છે. જે રાત્રે બંધ થાય છે કે નહીં તેની મને ખબર નથી.

દીવના કિલ્લા પર ચડાઈ કરતાં પહેલાં પગ મજબૂત હોવા જોઈએ. જૂનાગઢનાં ઢાલ રોડ જેવો એક ઊંચો રસ્તો આડે આવે છે. દમનાં રોગીઓનો દમ કાઢી નાખતો એ ઢાળ ઘણાને અધવચ્ચે બેસવા મજબૂર કરી દે છે. ઉતરતી વખતે એ ઢાળ વૃદ્ધો માટે સમસ્યા બની જાય છે. ફટાફટ ઉતરવામાં કેટલાક કિશોરો મારી નજર સામે ગબડી પડેલા. પણ હું હસેલો નહીં, કારણ કે હું પણ તેમની જેમ જ દોડતો હતો. અમે એ દોડ માટે એક શબ્દો શોધેલો ફાસમફાસ.

વર્ષો પહેલા લોકો કિલ્લો જોવા માટે આવતા હતા. હવે ઉપર આપણે વાત કરી તેમ ફોટો પડાવવા માટે જ આવે છે. કેટલાક બપોરનું ભોજન પણ અહીં જ પતાવે છે. ઘણા કિલ્લાની ઠંડી જમીનમાં ઊંઘી જાય છે. કિલ્લાની અંદર કેટલીક એવી જમીન છે જે દરિયાની ઠંડી હવાની થપાટોથી એસીની ગરજ સારે. ઉનાળામાં મબલખ ભીડનું ક્યાંક આ તો કારણ નથી ને ?

ઉનાળામાં જ દુકાનદારોને કમાણીનો સારો અવસર મળે છે. દરેક મુસાફર ટોપી અને ચશ્મા ખરીદે છે. પહેલાં ઓછી રેકડીઓ હતી. પણ હવે એ ધંધામાં પણ રૂપિયા જોઈ ગયા હોવાથી ચણાચોર ગરમવાળાઓએ પણ જંપ લાવ્યું છે.

સેલ્ફીના જમાનામાં પણ ફોટોગ્રાફરો હોય તો તમને કેવું લાગે ! કિલ્લાની બહાર પાંચેક ફોટોગ્રાફરો લોકોને કિલ્લા સાથે, પરિવાર સાથે અથવા તો દીવની જેલનું લોકેશન આવી જાય તે રીતે ફોટો પડાવવા આજીજી કરતાં જોવા મળે. દીવની એ જેલ અને દરિયો તેમના માટે તાજ મહેલથી ઓછો નથી.  

દરિયાની વચ્ચે જેલ છે. બાળપણમાં ત્યાં ભૂત વસવાટ કરતું હતું તેવી અમે વાતો કરતા હતા. પરીકથાઓ જેવી લાગતી આ વાતો ખોટી હતી. પણ આજે એ ખોટી વાતો યાદ કરીને કિશોર સાહસકથાની જેમ મન ભરાઈ જાય છે. એ વાતો પણ યાદોમાં રહી ગઈ અને ઘણી કિશોર સાહસકથાઓ પણ.

દીવનું એક નામ દેવભદ્ર છે. આ દેવભદ્રમાં સંસ્કૃત ભાષામાં ભદ્ર એટલે કિલ્લો. 14મી સદીમાં દીવ એ વેપારીઓ માટે મહત્વનું બંદર હતું. અહીં ધંધો ધમધોકાર ચાલતો હતો. ધંધો ખૂબ ચાલતા 1534ની સાલમાં ગુજરાતના સુલતાન બહાદુરશાહે પોર્ટુગીઝોને કિલ્લો બાંધવાની પરવાનગી આપી. પોર્ટુંગીઝો તો આમંત્રણની રાહ જોઈને જ બેઠા હતા. એ પછી 1537થી 1962 સુધી દીવમાં પોર્ટુંગીઝોની સત્તા રહી.

સાહિત્યકાર રઘુવીર ચૌધરી પણ કહે છે, ‘દીવનો તો અર્થ જ દ્રીપ થાય છે.’ દીવના પણ ચારેક નામો છે. બીજા શબ્દોમાં દીવગઢ, દેવનગરી, દેવભદ્ર તરીકે ઓળખાય. જેને માત્ર ચોપડીમાં સ્થાન છે. વર્ષો પહેલા આ જમીનને લોકો દીઊં કહેતા હતા. ઉ બોલવામાં કફ થઈ જતો હશે એટલે તેમણે દીઊની જગ્યાએ દીવ નામ જ વ્યાજબી રાખ્યું હોવું જોઈએ.

દીવ વિશે તો હું ઘણું લખી શકું. મુખ્ય વાત તો ચેકપોસ્ટ વિશે કરવાની હોય. અહીંથી દારૂ લઈ જતા કોઈ પકડાય તો તે શું જવાબ આપશે, તે જાણવાની અન્યોને ઉત્કંઠા હોય છે. આમેય બીજાના ડખ્ખાને જોવાની મઝા જ અલગ છે. એક ભાઈ પોલીસના હાથે પકડાયેલા તો તેમણે કહેલું, ‘સાહેબ આ તો કફની દવા છે !!’

(પ્રવાસ અને તેમાં પણ હાસ્યલેખન ભેગુ થાય તો કેવી મજા આવી જાય. તમારી પાસે પણ જો આવા જ સરસ મજાના પ્રવાસ નિબંધ હોય તો અમને મોકલી આપો. અમારું ઈમેલ આઈડી વેબસાઈટ પરથી જ મળી જશે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments