ગોવાબાપા : રાતના કરફ્યુ સુધી તો બરાબર હતું. રાતના નવથી સવારના છ વાગ્યા સુધી, પણ ચાબુક હવે શનિ-રવિ પણ કરફ્યુ કરી દેતા જનતા ખીજાણી છે. જનતા સોશિયલ મીડિયા પર લખ્યા લખ થઈ છે કે, પોતાના ચૂંટણીના તાયફા પતી ગયા એટલે 57 કલાકનું કરફ્યુ લાદી દીધું.
વાત તો સાચી છે ચાબુક. રાત સુધી તો બરાબર હતું, પણ ત્રણ દિવસ જેટલું લાંબુ કેમ ખેંચવું. અમદાવાદમાં કરફ્યુ લાદવામાં આવ્યા પછી સ્થિતિ વણસી ગઈ. લોકો દોડવા લાગ્યા કે ખાવા પીવાનું બધું ભેગુ કરી લો. એક ભાઈ તો મારી સામે જગમાલની દુકાનેથી નવેક કોથળી દૂધ લઈ ગયા. મને થયું શનિ-રવિમાં આટલો બધા ચા પી જાશે. માણસ છે કે ચાની કિટલીનું ટોપીયું ?
જગમાલ તો મને કહેતો પણ હતો કે, ‘મારી દુકાન તો આખી ખાલી થઈ ગઈ. હવે આજ રાતથી હું પણ નવરો.’
લોકડાઉન પછી ધંધા નથી ચાલતા. માંડ માંડ ધંધાને પાટે લાવવાનો પ્રયત્ન કરતા હતાં ત્યાં શનિ-રવિના કરફ્યુનું માથે આવ્યું. જનતા એ વિચારે બધુ ભેગું કરવા લાગી કે ક્યાંક લોકડાઉનની અવધિ વધી ન જાય. જોકે મુખ્યમંત્રી વિજયભાઈએ કહ્યું કે, ‘ગુજરાતમાં લોકડાઉનનું કોઇ આયોજન નથી. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, આ વિકેન્ડ કરફ્યુ છે.’
Ahmedabad: Crowds seen in markets ahead of curfew starting 9 pm tonight; restrictions to remain in place till Monday.
— ANI (@ANI) November 20, 2020
"Everybody was following norms. Due to Diwali, rush got out of hand & people weren't able to maintain social distancing," says a shop owner.#Gujarat #COVID19 https://t.co/me0Lc53B3Y pic.twitter.com/RkbJNVoAOT
કેટલાક માર્કેટોમાં તો જાણે પેટા ચૂંટણી હવે શરૂ થઈ હોય અને નાગરિકો મતદાન કરવા લાઈનમાં ઊભા હોય એવા દૃશ્યો સર્જાયા. વાત પાછી અમદાવાદ પૂરતી નથી. સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ હવે રાતના 9થી સવારના 6 સુધી કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. જેની વાત હમણાં જ જાણવા મળી.
ઘણા લોકોએ શનિ-રવિમાં બુકિંગ કરાવ્યું હશે. હવે એ બધુ માથે પડ્યું. મુહુર્ત તો કરફ્યુમાં ચાલ્યું જવાનું. દિવ્ય ભાસ્કરે હમણાં લખ્યું એ જોતા મારો તો શ્વાસ અદ્ધર ચડી ગયો.
‘ધીમે ધીમે ગોવાબાપા ઉંમર થઈ તમારી વધારે લોડ લ્યોમાં.’
દિવ્ય ભાસ્કરે લખ્યું કે, ‘1700 લગ્ન અટવાણા. કંકોત્રી છપાઈ ગઈ. મહેમાન આવી ગયા.’ વરરાજા તૈયાર છે. વધુ પણ તૈયાર છે. એમના અરમાનો પર પાણી ફેરવી દેતા કરફ્યુ પણ તૈયાર છે.
‘હવે ક્યાંક એવો જવાબ ન મળે ગોવાબાપા કે શનિ-રવિ તો રજા હોય. રજામાં લગ્ન ન કરાય.’
તું પણ મારી જેમ કટાક્ષ કરવા માંડ્યો હો ચાબુક. ઘણા તો કાલ સોશિયલ મીડિયામાં જામ્યા હતા, ‘બોલે મોર સિઝન-5…’ એલા આ કંઈ નેટફ્લિક્સ ઓરિજનલની સિરીઝ થોડી છે.
‘હવે શું કરવું બાપા. સરકાર પાસે તો નેટફ્લિક્સની ડાર્ક સિઝન જેવી ગુફા પણ નથી કે ગુફામાં જઈ બધું બરાબર કરી આવે.’
‘એ વળી શું ?’
‘તમે ઢોલા-મારું જોવ. તમને નહીં ખબર પડે.’
ખરીદી કરી લઉં
લોકોના મગજમાં એક ડર પેસી ગયો ચાબુક કે, ગઈકાલ રાતના 9થી સવારના 6 તો બરાબર હતું, પણ આ શનિ-રવિ?? તને ખબર નહીં હોય પણ કેટલીક કંપનીઓ એવી છે જ્યાં શનિ-રવિ પણ કામ કરવા જવાનું હોય છે. આવી કંપનીઓમાં આપણી પત્રકારત્વની નોકરી પણ આવી જાય. સરકારી ખાતાની જેમ દરેક જગ્યાએ શનિ-રવિની રજા નથી હોતી. પ્રાઈવેટમાં તો સદંતર નથી હોતી. લોકો આજ સવારથી બહાર નીકળ્યા અને શાકભાજી ખરીદવા…
‘તો કે લાઈનો ગોવાબાપા.’
‘કરિયાણું ખરીદવા….’
‘તો કે લાઈનો ગોવાબાપા.’
એમાં કાલુપુર શાક માર્કેટે ભરચક ભીડ થઈ. તેની તસવીર તું જો તો તને એમ જ લાગે કે કોઈએ ડ્રોન કેમેરાથી શિવરાત્રીના મેળાની તસવીર લીધી છે કે શું ? મને તો જૂનાગઢનો મેળો યાદ આવી ગયો.
એમાંય શિવરંજની બાજુ જે ડિ-માર્ટ છે ત્યાં તો નોટબંધી કરતાં પણ લાંબી લાઈન લાગી ગઈ હોય એવું લાગ્યું. હાથમાં થેલીઓ સાથે લોકો તૂટી પડ્યા. આખરે તંત્રએ ડિ-માર્ટને સીલ કરવો પડ્યો.
STનું શું થાશે ?
હવે છે એવું કે કરફ્યુમાં બહારગામથી જે બસો અમદાવાદ આવે છે તે હવે બાયપાસ થઈને જતી રહેશે. બીજી બાજુ અમદાવાદથી રાતે ઉપડતી બસોની સંખ્યા 350 જેટલી છે. જે રાતના કરફ્યુના કારણે એસટી વિભાગે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે અમદાવાદથી ઉપડતી ફ્લાઈટના શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.
#COVID19 update : #Ahmedabad pic.twitter.com/HazilVmpdy
— Vrushant Merchant (@VrushantM) November 20, 2020
‘આકાશમાં હજુ મકાન નથી બન્યા અને લોકો નથી રહેતા એટલે હશે.’
‘હે ચાબુક કોઈ વાર તો તું ધડ માથા વિનાની વાતો માંડે હો બેટા.’
સ્કૂલો ક્યારે શરૂ થાશે ?
હું કઉં ચાબુક કોરોના જલદી જાય અને શાળાઓ શરૂ થાય તો સારું. ગગજી અને મગનના છોકરા પાછળ પડી ગયા છે. જ્યારે જાઉં ત્યારે નીત નવીન પેંતરા અજમાવતા હોય છે. કાલ તો મારી ભેંસ ઉપર બેસીને રમતા હતા. માંડ ઉતાર્યા. એમાં ભેંસ ભડકી તે મારી જ પાછળ દોડી. એ પણ નહોતી જોતી કે, હું એનો ગોવાબાપા છું. મને એવું લાગે છે કે શૈક્ષણિક કાર્ય કદાચ ડિસેમ્બર મહિનાથી શરૂ થાશે. વાલી મંડળે તો આજે ધોરણ એકથી આઠને માસ પ્રમોશન આપી દેવાની વાત પણ સામે લાવી.
‘કાં ગોવાબાપા ઢીલા થઈ ગયા?’
‘માસ પ્રમોશન આપે ને તો ગગજીનો છોકરો ચાર વર્ષથી સાતમામાં છે એ આઠમાં ધોરણમાં ચાલ્યો જાશે. મહેનત વિના!!!’
‘હવે આવું તો થયા કરે. તમેય દસમું દસ વખત નહોતું કર્યું.’
માસ્ક પહેરો
કોર્પોરેશન હવે કોરોનાને લઈ કડક થયું છે. એવું કડક થયું છે ચાબુક કે માસ્ક ન પહેર્યું હોય તો એ ભાઈશ્રી કે બહેનશ્રીનો ટેસ્ટ કરવામાં આવે. ટેસ્ટ થયા પછી જો પોઝિટીવ આવે તો ગાડી ઉપડે હોસ્પિટલ બાજુ અને જો નેગેટિવ આવે તો કાઢો 1000. સીધો દંડ.
‘હે ગોવાબાપા રાતના કરફ્યુથી કોરોનાને શું થાશે ?’
‘એને ઠંડી લાગશે અને ગોદડા ઓઈઢા વિનાનો રહેશે તો ગુજરી જાશે. હવે મને નથી ખબર. હાલ તયે કાલ મળીએ.’
(દેશ-દુનિયાના સમાચારો હળવાફુલ થઈ વાંચો રોજ સાંજે પ્રાઈમ ટાઈમમાં ગોવાબાપા સાથે)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત