Homeગુર્જર નગરીહે ચાબુક સરકાર તો બે લાખ યુવાનોની ભરતી કરવાની છે

હે ચાબુક સરકાર તો બે લાખ યુવાનોની ભરતી કરવાની છે

ગોવાબાપા : હે ચાબુક પેલા છે ને તને એક જોક્સ સંભળાવું.

ગુજરાતની એક ખ્યાતનામ ટીવી ચેનલમાં આજે બજેટ મુદ્દે એક કાર્યકર્તાની ડિબેટ માટે જરૂર હતી. જે સરકાર તરફથી પોતાનો પક્ષ રાખી શકે. હવે તને તો ખબર છે કે સરકારમાં કોણ છે. ભાઈએ ધડ દઈને ના પાડી દીધી.

આમ તો આ ભાઈ હર વખતે ટીવીમાં પોતાનો અનુભવી ચહેરો દર્શાવવા માટે આતુર અને ઉત્સુક હોય છે પણ અચાનક એમને શું થયું કંઈ ખબર જ ન પડી. ઓલા ચેનલુવાળાએ પૂછ્યું કે, ભાઈ તમે હર વખતે તો આવો પણ આ વખતે કેમ નથી આવતા ?

તો’કે પેટ્રોલના ભાવ વધી ગયા છે અને હવે તમારી ચેનલ સુધી લાંબા થવું મને પરવડે નહીં.

‘હા મોજ હા ગોવાબાપા.’

‘શું કઉં હવે કોઈ વાર નવરા બેઠા હોય તો આવા જોક્સ બની જાય. પણ આજે તને ખબર છે આપણે વાત શેની કરવાની છે…..?’

‘બજેટની…’

બરાબર. ગુજરાતની જનતાએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા. રૂપિયાવાળાવને જેમ ધનપતિ કહેવાય એમ ભાજપને મતપતિ બનાવી દીધા, પણ ભાજપે ગુજરાતની જનતાની જરાય દયા ન રાખી. વેરામાં જરાય ઓછું ન કર્યું. આખા ગુજરાતની મીટ તો ન્યાં જ મંડાયેલી હોય ને.

‘એ ગોવાબાપા મને એક વાત કહોને ?’

‘બોલ…’

‘કાલનો હું મૂંઝાણો છું કે આ ગુજરાતમાંથી કોઈ કોંગ્રેસને મત આપવા કેમ નથી માગતા ? ’

હવે જો બેટા ચાબુક બધા રાજકીય વિશ્લેષકો પોત પોતાની રીતે આ આખા દૃશ્યને જોશે. હું તો આને એક અલગ જ એન્ગલથી જોઉં છું. મને એવું લાગે છે ચાબુક કે ગુજરાતની જનતા થાકી ગઈ છે. પહેલા કોંગ્રેસને મત આપી મજબૂત વિપક્ષ માટે અને પોતાની સમસ્યા માટે જનતા ઊભા રાખે અને પછી કોંગ્રેસનાં એ જ નેતાઓ કૂદકો મારી ભાજપમાં ચાલ્યા જાય તો જનતા માટે તો હતું એનું એ જ થયું ને ? હવે જનતાને થાય કે આમને કૂદકા મરાવવા એનાં કરતા ભલું એ જ છે કે ડાયરેક ભાજવાળાવને જ જીતવી દ્યો.

‘હા મોજ હા. તમે પણ જબ્બર બમ્પરિયું મારી દીધું હો ગોવાબાપા.’

એ તો છે જ ને હવે… તું પરવાનગી આપે તો આપણે આપણી ગાડી બજેટનાં રોડ ઉપર હડેડાટ મારી મૂકીએ. સાંભળ્યું છે રોડેય સારા બની ગ્યા છે એટલે ભાગશે પણ બરોબરનું.

ગુજરાતનું ઐતિહાસિક બજેટ

પહેલાં તો તને નાણામંત્રી નીતિન પટેલ અને ગુજરાતની સરકારે રચેલો કિર્તીમાન યાદ અપાવી દઉં. આ બજેટનું ટોટલ કદ છે 2 લાખ 27 હજાર 029 કરોડ રૂપિયા. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ બજેટમાં જ કૃષિ અને કલ્યાણ સાથે સહકાર વિભાગ માટે કુલ 7232 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ક્યાંય પરીક્ષામાં પૂછાય જાય તો ધ્યાન રાખજે કે ગુજરાત સરકારનું ટોટલ બજેટ કેટલું ?

ખેડૂતોને શું મળ્યું ?

એક બાજુ દિલ્હીમાં ભવનાથનો મેળો જામ્યો હોય એમ ખેડૂતો ઉમટ્યા છે અને ત્રણ કાયદા પરત લેવા માટે બેઠા છે. હવે તો આમ ને આમ કરતા વર્ષોનાં વહાણ ન વીતી જાય તો સારું. નવી નવી રણનીતિ ઘડે છે. પણ સરકાર છે કે કૃષિ કાયદાઓ પરત ખેંચવા માટે તૈયાર નથી. ત્યારે સૌની નજર તો ગુજરાત સરકારે બજેટમાં જગતના તાતને શું આપ્યું તેના પર જ હોય, કારણ કે વર્ષોથી અહીં ભાજપની સરકાર છે. ગુજરાત ભાજપ ખેડૂતો માટે શું શું કરે છે ?

1)રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્યે આપવાની યોજના માટે 87 કરોડની જોગવાઈ.

2)ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂપિયા 10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત 82 કરોડની જોગવાઈ.

3)બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઈડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂપિયા 55 કરોડની જોગવાઈ.

4)એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા 50 કરોડની જોગવાઈ.

5)ડાંગ જિલ્લાને રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશ્યથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે 10 હજાર તથા બીજા વર્ષે 6 હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂપિયા 32 કરોડની જોગવાઈ.

6)ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ.

સંસ્કૃતનાં વિદ્યાર્થીઓ માટે ખાસમ ખાસ

ખાસ તો આજે સંસ્કૃતનાં કેટલાક વિદ્યાર્થીઓ બોવ ખુશ થતા હતા ચાબુક. તને તો ખબર છે ચાબુક સંસ્કૃત એ બધી ભાષાઓની જનની છે. કંઈક શબ્દ હોય એટલે લોકો કહેવા માંડે કે સંસ્કૃતના આ શબ્દમાંથી અપભ્રંશ થઈ આવ્યો છે. જોકે સંસ્કૃત પ્રત્યે ઉદાસીનતા ઘણી જ પ્રવર્તી રહી છે. જોઈએ એટલા વિદ્યાર્થીઓ નથી હોતા અને વિદ્યાર્થીઓ હોય અને એ સંસ્કૃતમાં જ કારકિર્દી બનાવે એવા તો કેટલાક જ. એટલે બજેટમાં બીજા ભલે મોટી મોટી વાતો કરતા પણ હું તો સંસ્કૃતને મારા લખાણમાં લાવ્યો છું.

સંસ્કૃત પાઠશાળાઓનાં સુદૃઠીકરણ માટે મિશન ગુરૂકુલ યોજના અંતર્ગત સરકારે કુલ 10 કરોડની જોગવાઈ કરી છે. સંસ્કૃત માટે આટલા રૂપિયા ફાળવવા બદલ બીજા કોઈ માને કે ન માને હું વિજયભાઈ અને નીતિનભાઈનો આભારી છું.

સ્વાસ્થ્ય સેવા

સ્વાસ્થ્ય સેવાના મુદ્દે હવે ભારત આખાની તમામ સરકારો જાગૃત થઈ છે કારણ કે અણીના ટાઈમે તો ડોક્ટરો જ કામ આવે. સારી મેડિકલ વ્યવસ્થા જ કામ આવે. ગુજરાતની સરકારે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન થાય આ માટે કુલ 87 કરોડ રૂપિયા ફાળવી દીધા છે. અને હું તો કઉં આજ જરૂરી છે.

નોકરી ધંધો

મુખ્યત્વે યુવાનોને જરૂરિયાત તો નોકરીની જ હોય ને ચાબુક. આજે બજેટ રજૂ કરતા નીતિન ભાઈએ એ જાહેરાત પણ કરી દીધી છે. હવે આગામી પાંચ વર્ષમાં સરકાર બે લાખ યુવાનોની ભરતી કરશે. એ ભરતીઓ સરકારી કચેરીમાં, બોર્ડ કોર્પોરેશનમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં થશે. જેથી ગુજરાતમાં લાખો યુવાનોને સરકારી નોકરીનો લાભ આગામી સમયમાં મળવાનો છે એવું નીતિનભાઈએ કીધું છે. હવે જોઈએ સરકાર આ ભરતીઓ ક્યારે કરે છે. મારી ઉંમર આટલી મોટી નહોત તો હુંય ફોર્મ ભરેત.

ચેટલું માણહ છે…

એક તો માનવું પડે કે તાજમહેલનો કોઈ પ્રતિદ્વંદી હોય તો એ આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આજે નાયબ મુખ્યમંત્રીએ બજેટ રજૂ કરતા સમયે એ વાત પણ ઊચ્ચારી દીધી કે જેટલા તાજમહેલ જોવા આવ્યાં તેના કરતાં ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવ્યાં છે. એટલે કહી શકાય ચાબુક કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તાજમહેલનું ઘર ભાંગી નાખ્યું છે.

આની હારે હારે નીતિનભાઈએ કમલમની વાત કરી. તને યાદ છે ને ચાબુક વિજયભાઈએ ડ્રેગનફ્રૂટનું નવું નામ કમલમ્ પાડ્યું છે, કારણ કે તેનો કમળ જેવો આકાર છે. નીતિનભાઈએ કીધું કે એની નિકાસ વધી ગઈ છે. જબરું કહેવાય જ્યારે એ ડ્રેગનફ્રૂટ હતું ત્યાં સુધી વેચાતું નહીં અને હવે એની અચાનકથી નિકાસ વધવા લાગી છે.

‘ગોવેન્દ્ર કુમાર ઓછા ચાબખા મારો ઓછા.’

ધાર્મિક સ્થળોને પણ પ્રોત્સાહન

બજેટમાં સરકારે ધાર્મિક જગ્યાઓને ખાસ્સુ પ્રોત્સાહન આપ્યું છે. કોરોના હોવા છતાં વિકાસનાં કામ થતાં રહ્યા અને તેમાં જૂનાગઢને મહાકાય રોપ-વે મળ્યો. ત્યાં સિંહ સદનની પણ શરૂઆત થઈ. હવે અંબાજીની શક્તિપીઠનું પણ વિકાસ કાર્ય થાય અને ત્યાં પણ માનવ મહેરામણ ઉમટે આ માટે 6 કરોડ રૂપિયા ફાળવી દીધા છે. હું તો કઉં ભાજપની જે સરકાર છે એ ટુરિઝમમાં કંઈક વધારે જ રૂપિયા લગાવે છે, કારણ કે દરેકનાં ઘરનો દર બીજો વ્યક્તિ ફરવાનો તો શોખીન હોય જ. તેનાથી નાણું પણ ઘુમતું રહે.

આમ તો બજેટની ઘણી ઘણી વાતો થઈ. કાલ સવારમાં છાપામાં વાંચી લો તોય બધુ આવી જાશે. જોકે સરકારે તો એપ્લિકેશન જ બહાર પાડી દીધી છે એટલે હવે ન્યાંય બજેટ વાંચી લે. ન ખોલે ટીવી, ન ખોલે વેબસાઈટો. હાલો તયે મળીએ કાલ….

(રાજકારણના આવા જ અતરંગી અને સતરંગી કટાક્ષયુક્ત સમાચારો વાંચો પત્રકાર ગોવાબાપાની કલમે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments