Team Chabuk-Entertainment Desk: આ ધરતી પરના બે સૌથી મોટા એવોર્ડ. એક ઓસ્કર અને બીજો નોબેલ. ગમે તે એક મળી જાય તો કલાકાર માટે જીવન જીવ્યું સાર્થક ગણાય. ઘણા આખી જિંદગી મહેનત કરે છે પણ વેત એક છેટા રહી જાય છે. ઘણાની કિસ્મતમાં એક ના વિનાના બે-બે લખેલા હોય છે. ઓસ્કરમાં તો ઘણા ત્રણ ત્રણ લઈ ગયેલાના દાખલા છે. પણ કોઈ દિવસ એવું વિચાર્યું છે કે નોબેલ અને ઓસ્કર આ બંને એવોર્ડ જીત્યા હોય એવા આ ધરતી પર કેટલા લોકો છે ?
ઓસ્કર વિશે કંઈ કહેવાનું રહેતું નથી. એક્ટિંગ, ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી, એડિટીંગ, પટકથા સહિતના સિનેમાના મોટા મોટા ડિપાર્ટમેન્ટમાં, વર્ષે ફિલ્મના જે ડિપાર્ટમેન્ટનું બેસ્ટ લાગતું કામ હોય તેને મળે છે. નોબલ 6 કેટેગરીમાં આપવામાં આવે છે. શાંતિ, સાહિત્ય, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાશ્ત્ર.
આ દુનિયામાં કળા સાથે સંકળાયેલા કે વિજ્ઞાન સાથે પનારો પાડનારા કોઈ પણ વ્યક્તિનું એક સપનું હોય છે કે, બસ આ એવોર્ડ મને મળી જાય. એવોર્ડ મળવાથી પેઢીઓ તરી જાય છે. કોઈને એવો વિચાર આવ્યો છે કે મારા ઘરના શો-કેસમાં ઓસ્કર અને નોબેલ આ બંને હોય. આમ તો અશક્ય છે, કારણ કે બંનેના ક્ષેત્રો અપાકર્ષણ ધરાવે છે. સિવાય કે એક ક્ષેત્ર. બે લોકો એવા છે જેમણે આ અપાકર્ષણને આકર્ષણમાં બદલી નાખ્યું છે. જ્યોર્જ બર્નાડ શો અને બોબ ડિલન. હવે કેવી રીતે મળ્યો છે એની વાત કરીએ.
જ્યોર્જ બર્નાડ શો
જ્યોર્જ બર્નાડ શો. ધ મોસ્ટ ફેમસ હ્યુમરિસ્ટ. મોસ્ટ ફેમસ પ્લે રાઈટર. કોઈના પર પણ કટાક્ષ કરી નાખે. માણસ ડાચાથી ગમે નહીં તો ડાચા સામે જેવું લાગે એવું બોલી નાખે. નાટકો રંગમંચ પર ભજવાતા અને બીજી બાજુ છપ્પરફાડ કમાણી પણ કરી લેતા હતા. પૈસાનો વરસાદ થતો. લાંબી લાઈનો લાગતી આ મહાશયના નાટકોને જોવા. એમના નાટકોના પુસ્તકો આજે પણ એટલા જ વેચાય છે અને વંચાય છે. પોલિટિક્સમાં ખાસ્સો રસ હતો. રસ નહોતો લેવો પણ ચર્ચીલના કારણે લેતા હતા. ગધેડા રાજકારણીઓને ગધેડા કહેવાની ક્ષમતા ધરાવતા હતા.
જેમ કે એક વખત ચર્ચીલ એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. સામે જ્યોર્જ બર્નાડ શો આવી ગયા. હવે પુલ સાંકડો. બંને સામ સામેની બાજુ. કેમ કરીને નીકળવું. ચર્ચીલે કહ્યું, ‘હું ગધેડાઓને પુલ પરથી નથી નીકળવા દેતો.’
સામેથી શોએ કહ્યું, ‘હું નીકળવા દઉં છું. આપ નીકળી જાવ.’

આ મશ્કરાને 1925માં સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો હતો. તેના જ નાટક પિગમેલિયન પરથી ફિલ્મ બની તો તેમાં સ્ક્રીનપ્લે લખવા બદલ ઓસ્કર મળી ગયો. બેસ્ટ પટકથાકાર. ઓસ્કર મળ્યો ત્યારે તેમની ઉંમર હતી 82 વર્ષ.
આ માણસનું જીવન જ હસાવી હસાવીને લોટપોટ કરી નાખે. એક દિવસ એક પુસ્તકની દુકાનમાં તેમને તેમની જ ચોપડી હાથ લાગી ગઈ. અંદર ખોલીને જોયું તો એ એ પુસ્તક હતું જે તેમણે તેમના મિત્રને ભેટમાં આપ્યું હતું. તેમના હસ્તાક્ષર પણ હતા. ‘મારા પ્રિય મિત્રને આદર સાથે જ્યોર્જ બર્નાડ શો તરફથી.’
શોએ તાત્કાલિક એ પુસ્તક ખરીદી લીધું અને મિત્રને મોકલી દીધું. અંદર લખ્યું હતું, ‘અપડેટેડ વર્ઝન.’ 2016 સુધી જ્યોર્જ બર્નાડ શો આખી દુનિયામાં એકલા એવા માણસ હતા જેમને ઓસ્કર અને નોબલ બંને મળ્યા હોય. તેમના પછી બોબ ડિલન આવી ગયા અને તેમને બંને માટે મળી ગયો એટલે જગતમાં થયા બે મહાપુરૂષો. બોબ ડિલન વિશે જાણીએ.
બોબ ડિલન
ગાયક, સિંગર, લિરિસિસ્ટ અને લેખક. શોની મોત થઈ ત્યારે ડિલનની ઉંમર 9 વર્ષની હતી. 60ના દાયકામાં અમેરિકામાં જ્યારે ક્રોસ કલ્ચર ચળવળ ચાલી રહી હતી અને સંકટના વાદળ ઘેરાયા હતા. એ સમયે બોબ આ બધાના ગળાનો અવાજ બની ગયા.

અમેરિકાના લોકોએ તેમને આવકાર્યા અને સન્માન આપ્યું. એમણે ગીતો પર કવિતાનું ઘરેણું ચડાવી દીધું. જેથી લોકોને સમજાય. તેમના કાનમાં નહીં મગજમાં ઉતરે. 2000ની સાલમાં બોબ ડિલનને વંડર બોયઝ ફિલ્મના ગીત થિંગ્સ હેવ ચેન્જ્ડ માટે ઓરિજનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. 13 ઓક્ટોબર 2016ના રોજ એમને સાહિત્યમાં નોબેલ મળ્યો. આજે પણ આ બે જ એવા મહાનુભવો છે જેમને નોબેલ અને ઓસ્કર બંને મળ્યા હોય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત